Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘dharm’ Category

શંકર –શિવજી

  કારણોના કારણરૂપ, સર્વદા મંગળરૂપ, મોટા દેવ, પ્રલય  ઉત્પત્તિ રહિત, આત્મારામ,

દેવતાઓના સ્વામી, ત્રણ ગુણવાળા, દુ:ખને હરનાર, સંસારથી તારનાર, અવિનાશી અને

સૃષ્ટિની સ્થિતિ તથા પ્રલયના કરનાર…મત્યુંજય

Image result for શિવ; શંભુ..kailash

(Thanks to webjagat for this picture)

..કે ભમ ભમ ભોલે ભોલે…રમેશ પટેલ(આકાશદીપ)

વાગે ડમરું  ને કૈલાસ ડોલે

….કે ભમ ભમ ભોલે ભોલે

શિવજી વ્હાલે  જટાયુ ખોલે

….કે ભમ ભમ ભોલે ભોલે

હર હર નાદે ગંગાજી હાલે

….કે ભમ ભમ ભોલે ભોલે

જય હો મંદાકિની, જય હો અલકનંદા

જપો  રે  શિવ શિવા  નમી નીલકંઠા

દર્શન  દેજો રે મંગલ હરદ્વારે

….કે ભમ ભમ ભોલે ભોલે

શીરે શોભંતી  જટા, ચારુ  ચંદ્રની ઘટા

રૂડી રૂદ્રાક્ષ  માળાહાથે ત્રિશુળ ભલા

ધર્યું લોચન ત્રીજું દેવ ભાલે

…..કે ભમ ભમ ભોલે ભોલે

શોભે  ભભૂત તનધખત શિવરાત ગગન

રટે  ગિરનાર વન ,  મત્યુંજયનાં   સ્તવન

લઈ ગંગાજલ કાવડિયા દોડે

…..કે ભમ ભમ ભોલે ભોલે

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

હીંડોળા ઉત્સવથી લાલાને વધાવતા ભક્તઉરના આનંદની ચરમ સીમા એટલે… 

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકીના ગુંજન.

 જન્માષ્ટમી એટલે મથુરા, ગોકુળ, વ્રજ, શ્રીનાથજી, દ્વારકા ને ડાકોરના ઠાકોરના પ્રાગટ્યને વધાવવાની ઘડી. જય યોગેશ્વર ને લાલો કહેતાં જ 

એ લાડકો થઈ જાય. 

નિર્દોષ ગોપ ને ગોપીઓ ને માતા જશોદાજીનો આનંદ આજેય વિશ્વે ઝીલાય છે.

 વસુદેવને મા દેવકીના પુણ્યે ભારતમૈયાને આરાધ્યદેવની કરુણા

 ઝીલવાના ભાગ્ય મળ્યા..આવો ભાવ વંદનામાં ડૂબીએ.

ખીલી આઠમની મધરાત…..રમેશ પટેલ(આકાશદીપ)

વરસે શ્રાવણીયાની ધાર
ખીલી આઠમની મધરાત….કે બોલો જય ગોપાલ

જાગ્યા પુણ્ય ધરાને લલાટ
દીધા  વચન  દેવકી માત
વસુદેવ  જાણે છાની વાત
ગમતું ગોકુળિયું એક ગામ……કે બોલો જય ગોપાલ

ગાજ્યા ગગન મેઘલી રાત
છલક્યા  યમુનાજીના  ઘાટ
ગોકુળિયા લાલ થયા શ્રીનાથ
નાચે  નંદ  નિરખતા  કાન…….કે બોલો જય ગોપાલ

પ્રગટ્યા  પાવન  રે પ્રભાત
ઊડ્યા અબિલ ગુલાલ આભ
ઝૂલે  પારણીયે    યદુરાય
લાખેણા પુણ્ય યશોદામાય…….કે બોલો જય ગોપાલ

લાલો થઈ રમતા રે શ્રીનાથ
ટહુકે  મોર વ્રજ વૃન્દાનીવાટ
રંગમાં  રંગે   રે  ઘનશ્યામ
ગ્વાલ સંગ ધન્ય ગોકુલધામ…….કે બોલો જય ગોપાલ

નાચે  છે નંદ ને  ગોપ ગોપીઓનું ટોળું
હાલો  જોવા  જઈએ  જશોદાજીનું  છોરું
ગોવર્ધન સંગ ઝૂમે મસ્ત ગોકુળિયું  ઘેલું
રમે રમાડે નટખટ આજ માખણીયું છોરું(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

શ્રાવણી પૂનમ…રમેશ પટેલ(આકાશદીપ)

શ્રાવણી પૂનમે હસતા ઉપવન
સ્નેહ  સુમનથી  મહેંકે આંગણ
આંખ   ધરે   પ્રેમ  મોતીના    થાળા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

ફૂલ  હસે ને હસે બહેનડી
તારા હસે ને હસે ભાઈલો
છલકે સ્નેહ સરોવર સારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

વરસ્યા ઝરમર મેઘ આભલે

બે    હૈયાં   હરખરસ    ઢોળે
મિલન મધુરાં મોંઘાં ભાળ્યાં
કે આજ ખીલ્યાં પૂનમનાં અજવાળા

રેશમનો  દોરો સ્નેહનો ગોટો
ભાલે તિલક કરી હેતે બાંધ્યો
આરતી  કરે  સ્નેહ    ફૂવારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

ખોલ  રે  વીરા  હસતું   મુખ
આશીષ પ્રસાદે ઓવારું સુખ
જુગજુગ જીવજો ભાઈલા મારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

મંગલ જોડી ભાઈ બહેનની
વીરો  પૂરસે   આશડી તારી
છલકાવું   અમર  પ્રેમના   પ્યાલા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

રમેશ પટેલ(આકાશદીપ)

………………………………………………………………………..

આવી રૂડી રક્ષા પૂનમ…..રમેશ પટેલ(આકાશદીપ)

 

હાલો જઈએ વીરાને દેશ

આવી   રૂડી  રક્ષા પૂનમ

 

અક્ષત કુમકુમે સજી રે થાળી

પ્રગટાવી પ્રેમે દીવડી નાની

 

આજ છલકે ગુલાબી મન

આવી  રૂડી   રક્ષા  પૂનમ

 

લેશું ઓવારણાં ઉતારી આરતી

આશીષ દેશું બાંધી આ રાખડી

 

ના ખૂટે આ આયુષ્યનું ધન

આવી   રૂડી   રક્ષા    પૂનમ

 

ભાવે   ભીંજાયા  મારી ઓ બેનડી

અણમોલ સ્નેહની મીઠી તું વીરડી

 

છલકે અમર સ્નેહની સુગંધ

આવી    રૂડી    રક્ષા   પૂનમ

 

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

સત્સંગ…ગુરુવાણી…

 આત્મા શબ્દથી સમજાય તેવો નથી, સંજ્ઞાથી સમજાય…જાગ્રત થાય ને સ્વભાવ સ્વરૂપ વર્તાય. જ્ઞાન-દર્શન- ચરિત્ર એ તેનું સ્વરૂપ ને પરમાનંદ તેનો સ્વભાવ.

   પ.પૂ. દાદાશ્રી ભગવાન કહે..

અનંત ગુણો પ્રગટ થાય..જાણવાનો સ્વભાવ એ આત્માનો સ્વભાવ ને…

એ જ પરમાત્મા તરફ ઊર્ધ્વગમન…આવરણો દૂર થતાં પરમપદમાં રહો એ સિધ્ધ ક્ષેત્ર.

અજ્ઞાનીનો આત્મા એટલે બંધન સ્વરૂપ, જ્ઞાનીનો આત્મા એટલે અબંધ-બંધમાં હોય ને અમુક અપેક્ષાએ બંધ અને અમુક અપેક્ષાએ અબંધ લાગે, 

જ્યારે સિધ્ધ ભગવંતો તો અબંધ જ રહે. મોક્ષમાં રહે. આત્મા એટલે એ અરૂપીપદને ફક્ત અનુભવગમ્ય રીતે

કેવળજ્ઞાનથી જાણવો.

તમે પ્રકૃત્તિની સત્તામાંથી છૂટો ને સ્વસત્તામાં આવો એ જ પરમાત્માની દશા.

સંકલન- આધાર…અક્રમ વિજ્ઞાન

………………….

જ્ઞાન પછી બીજા કોઈ લોકમાં જવું નથી પડતું, પરંતુ જ્ઞાન રૂપી અગ્નિમાં બફાયા હોય, તો તેને લઈને બીજો કોઈ સૃષ્ટિનો ખેલ નથી હોતો..જેમ બાફેલું અનાજ વાવવાથી છોડ નથી ઊગતો.

સ્વામી રામકૃષ્ણ પરમહંસ 

………………….

આત્મા એટલે ભીતરનો પ્રકાશ ને શરીર એટલે પૃથ્વી.તમારી ભીતર બંનેનું મિલન 

થયું છે ને તમે છો ક્ષિતિજ. વાસ્તવમાં ક્ષિતિજ ક્યાંય છે?…

પણ દેખાય એ એક અવસ્થા જ. 

આમ આપણે આકાશ સુંધી ખૂલેલા છીએ.દેહાભિમાનનો અંધકાર 

ચિરકાળથી છે તેને જ્ઞાનની તલવારથી કાપ ને અનુભવ કર કે હું બોધપૂર્ણ છું.

-પ.પૂ.રામશર્મા આચાર્યશ્રી

………………..

કણકણમાં ભગવાન….રમેશ પટેલ(આકાશદીપ)

વદે વેદની ઋચા સુજ્ઞ
કણકણમાં ભગવાન
સૂક્ષ્મ જગને પરખે અંતર
ગઠન ગૂંથે કિરતાર

કેમ જગત આ? કેવું વિશ્વ આ?
ખોળે ભાષા આ વિજ્ઞાન
લોપી અલોપી ખેલ નિરાલા
ઢૂંઢે શક્તિના સંધાન

લીલા અનોખી ગતિ શક્તિની
કોટિ રમે દેતિ દુવિધા
કોણ તપવતું ઊંડા પાતાળો
ભેદ ભારી જ અતાગા

આનાદિ બ્રહ્માંડ રમે અનંતા
અગોચરા રે બંધન
‘ઈશ્વરીય કણની’ માયા મોંઘેરી
વિજ્ઞાન કરે રે વંદન
 
કોણ કરે આ ગર્ભિત શાસન
ફક્ત કરવાવાળો જાણે
ભેદ ભરમના મહા ખજાના
ચાર ટકા જ ભાણે
બાકી મારો રામ એ જાણે(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

ઈન્દ્રના દરબારમાં  પુંજિકસ્થલા અપ્સરા,   એ જ કપિરાજ કુંજરની પુત્રી અંજની. જેમનાં લગ્ન સુમેરુ પર્વતના કપિરાજ કેસરી સાથે થયાં.   અંજનાજીની નિત્ય આરાધનાથી, મહાદેવજી ખૂબ પ્રસન્ન થયા ને..અવતારી કાર્ય કરવા આશિષ દીધા..પુત્રેષ્ટિ યજ્ઞની પ્રસાદીથી રુદ્રેષ્વરના દિવ્યતેજથી વાયુદેવ દ્વારા પુત્રપ્રાપ્તિના, પુણ્યવંતા યોગના આશિષ દીધા. શ્રી રામના અવતાર કાર્યમાટે,  શીવજીએ અગિયાર રૂદ્ર પૈકી એક રૂદ્રને હનુમાનજી તરીકે , ચૈત્રસુદ પૂનમે જન્મ ધારણ કરાવ્યો..તે જ પવનપુત્ર, મારુતિ નંદન, વ્રજ્રાંગ… અંજની ને કેસરીના જાયા ..શ્રી રામભક્ત હનુમાનદાદા. 

……………….

Image result for સંકટ મોચન –

(Thanks to webjagat for this picture)

સંકટ મોચન – રમેશ પટેલ ‘આકાશદીપ’

 અંજની જાયો કેસરી નંદન, ભગવદ્ ભક્ત મહાન
બાળા નામ છે સુંદર, સમરીએ કર જોડી હનુમાન
જન્મ સાથે પરાક્રમ  પ્રગટે ,   બળ બુધ્ધિ અમાપ

ચૈત્રી  પૂનમે  અવતરીયાપવન  પુત્ર  પ્રખ્યાત 

 સરપાવ દીધા દેવ ગણોએ, કરવા  હિતકારી કામ
ગતિ   સામર્થ્ય  ગરુડરાજનું, અંજની  સુત  મહાન
ઋષ્યક પર્વતે  શુભ  મિલને, પુલકિત  કેસરી  નંદ
પૃથ્વી પટે  ભાર ઉતરશે, પ્રભુ સંગ શોભે  બજરંગ  

વાત  સુણી  સીતાજી હરણની, સંચર્યા  દક્ષિણ દેશ
સીતા   માતાની  ભાળ  કાજે  ધરીયું   રુપ  વિશેષ
વીર મારુતીની ભક્તિ શક્તિ,કંપ્યો મહેન્દ્ર ગિરિવર
વાયુવેગે આકાશે  વિચરે, રામ મુદ્રા  સંગ કપિવીર  

છાયા   પકડી   લક્ષ્ય   શોધતી   સિંહકાને   સંહારી
કર્યો પરાભવ લંકાદેવીનો, હુંકારા દીધા લંકા નગરી
શૂરવીરોને   દીધો  પરિચય , હણ્યા  ધુમ્રાક્ષ  નિકુંભ
અક્ષયરાજને   પળમાં   રોળ્યોસેના  શોધે   શરણ  

ઈન્દ્રજિતના બ્રહ્મપાશથી મુક્ત થઈને કીધો પ્રતિશોધ
રાવણરાજની સભા  મધ્યે, રામદુતે દીધો  મહા બોધ
પૂંછે  લપેટી  અગન  જ્વાળ, કીધું  લંકાનગરી  દહન
સીતા  માતને  રામ મુદ્રા  આપી  પૂછ્યા  ક્ષેમ  કુશળ 

 પ્રભુ રામે સમરિયા  સદાશીવ, રામેશ્વરે દીધા  આશિષ
રાજ તિલકે શોભે વિભીષણ,અટલ વિશ્વાસુ છે રઘુવીર
સુગ્રીવ સેના જાણે સાગર, ભક્તિ ભાવે  ભીંજાયે  ધીર
રામ  કાજે અંગદ  સંગ, હનુમંત  દીસે  વીરોના  વીર 

 નલ  નીલ  બજરંગી સેના, બાંધે  સેતુ સાગરે રમતાં
પથ્થર પાણી પર તરતા, નીંદર છોડી લંકેશ  ભમતા
કુંભકર્ણ માયાવી  ઇન્દ્રજીતયુધ્ધે દીશે  અતિ  દુષ્કર
અતિ સંહારી પ્રલય શક્તિ,વેરે વિનાશ અવનિ  અંબર

  મેઘનાદ રચે માયાવી જાળ, ઘવાયા રણમધ્યે  લક્ષ્મણ  ભ્રાત
મૂર્છિત લક્ષ્મણ શોકાતુર રામ, વિષાદના વાદળ ઘેરાયાં  આજ
ઔષધી  સહ ઊંચક્યો  પર્વત, મૃત  સંજીવનિ લાવ્યા  હનુમંત
સંકટ  ઘેરા  પળમાં  ટાળ્યાયુધ્ધે  ટંકાર  કરે  લક્ષ્મણ  રાજ 

  રામ   પ્રભુનો  ધનુષ્ય  ટંકાર , કંપે  દિશાઓ   અપરંપાર
સેવક  ધર્મ   બજાવે  હનુમંત, જામ્યો  સંગ્રામ કંપે  સંસાર
યુધ્ધ કૌશલ્ય રામનું અમાપ,હણ્યો દશાનન કુંભકર્ણ સાથ

હનુમંત સુગ્રીવ વિજય વધાવે, ધર્મપથ પર વરસે પુષ્પ

 રામ મુખે વહી પ્રશસ્તી, પરમવીર  છે પવન  પુત્ર
વીર  મારુતિ   થકી  મળીયા, ભાઈ  ભાર્યાને  મિત્ર 

 રામ  કથા  સંસારે  ગવાશે , અમરપટ  ભોગવશે  હનુમંત  વીર
શ્રીફળ   સિંદૂર    આકડાના   ફૂલેરીઝશે   મહા   મારુતિ   ધીર
સીતામાતાએ દીધું સૌભાગ્ય સીંદૂર, આપત્તી ના આવે તમ પાસ

અયોધ્યા મધ્યે હનુમાન ગઢીમાં, આજ પણ પ્રગટે તમારો વાસ 

 સ્નેહે સમરીએ સંકટ મોચન, પ્રત્યક્ષ પરચો પામે ગુણીજન
પંચાયતમાં  સ્થાન  તમારુંભગવંત  સંગ  શોભે  હનુમંત

રમેશ પટેલ ‘આકાશદીપ’

………………..

અંજનીજાયો..હાલરડું….રમેશ પટેલ(આકાશદીપ)

પારણે   પોઢેલ  બાળ  મહાવીર  ને સિંહણ જાયો છે વીર
જડે   નહીં  જગતે  જોટો ,  અવનિએ   અવતરીયો  મોટો
કેસરી નંદનને નીંદરું  ના આવે, માત અંજની હેતે ઝુલાવે

ઉર પ્રસન્ન  ને આંખ મીંચાણી, અંજની  માને સપનું દેખાણું
ભાગ્યવંતી મા ભારત ભૂમિ, દે પવનદેવ  લાખેણું નઝરાણું

માત થાશે તારો લાલ બડભાગી

દેવાધી    દેવની    દેવ    પ્રસાદી
ધર્મપથી   શક્તિ  ભક્તિની  મૂર્તિ

પરમેશ્વરની  નિત   બાંધશે પ્રીતિ

 

ભવ કલ્યાણી અંજની નીરખે,  હરખે  ઉર આનંદે  મલકે
કેસરી નંદને નીંદરું ના આવે,  માત અંજની હેતે ઝુલાવે

પોઢંતો પ્રતાપી   વજ્રની શક્તિ

મુખ લાલી ની  આભા છે પ્યારી
જડી બુટ્ટી રામની જાણશે જ્યારે

ચારે   યુગનો    થાશે    કલ્યાણી

ભક્ત ભગવાનનાં મિલન થાશે, ભગવદ શક્તિનો સથવારો થાશે
વીર  કેસરીની ગર્જનાઓ ગાજશે ,  દશે   દિશાઓ   હાંકથી   કંપશે

દેવી  કલ્યાણી  અંજની   નીરખે

અમી રસ અંતરના ભાવે ઉછળે
કેસરી  નંદને  નીંદરું  ના આવે

માત   અંજની  હેતે  ઝુલાવે

લાલ તારો  મા લાંધશે જલધિ, પવનવેગી  એ  ઘૂમશે અવની
હિમાળેથી સંજીવની લાવશે ઊડી, અવધપૂરી ગાશે ગાથા રુડી

પનોતી પાસ ન ઢૂંકવા દેશે

રામ  ભક્તિથી  અમર  થાશે
કેસરી નંદને નીંદરું ના આવે

માત અંજની હેતે  ઝુલાવે

Read Full Post »

ચૂંટણીનાને હોળીના રંગોની મસ્તી બાદ હવે પાવન ચૈત્રમાસ પધારી રહ્યો છે…દૈવી શક્તિની આરાધના સદા મંગલમયી છે… દુનિયાને આજે કટ્ટરતાનો ચેપ લાગ્યો લાગ્યો છે ને માનવતા ઝંખવાઈ રહી છે. 

આવો ઉપાસનાથી અંતર ઉજાશીએ…ગરબે ઘૂમી.

રમેશ પટેલ(આકાશદીપ)

સૌજન્ય આદરણીયશ્રી વિનોદભાઈ પટેલ….સેન્ડિયાગો.

આવો પાર્શ્વસંગીતમાં..અમારા કેલિફોર્નીઆમાં દોહિત્રી જાનુ ને ખુશી સાથેની મજાની પળોનો વીડિયો પર, બે નવલા સ્વરચિત ગરબાની મજા માણીએ…

https://drive.google.com/file/d/0B4azqvwjT9U1QnNWNXowaG5fUFk/view

………..પોષ્ટ…વિનોદ વિહાર…સાભાર…

હાલો ” વિનોદ વિહારે” ગરબા સાંભળવા…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ) .

નવલાં નોરતાં ને નવલી છે રાત ………રમેશ પટેલ(આકાશદીપ)

નવલાં નોરતાં ને નવલી છે રાત
ગરબે  ઘૂમે  આજ  ભવાની  માત

દઈ દઈ તાળી આજ ગાઓને રાજ
નવ નવ દેવીઓનાં દર્શનની રાત

આવ્યાં આવ્યાં માનાં નોરતાં રે લોલ
નવલે    નોરતે   ધબૂકિયાં   રે    ઢોલ

ઘૂમો ગરબે ને દો તાળી રે લોલ
કુમકુમ પગલે માડી પધારિયા રે લોલ…આવ્યાં આવ્યાં..

જામ્યા જામ્યા ગઢ પાવાએ તાલ
સૂણો  સૂણો  ઝાંઝરના    ઝણકાર

હોમ હવન ને ભક્તિના નાદ
માના દર્શને થયા સુખિયા રે લોલ…આવ્યાં આવ્યાં..

રમે   રમે    લાલ    કુકડાની     જોડ
ચાચરના ચોકે મા બહુચરના બોલ

ઊડે ઊડે   લાલ     ગુલાલોની છોળ
ગબ્બરે હીંચે માડી અંબિકા રે લોલ

ગઢ કાંગરે થી (૨) ટહુકિયા મોરલા રે લોલ …આવ્યાં આવ્યાં…
ચૂંદડીમાં ચમક્યા આભલા રે લોલ

મંગલ   વરતે   માને  દીવડે  રે લોલ

આવ્યાં આવ્યાં માનાં નોરતાં રે લોલ

નવલાં નોરતે ધબૂકિયાં રે ઢોલ…ધબૂકિયાં રે ઢોલ(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

ફાગણ સુદ હોળી…રંગ અને ઉમંગનો વાસંતી તહેવાર. ભારતીય સંસ્કૃત્તિનો રંગીલો ઉત્સવ.  સૌને હોળી મુબારક..ખાજો ધાણી ને ખજૂર ને સાકર હારડા.

સહિયર મોરી ..ઊડાડો રે ગુલાલ….રમેશ પટેલ(આકાશદીપ)

 

અવનિ અંબર દીસે ખુશહાલ

સહિયર મોરી ..ઊડાડો રે ગુલાલ

 

હોળીનો રંગ  લાલ

મીઠી  છેડછાડ

શીતલ વાસંતી વાયરાના વ્હાલ

સહિયર મોરી ..ઊડાડો રે ગુલાલ

 

કેસૂડાના  કામણ

ઝીલે કાયાના દામન

રંગું રંગાવું કોઈના રંગમાં રે લાલ

સહિયર મોરી ..ઊડાડો રે ગુલાલ

 

મસ્ત મસ્ત છે મંજરી

સૂણે રાધા  રે બંસરી

હૈયાના સાદે કુદરતે છેડ્યા રે સાજ

સહિયર મોરી ..ઊડાડો રે ગુલાલ

 

મીઠો મેળે મલકાટ

ઢોલે ધબકે રે લાડ

સ્નેહના સરવૈયે ઝૂમજો  સંગાથ

સહિયર મોરી ..ઊડાડો રે ગુલાલ

 

ભેરૂ ભેટતા ઠેરઠેર

સમશે     વેરઝેર

રણકે ભીંના સંગીત નવોઢાને ગાલ

સહિયર મોરી ..ઊડાડો રે ગુલાલ

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

Older Posts »