Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

વર્ષા ઋતુ એટલે સૃષ્ટિમાં ચેતના ભરતી ઋતુ. મેહુલો વરસે, મોરલા ટહુકે ને સરવર,

 સરિતા જોબનવંતી થઈ મલકે. લીલીછમ ધરતી ને ડુંગરા નયનોને ખુશીઓથી

 છલકાવી દે .

ખેડૂત ને દેશ બંને વર્ષાને વધામણાં દે…આવો …પધારો…રે મેઘરાજા.

રમેશ પટેલ(આકાશદીપ)

Image result for વર્ષા ઋતુ

(Thanks to webjagat for this picture)

કોણ ભીંજવે ભીતર……રમેશ પટેલ(આકાશદીપ)
કોણ  ભીંજવે  ભીતર
ગગન ગાજતું અંદર

ટપટપ  છાંટે ગાતું  હૈયું આજ મધુરાં ગાન
છોડ અટખેલી પવન આતો કેવાં રે તોફાન

કોણ રમાડતું  છાનું
છમછમ નાચે પ્યારું

મોર બનીને  દે મનડાં મૌસમનો  ટહુકાર
સાત રંગોથી  કોણ રમે મેઘધનુષ ટંકાર?

અષાઢના  આ સગડ
નક્કી વ્હાલના વાવડ

દૂર દૂર   ભાળું  વરસતો   દોડીને વરસાદ
થઈ ધન્ય  જગત ઝીલતું કુદરતી પ્રસાદ

સૂણ લીલુડા રે સાદ
મનગમતી એ  યાદ

છૂટે સોડમ ધરાની  ને છમછમ સરવર
ઝીલું હથેલીએ ચોમાસું ને ભીતર ફરફર
કોણ ભીંજતું ભીતર…કોણ ભીજતું ભીતર

રમેશ પટેલ(આકાશદીપ)

‘પિતૃદિન…કેટલું બધું ઋણી છે જગત માવતરનું. શિશુવયે બાળકોનો આદર્શ એટલે પિતા. તેની છાયામાં એનું ઘડતર થાય. ઉચ્ચ સંસ્કારનાં બીજ રોપી એને પોતાની રીતે ,જીંદગીમાં કઈં કરી બતાવવા સક્ષમ કરે…

શ્રી ભગવતી કુમાર શર્માજીની ખ્યાત પંક્તિઓ..’એ પિતા હોય છે’…છોકરીને સાસરે જતી વખતે દિન થઈ વદતા..રડતા.’મારી દીકરીને સારી રીતે રાખજો, હાથ જોડી પ્રાર્થના કરતા…કે…દીકરાને સારી શાળા-કોલેજમાં એડમિશન માટે, ડોનેશન માટે દેવું કરી,

જાત ઘસાઈ જાય એવી મહેનત કરતા…એ પિતા હોય છે.

 આવો એ પ્રગટ દેવને/ માવતરને વંદીએ.

રમેશ પટેલ(આકાશદીપ)

કે હેતે અર્પું હું ફૂલછાબ….રમેશ પટેલ(આકાશદીપ)  

 

ખળખળ વહેતાં ઝરણાં અમે,

તમે પિતાજી પહાડ

જગ વાવાઝોડાં ઝીલ્યાં તમે,

દઈ સાવજસી દહાડકે હેતે અર્પું હું ફૂલછાબ

 

પવન તમે ને માત ફૂલડું,

મળી આંગણે વસંત

રૂક્ષ દીસતા ચહેરા ભલે,

હસી ખુશીના સંગ

હૈયે જડીયા મોટા ખ્વાબ,

કે હેતે અર્પું હું ફૂલછાબ

 

તિમિર વેદના વેઠી ઉરે,

ધરી   સુખની છાંય

થઈ ગયા મોટા અમે કેમના,

ન જાણ્યું કદી જદુરાય

દેવ પ્રગટ તમે છો તાત! કે હેતે અર્પું હું ફૂલછાબ

 

ઘરઘર ઉજળા તમથી મોભી,

ગદગદ લાગું જ પાય

ચક્ષુ અમારા ચરણો ધૂએ,

સમરું સ્નેહ તણા એ દાન

ગાજે મન અંબરે રૂઆબ!

કે હેતે અર્પું હું ફૂલછાબખળખળ વહેતા..

…………………………………………………………………………………………

 

……………………………………

પ્રગટ દેવ…..રમેશ પટેલ(આકાશદીપ)

આ  પૂષ્પ ખીલ્યું તે પિતાજી
ને સુગંધી તે માતારે

આ ઊંચા પહાડ તે પિતાજી
ને સરવાણી તે માતારે

આ અષાઢ ગાજ્યા તે પિતાજી
ને ધરતી મ્હેંકે તે માતા રે

આ સાગર ઉછળે તે પિતાજી
ને ભીંની રેત  તે માતા રે

આ ત્રિપુંડ તાણ્યું તે પિતાજી
ને ચંદન લેપ તે માતા રે

આ કવચ કૌવત તે પિતાજી
ને  મમતા ઢળી તે માતા રે

આ ઢોલ વાગ્યું તે પિતાજી
ને શરણાયું તે માતા રે

આ ધ્રુવ તારો તે પિતાજી
ને અચળ પદ તે માતા રે

આ પ્રગટ દેવ તે પિતાજી
ને પ્રભુ પ્યાર તે માતા રે

રમેશ પટેલ(આકાશદીપ)

આપણી  ગુજરાતી ભાષા એ સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી ભાષા છે. છ કરોડ લોકોની એ બોલી તરીકે ,વિશ્વમાં ૨૬ મા ક્રમની ભાષા તરીકે નોંધાયેલી છે. નાગરી લિપીની લેખન પધ્ધતિ પ્રમાણે એ લખાય છે. ગુજરાતી સાહિત્ય એ પરંપરા, સંસ્કૃતિ, નૃત્ય, સંગીત, વાર્તા ને નાટ્ય ક્ષેત્રે સમૃધ્ધ છે.ગુજ્જરોએ ઇ.સ. ૭૦૦-૮૦૦ દરમ્યાન અહીં શાસન કર્યું ને આ પ્રદેશ ગુજરાત બની ગયો. આવો ગરવી ગુજરાતની આ ગૌરવી ભાષાને, બે એરીયાના (કેલિફોર્નીઆ) ના ડોશ્રી પ્રતાપભાઈ પંડ્યા(પુસ્તક પરબ),

 શ્રી ભાગ્યેશભાઈ ઝા ને પ્રજ્ઞાબેનની વધામણી પ્રસંગના ફોટા જોઈ હરખે વધાવીએ.

ધન્ય હો! માતૃભાષા તવ ગાણું….રમેશ પટેલ(આકાશદીપ)

 

 

વાહ! પુણ્ય અમ સંસ્કૃતિ ઢોલી

માતૃભાષા તું  છે મીઠડી બોલી

 

 

ધન્ય! સંસ્કૃત્તિ વિશ્વે તવ ખ્યાતિ

ગુર્જર  ઉરને  ભાષા   ગુજરાતી

 

 

પારણીયે ઝીલ્યાં હાલરડાં મીઠાં

માત અધરે વહેતાં અમૃત દીઠાં

 

 

અન્યોન્ય ભાષા જ ઝીલી ઉમંગે

ઘૂઘવ્યા  સાત સમંદર તવ સંગે

 

આયખે  ઝૂમતી તું કલરવ ટોળી

નિત્ય રમતી ગીતે ભાવ ઝબોળી

 

 

છે  માતૃભાષા   ઉપવન  મધુરું

રે  મહામૂલું  તું   સૌરભ  કટોરું

 

 

જન્મ જન્મનું શ્રીમંતાઈ  દુલારું

ધન્ય હો! માતૃભાષા તવ ગાણું

રમેશ પટેલ(આકાશદીપ)

વતનની સૌરભ એટલે સ્વજનોના ઉરની મીઠાશ…કૌટુંબિક ભાવનાઓની લહેરો.હજુ અનેક પરિચિત ચહેરાઓનાં મિલને , સાથે વિતાવેલી મીઠડી યાદો તાજી તાજી થઈ જાય એજ મહામૂલો લ્હાવો. એ લ્હાવો હરખે લૂંટી અમે સજોડે પાછા આવી ગયા.ગુજરાત અને પરોણાગત હજુ સંસ્કારોમાં સચવાઈ છે , એનો આનંદ છે.સમયના વહેણમાં ઘણું ઘણું બદલાય રહ્યું છે ,પણ કુદરતના ખોળે રમતા ગ્રામ્ય જીવનમાં, લીલુડા લીમડાની ડાળેથી મોરના ટહુકાને, આંબાની ઘટાએથી કોયલના ટહુકા ,મનને પ્રફુલ્લિત કરી દે છે.

     આવો , બેસો ને શું લેશોના આતિથ્યે

      ઝીલ્યા અમે હૈયે વ્હાલપના બોલ 

     કેમ કરી મૂલવીએ વતન તારા મોલ !

રમેશ પટેલ(આકાશદીપ)

Mahisa..Good Morning
April !8, 2017

………………….

Dakor Temple

…………………..

કે મેળે ઝટ જઈએ…રમેશ પટેલ(આકાશદીપ)

ઊડે  રેશમિયા રૂમાલ

છાયા આકાશે ગુલાલ

કે    મેળે   ઝટ    જઈએ…(૨)

 

વગડે  વાગ્યા મોટા ઢોલ

છેડે   પાવો  મીઠા  બોલ

હૈયે  હરખ્યાંજી  રે  ગીત

ગાડે   ઘૂઘરીયાં   સંગીત 

કે  મેળે   ઝટ     જઈએ…(૨)

 

 

માથે    પાઘડીયું   સોહાય

મુખડું  મલક  મલક  થાય

કસકસ જોબનીયું  છલકાય

છપનું    હૈયું   રે  હરખાય

કે   મેળે   ઝટ   જઈએ…(૨)

 

 

ગાજે   કિલકારીના   નાદ

ભેરુઓ  ઉછાળે   રે  ડાંગ

તાલે   ગરબિયું    ગવાય

છત્તર ઘમ્મર ઘમ્મર થાય

કે  મેળે  ઝટ   જઈએ…(૨)

 

 

ચડ્યું  મનડું  રે  ચગડોળ

આંબે  બોલે  કોયલ  મોર

ઝાંઝર  ઝમકે   કરી  જોર

વાલમ સાંભળ રે આ શોર

કે  મેળે   ઝટ   જઈએ…(૨)

 

 

ભમજો  ભોળા આવી ખાસ

રૂડા    જમાવજો   રે  રાસ 

કોણે  ઉભરાવ્યા   આ  જામ
મારે  ચીતરાવાં    છે  નામ

કે  મેળે  ઝટ  જઈએ…(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

 

ઈન્દ્રના દરબારમાં  પુંજિકસ્થલા અપ્સરા,   એ જ કપિરાજ કુંજરની પુત્રી અંજની. જેમનાં લગ્ન સુમેરુ પર્વતના કપિરાજ કેસરી સાથે થયાં.   અંજનાજીની નિત્ય આરાધનાથી, મહાદેવજી ખૂબ પ્રસન્ન થયા ને..અવતારી કાર્ય કરવા આશિષ દીધા..પુત્રેષ્ટિ યજ્ઞની પ્રસાદીથી રુદ્રેષ્વરના દિવ્યતેજથી વાયુદેવ દ્વારા પુત્રપ્રાપ્તિના, પુણ્યવંતા યોગના આશિષ દીધા. શ્રી રામના અવતાર કાર્યમાટે,  શીવજીએ અગિયાર રૂદ્ર પૈકી એક રૂદ્રને હનુમાનજી તરીકે , ચૈત્રસુદ પૂનમે જન્મ ધારણ કરાવ્યો..તે જ પવનપુત્ર, મારુતિ નંદન, વ્રજ્રાંગ… અંજની ને કેસરીના જાયા ..શ્રી રામભક્ત હનુમાનદાદા. 

……………….

Image result for સંકટ મોચન –

(Thanks to webjagat for this picture)

સંકટ મોચન – રમેશ પટેલ ‘આકાશદીપ’

 અંજની જાયો કેસરી નંદન, ભગવદ્ ભક્ત મહાન
બાળા નામ છે સુંદર, સમરીએ કર જોડી હનુમાન
જન્મ સાથે પરાક્રમ  પ્રગટે ,   બળ બુધ્ધિ અમાપ

ચૈત્રી  પૂનમે  અવતરીયાપવન  પુત્ર  પ્રખ્યાત 

 સરપાવ દીધા દેવ ગણોએ, કરવા  હિતકારી કામ
ગતિ   સામર્થ્ય  ગરુડરાજનું, અંજની  સુત  મહાન
ઋષ્યક પર્વતે  શુભ  મિલને, પુલકિત  કેસરી  નંદ
પૃથ્વી પટે  ભાર ઉતરશે, પ્રભુ સંગ શોભે  બજરંગ  

વાત  સુણી  સીતાજી હરણની, સંચર્યા  દક્ષિણ દેશ
સીતા   માતાની  ભાળ  કાજે  ધરીયું   રુપ  વિશેષ
વીર મારુતીની ભક્તિ શક્તિ,કંપ્યો મહેન્દ્ર ગિરિવર
વાયુવેગે આકાશે  વિચરે, રામ મુદ્રા  સંગ કપિવીર  

છાયા   પકડી   લક્ષ્ય   શોધતી   સિંહકાને   સંહારી
કર્યો પરાભવ લંકાદેવીનો, હુંકારા દીધા લંકા નગરી
શૂરવીરોને   દીધો  પરિચય , હણ્યા  ધુમ્રાક્ષ  નિકુંભ
અક્ષયરાજને   પળમાં   રોળ્યોસેના  શોધે   શરણ  

ઈન્દ્રજિતના બ્રહ્મપાશથી મુક્ત થઈને કીધો પ્રતિશોધ
રાવણરાજની સભા  મધ્યે, રામદુતે દીધો  મહા બોધ
પૂંછે  લપેટી  અગન  જ્વાળ, કીધું  લંકાનગરી  દહન
સીતા  માતને  રામ મુદ્રા  આપી  પૂછ્યા  ક્ષેમ  કુશળ 

 પ્રભુ રામે સમરિયા  સદાશીવ, રામેશ્વરે દીધા  આશિષ
રાજ તિલકે શોભે વિભીષણ,અટલ વિશ્વાસુ છે રઘુવીર
સુગ્રીવ સેના જાણે સાગર, ભક્તિ ભાવે  ભીંજાયે  ધીર
રામ  કાજે અંગદ  સંગ, હનુમંત  દીસે  વીરોના  વીર 

 નલ  નીલ  બજરંગી સેના, બાંધે  સેતુ સાગરે રમતાં
પથ્થર પાણી પર તરતા, નીંદર છોડી લંકેશ  ભમતા
કુંભકર્ણ માયાવી  ઇન્દ્રજીતયુધ્ધે દીશે  અતિ  દુષ્કર
અતિ સંહારી પ્રલય શક્તિ,વેરે વિનાશ અવનિ  અંબર

  મેઘનાદ રચે માયાવી જાળ, ઘવાયા રણમધ્યે  લક્ષ્મણ  ભ્રાત
મૂર્છિત લક્ષ્મણ શોકાતુર રામ, વિષાદના વાદળ ઘેરાયાં  આજ
ઔષધી  સહ ઊંચક્યો  પર્વત, મૃત  સંજીવનિ લાવ્યા  હનુમંત
સંકટ  ઘેરા  પળમાં  ટાળ્યાયુધ્ધે  ટંકાર  કરે  લક્ષ્મણ  રાજ 

  રામ   પ્રભુનો  ધનુષ્ય  ટંકાર , કંપે  દિશાઓ   અપરંપાર
સેવક  ધર્મ   બજાવે  હનુમંત, જામ્યો  સંગ્રામ કંપે  સંસાર
યુધ્ધ કૌશલ્ય રામનું અમાપ,હણ્યો દશાનન કુંભકર્ણ સાથ

હનુમંત સુગ્રીવ વિજય વધાવે, ધર્મપથ પર વરસે પુષ્પ

 રામ મુખે વહી પ્રશસ્તી, પરમવીર  છે પવન  પુત્ર
વીર  મારુતિ   થકી  મળીયા, ભાઈ  ભાર્યાને  મિત્ર 

 રામ  કથા  સંસારે  ગવાશે , અમરપટ  ભોગવશે  હનુમંત  વીર
શ્રીફળ   સિંદૂર    આકડાના   ફૂલેરીઝશે   મહા   મારુતિ   ધીર
સીતામાતાએ દીધું સૌભાગ્ય સીંદૂર, આપત્તી ના આવે તમ પાસ

અયોધ્યા મધ્યે હનુમાન ગઢીમાં, આજ પણ પ્રગટે તમારો વાસ 

 સ્નેહે સમરીએ સંકટ મોચન, પ્રત્યક્ષ પરચો પામે ગુણીજન
પંચાયતમાં  સ્થાન  તમારુંભગવંત  સંગ  શોભે  હનુમંત

રમેશ પટેલ ‘આકાશદીપ’

………………..

અંજનીજાયો..હાલરડું….રમેશ પટેલ(આકાશદીપ)

પારણે   પોઢેલ  બાળ  મહાવીર  ને સિંહણ જાયો છે વીર
જડે   નહીં  જગતે  જોટો ,  અવનિએ   અવતરીયો  મોટો
કેસરી નંદનને નીંદરું  ના આવે, માત અંજની હેતે ઝુલાવે

ઉર પ્રસન્ન  ને આંખ મીંચાણી, અંજની  માને સપનું દેખાણું
ભાગ્યવંતી મા ભારત ભૂમિ, દે પવનદેવ  લાખેણું નઝરાણું

માત થાશે તારો લાલ બડભાગી

દેવાધી    દેવની    દેવ    પ્રસાદી
ધર્મપથી   શક્તિ  ભક્તિની  મૂર્તિ

પરમેશ્વરની  નિત   બાંધશે પ્રીતિ

 

ભવ કલ્યાણી અંજની નીરખે,  હરખે  ઉર આનંદે  મલકે
કેસરી નંદને નીંદરું ના આવે,  માત અંજની હેતે ઝુલાવે

પોઢંતો પ્રતાપી   વજ્રની શક્તિ

મુખ લાલી ની  આભા છે પ્યારી
જડી બુટ્ટી રામની જાણશે જ્યારે

ચારે   યુગનો    થાશે    કલ્યાણી

ભક્ત ભગવાનનાં મિલન થાશે, ભગવદ શક્તિનો સથવારો થાશે
વીર  કેસરીની ગર્જનાઓ ગાજશે ,  દશે   દિશાઓ   હાંકથી   કંપશે

દેવી  કલ્યાણી  અંજની   નીરખે

અમી રસ અંતરના ભાવે ઉછળે
કેસરી  નંદને  નીંદરું  ના આવે

માત   અંજની  હેતે  ઝુલાવે

લાલ તારો  મા લાંધશે જલધિ, પવનવેગી  એ  ઘૂમશે અવની
હિમાળેથી સંજીવની લાવશે ઊડી, અવધપૂરી ગાશે ગાથા રુડી

પનોતી પાસ ન ઢૂંકવા દેશે

રામ  ભક્તિથી  અમર  થાશે
કેસરી નંદને નીંદરું ના આવે

માત અંજની હેતે  ઝુલાવે

હાલ કેલિફોર્નિયાના રસ્તે , વૃક્ષો નવપલ્લિત થઈ શીતળતા દેતા મનોહર વૈભવ ધરી રહ્યા છે.

 પાનખરથી શુષ્ક દીસતું વાતાવરણ બાદ, આજથી શાળામાં ‘સ્પ્રીંગબ્રેક’ વેકેશન શરું થયું. 

દિવસ લંબાશે ..ટુરીઝમની મજા વધશે. કુદરતના આ ઋતુ ચક્રના આ ચીંતન આપને 

પણ ગમશે..મસ્ત મોટા  ગુલાબી ગુલાબ  બેકયાર્ડમાં ઝૂમતા જોઈ કોને આનંદ ના થાય?..

Image result for spring

(Thanks to webjagat for this picture)

સૃષ્ટિ ઐશ્વર્ય…..રમેશ પટેલ(આકાશદીપ)

વિધાતા વિશ્વતારું જટિલસું કૌતુકોથી મઢ્યું

અલોપાય તત્ત્વે સમાઈ સહજ મહાભૂત તટે

ઊષા , મધ્યાન્હ ને સંધ્યાના ભીન્ન વેશો અતિ

મસ્તીથી ઢળે આ રાતને, શીતળતા નીરવ રમે

તપ્યો જલધિ તું, વિસરવા જગનો ખાર  દિલે

સંવારે સૃષ્ટિ ઐશ્વર્યથી કે વૈભવ ગુંજારવ ધરે

ખર્યા પાન શુષ્ક થઈ; ત્યાંતો સજતી આ કૂંપળો

ખીલ્યા પૂષ્પ રંગે ; પોષતા બીજ   ગૌરવ ઋણે

હું જ વિરાટ; હું જ વામન, દે દાખ વૃક્ષ બીજનો

થા જે સરળ , મંત્ર જપતું અટ્ટહાસ્યનું પગરવ ધમે

અસ્ત ગૂઢ ને આ ઉદય ચક્રે , તું હિતૈષી સદા

ને આ ‘દીપ યાત્રા, ધરે અવિરત કલરવ જગે

રમેશ પટેલ(આકાશદીપ)

ચૂંટણીનાને હોળીના રંગોની મસ્તી બાદ હવે પાવન ચૈત્રમાસ પધારી રહ્યો છે…દૈવી શક્તિની આરાધના સદા મંગલમયી છે… દુનિયાને આજે કટ્ટરતાનો ચેપ લાગ્યો લાગ્યો છે ને માનવતા ઝંખવાઈ રહી છે. 

આવો ઉપાસનાથી અંતર ઉજાશીએ…ગરબે ઘૂમી.

રમેશ પટેલ(આકાશદીપ)

સૌજન્ય આદરણીયશ્રી વિનોદભાઈ પટેલ….સેન્ડિયાગો.

આવો પાર્શ્વસંગીતમાં..અમારા કેલિફોર્નીઆમાં દોહિત્રી જાનુ ને ખુશી સાથેની મજાની પળોનો વીડિયો પર, બે નવલા સ્વરચિત ગરબાની મજા માણીએ…

https://drive.google.com/file/d/0B4azqvwjT9U1QnNWNXowaG5fUFk/view

………..પોષ્ટ…વિનોદ વિહાર…સાભાર…

હાલો ” વિનોદ વિહારે” ગરબા સાંભળવા…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ) .

નવલાં નોરતાં ને નવલી છે રાત ………રમેશ પટેલ(આકાશદીપ)

નવલાં નોરતાં ને નવલી છે રાત
ગરબે  ઘૂમે  આજ  ભવાની  માત

દઈ દઈ તાળી આજ ગાઓને રાજ
નવ નવ દેવીઓનાં દર્શનની રાત

આવ્યાં આવ્યાં માનાં નોરતાં રે લોલ
નવલે    નોરતે   ધબૂકિયાં   રે    ઢોલ

ઘૂમો ગરબે ને દો તાળી રે લોલ
કુમકુમ પગલે માડી પધારિયા રે લોલ…આવ્યાં આવ્યાં..

જામ્યા જામ્યા ગઢ પાવાએ તાલ
સૂણો  સૂણો  ઝાંઝરના    ઝણકાર

હોમ હવન ને ભક્તિના નાદ
માના દર્શને થયા સુખિયા રે લોલ…આવ્યાં આવ્યાં..

રમે   રમે    લાલ    કુકડાની     જોડ
ચાચરના ચોકે મા બહુચરના બોલ

ઊડે ઊડે   લાલ     ગુલાલોની છોળ
ગબ્બરે હીંચે માડી અંબિકા રે લોલ

ગઢ કાંગરે થી (૨) ટહુકિયા મોરલા રે લોલ …આવ્યાં આવ્યાં…
ચૂંદડીમાં ચમક્યા આભલા રે લોલ

મંગલ   વરતે   માને  દીવડે  રે લોલ

આવ્યાં આવ્યાં માનાં નોરતાં રે લોલ

નવલાં નોરતે ધબૂકિયાં રે ઢોલ…ધબૂકિયાં રે ઢોલ(૨)

રમેશ પટેલ(આકાશદીપ)