જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ.
સંકલન- રમેશ પટેલ(આકાશદીપ)
શ્રી કૃષ્ણ શરણં મમ” ..સાથે ભાવ વંદના કરીએ..
“यदा यदा हि धर्मस्य…” આ કોલ પાળવા ચૌદલોકના નાથે શ્રી કૃષ્ણેરૂપે દેવકીજીની કૂખે અવતાર લીધો. જન્મ કારાવાસમાં પરંતુ… ઉછેર… નંદરાજાને ઘેર માતા યશોદાજીની ગોદમાં વ્હાલ!જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રેમીઓના આનંદની પરાકાષ્ઠા….શ્રાવણ વદ આઠમ ને મધ્યરાત્રી..રોહિણી નક્ષત્રમાં વિષ્ણુ ભગવાને બાળલીલાનો પ્રારંભ કર્યો….એજ આ પાવન ત્યૌહાર ‘જન્માષ્ટમી’
ગોકુળ લીલા ૧૧ વર્ષ ૫૨ (બાવન) દિવસ કરવા.. ધસમસતાં યમુનાજીને ચરણ પખાળવાનો લ્હાવો લૂંટાવી..જશોદા મૈયાના પારણે ઝૂલવા પધાર્યા…નંદ ઘેર આનંદ ભયો એટલે આજે ભારતને વિશ્વના દેશોમાં જન્માષ્ટમિનો અપૂર્વ આનંદ લૂંટવાનો તહેવાર.
વ્રજની વાટે પૂર્વીબેનના લેખ સાથે વિહરીએ
જન્માષ્ટમી:-
આપણે ત્યાં ચાર રાત્રીઑ બહુ પ્રખ્યાત છે. જેમાં પ્રથમ છે ભગવાન શિવનો મહિમા દર્શાવતી….શિવરાત્રી, નવરાત્રી …જે ચૈત્ર, માઘ, અષાઢ અને આસો એમ એમ વર્ષમાં ચાર વાર આવે છે. ત્રીજી છે જન્માષ્ટમીની રાત. આ રાત્રીએ ભગવાન વિષ્ણુએ સંસારને માયાથી મોહ પમાડી કૃષ્ણ રૂપે જન્મ લીધેલો માટે મોહરાત્રી, અને ચોથી છે કાલ રાત્રી …..આ કાલ રાત્રી તે દિવાળીની આગળની રાત્રી ગણાય છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસૂરને કાળને હવાલે કર્યો હોવાથી કાલરાત્રી.
ભગવાન કૃષ્ણ અંધારી રાતમાં કેમ પ્રગટ થયા? :-
મધ્યકાલીન યુગમાં થયેલા શ્રી વલ્લભાચાર્યજીએ અંતઃકરણ પ્રબોધમાં કહ્યું છે કે જીવ સૌ પ્રથમ અંધકારરૂપી કર્મભૂમિ પર અંકુરિત થાય છે, આ અંધકાર જ જીવને જીવન રૂપી સૂર્ય તરફ મોકલે છે. રહી વાત પ્રભુની તો પ્રભુએ જ્યારે મનુષ્યજીવનમાં અવતરીત થવાનું નક્કી કર્યું ત્યારે તેમણે પણ અન્યજીવોની જેમ અંધકારને પોતાની કર્મભૂમિ બનાવી. અંધકારનો બીજો અર્થ એ પણ છે કે પ્રભુ પ્રકાશ સ્વરૂપ છે અને માયા અંધકાર છે. તેથી જ્યારે જ્યારે પ્રકાશસ્વરૂપ પ્રભુ પ્રગટ થવાના હોય ત્યાં માયા રૂપી અંધકાર રહી શકે નહીં.
પ્રભુએ કારાગૃહમાં જન્મ કેમ લીધો ? :-
અંતઃકરણ પ્રબોધમાં કહે છે કે પ્રત્યેક જીવ પોતપોતાના કર્મરૂપી કારાગૃહમાં જન્મ લે છે ત્યારે તે કારાગૃહમાં રહી પ્રભુને વિનંતી કરે છે કે આ જીવનમાં તે સારા કર્મ કરશે. તેની વિનંતી પછી પ્રભુ તેને નવા શુભ કર્મ કરવા માટે તે ગર્ભરૂપી કારાગૃહમાંથી મુક્તિ આપી નવજીવન આપે છે.
ભગવાન કૃષ્ણ અષ્ટમીની રાત્રી કેમ પસંદ કરી:-
આપણી સમગ્ર પ્રકૃતિએ જળ, વાયુ, અગ્નિ, ભૂમિ, આકાશ એ પંચતત્ત્વો સાથે મન, બુધ્ધિ અને અહંકાર એમ અન્ય ત્રણ કુલ આઠ તત્ત્વો સાથે બનેલી છે. આ આઠ તત્ત્વો રૂપી અપરા પ્રકૃતિમાં સમાયેલ જીવોને બહાર કાઢવા પ્રભુએ અષ્ટમીની રાત્રી પસંદ કરી છે.
વરસાદ અને યમુનાપાર:-
વસુદેવજી બાલ પ્રભુને લઈને ગોકુળ તરફ નીકળ્યાં ત્યારે વરસાદથી છવાયેલ મેઘલી રાત હતી. અવિરત પાણીથી યમુના બેકાબૂ બની હતી. ધર્મ કહે છે કે જ્યારે પ્રકૃતિનાં જીવોમાં કામ, ક્રોધ, મદ, રસ, સ્પર્શ, સ્વાદ રૂપી વરસાદનું જોર વધવા લાગે છે ત્યારે તે જીવોની ઇન્દ્રિયો બેકાબૂ બની જાય છે. આવા અવસરે જીવો જો પ્રભુને શરણે જાય તો જ આ જીવો યમુના પાર અર્થાત સંસારસાગર પાર ઉતરી શકે છે. યમુના પાર એ પ્રસંગનું બીજું તાત્પર્ય એ પણ છે કે પોતાના આરાધ્ય પ્રભુને પોતાને આંગણે આવેલા જોઈ તીર્થરૂપા દેવી યમુનાનું હૃદય ભાવપૂર્ણ ભક્તિથી ભરાઈ આવ્યું.આ કારણે તે પોતાના આરાધ્યનાં આ બાલસ્વરૂપનાં ચરણોનો સ્પર્શ કરવા બાવરા થઈ વસુદેવજીનાં મુખ સુધી ચડવા લાગ્યાં ત્યારે બાળપ્રભુએ પોતાનાં ચરણસ્પર્શ આપ્યાં અને યમુનાનાં ભાવને પરિપૂર્ણ કર્યા.
ગોકુલ:-ગોકુલ…..જ્યાં બાલ પ્રભુને લઈને તાત વસુદેવજી પહોંચ્યાં હતાં તે ગોકુલનો મહિમા અપરંપપાર છે. પુરાણોએ ગોકુલ શબ્દનો અર્થ વિસ્તારતા કહ્યું છે કે જ્યાં ગૌ નો સમૂહ રહે છે તે ગોકુલ છે, જ્યાં ગૌ રૂપી ઇન્દ્રિયોનો નિવાસ છે તે ગોકુલ છે. ….અંતે આપણું શરીર એ જ ગોકુલ છે જ્યાં પ્રભુ રહે છે.
યશોદામૈયા અને નન્દબાબાનાં નામનો અર્થ શું છે? :- શ્રીમદ્ ભાગવદ્માં કહ્યું છે કે ““यशो ददाति इति यशोदा” અર્થાત્ જે પોતાનાં સુખ, કાર્ય અને સફળતા માટે બીજાને યશ આપે છે તે યશોદા છે અને જે પોતાનાં આચરણ, વિચાર, સદાચાર, વાણી અને વર્તન દ્વારા આનંદ પહોંચાડે છે તે નન્દ છે.
યશોદા અને નન્દ કોણ હતાં? :-
પૂર્વકાળમાં વસુશ્રેષ્ઠ દ્રોણ અને તેની પત્ની ધરાએ બ્રહ્માજી પાસેથી વરદાન લીધેલું કે જ્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર અવતાર ધારણ કરશે ત્યારે તેઓ ભગવાન વિષ્ણુને પોતાનાં પુત્રનાં રૂપમાં પ્રાપ્ત કરશે. આ વરદાન અનુસાર પ્રથમ જન્મમાં વસુશ્રેષ્ઠ દ્રોણે દશરથ અને ધરાએ કૌશલ્યાં રૂપે અને બીજા જન્મમાં નન્દ અને યશોદા રૂપે લીધો. આનંદઘન પરમાનન્દ શ્રી કૃષ્ણ :- આનંદઘન પ્રભુને આપણે કૃષ્ણનાં નામથી જાણીએ છીએ. શ્રી વલ્લભાચાર્યમહાપ્રભુ કહે છે કે “कर्षित आकर्षित इति कृष्ण” અહીં કૃષ એટ્લે આકૃષ્ટ કરવું, આકર્ષિત કરવું અને “ણ” એટ્લે આનંદ આપનાર. અર્થાત્ જે સર્વનાં ચિત્તને આનંદ આપવા માટે પોતાની તરફ આકર્ષિત કરી ખેંચી લે છે તે કૃષ્ણ છે. કૃષ્ણ શબ્દનો બીજો અર્થ છે “ કેન્દ્ર “ અર્થાત્ જે સર્વે જીવ, સજીવ અને નિર્જીવનાં મધ્યબિંદુ-કેન્દ્રમાં બિરાજે છે તે કૃષ્ણ છે.
નન્દ ઉત્સવ:-
વૃધ્ધાવસ્થાને આરે આવીને ઉભેલા નંદરાયજીને ત્યાં કોઈ સંતાન ન હતાં, પણ મુનિવર્ય ગર્ગાચાર્યજીનાં આર્શિવાદને કારણે તેમને ત્યાં સંતાન પ્રાપ્તિનો યોગ આવ્યો. જ્યારે જન્માષ્ટમી રાત્રી આવી ત્યારે વસુદેવજી પોતાનાં અષ્ટમ પુત્રને કંસથી બચાવવા માટે નન્દજીને ત્યાં ગોકુલમાં આવ્યાં અને પોતાનાં પુત્રને યશોદાજીનાં અંકમાં છોડી તેમને ત્યાં જન્મેલી માયા નામની પુત્રીને લઈ ગયાં. જન્માષ્ટમીને બીજે દિવસે એટ્લે કે નવમીને દિવસે યશોદા અને નન્દને ત્યાં વર્ષોપરાંત પ્રભુ અને ગુરુકૃપાએ પુત્રજન્મ થયો છે તેવી વાત ગોકુલમાં ફેલાઈ ગઈ. આ સમાચારથી આનંદિત થયેલાં વ્રજવાસીઓએ મંગલ ધ્વનિ વગાડી, મંગલ ગાન ગાઈ હલ્દી, દહીં, દૂધ , શીંગદાણા, ઘી, ગુલાબજળ, મીઠાઇ, મિસરી, માખણ ,કેસર, કપૂર, આદિ શુભ વસ્તુઓને વાતાવરણમાં ઉડાડી દહીકાંદૌ ઉત્સવ મનાવ્યો જે નન્દ ઉત્સવ તરીકે ઓળખાયો.
શ્રી રાધા નામ:-
અંતે… કૃષ્ણને યાદ કરીએ તો શ્રી રાધા કેમ રહી જાય? કારણ કે રાધા વગર કૃષ્ણ અડધા છે અધૂરા છે. હરિવંશપુરાણને મતે ભગવાન શ્રી હરિનાં હૃદયમંડલમાંથી ષોડ્શીય કન્યા, શ્રી યમુના અને ગિરિરાજ એમ ત્રણ સ્વરૂપ પ્રગટ થયા. આ ત્રણમાંથી પ્રથમ કન્યા પ્રગટ થતાં જ દોડી અને પોતાની જાતને શ્રી હરિનાં ચરણોમાં ઢાળી દીધી. સંસ્કૃતમાં જન્મ મારે ‘રા’ અને દોડવા મારે ‘ધાવિત’ શબ્દનો પ્રયોગ થયો હોઈ આ કન્યાને “રાધા” નામે ઓળખવામાં આવી.
રાધા કોણ છે?:-
कृष्णेन आराध्यत इति राधा ।
कृष्णं समाराधायति सदेति राधिका ।
વૃષભાન અને કિર્તિરાણીની પુત્રી રાધા તે વ્રજભૂમિની અધિશ્વરી છે અને કૃષ્ણની આહ્લાદીની શક્તિ છે. આથી કૃષ્ણ સ્વયં શ્રી રાધાની આરાધના કરે છે.
with thanks-
ફૂલછાબમાં પ્રકાશિત :-
પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ
…………………….
ખીલી આઠમની મધરાત…..રમેશ પટેલ(આકાશદીપ)
વરસે શ્રાવણીયાની ધાર
ખીલી આઠમની મધરાત….કે બોલો જય ગોપાલ
જાગ્યા પુણ્ય ધરાને લલાટ
દીધા વચન દેવકી માત
વસુદેવ જાણે છાની વાત
ગમતું ગોકુળિયું એક ગામ……કે બોલો જય ગોપાલ
ગાજ્યા ગગન મેઘલી રાત
છલક્યા યમુનાજીના ઘાટ
ગોકુળિયા લાલ થયા શ્રીનાથ
નાચે નંદ નિરખતા કાન…….કે બોલો જય ગોપાલ
પ્રગટ્યા પાવન રે પ્રભાત
ઊડ્યા અબિલ ગુલાલ આભ
ઝૂલે પારણીયે યદુરાય
લાખેણા પુણ્ય યશોદામાય…….કે બોલો જય ગોપાલ
લાલો થઈ રમતા રે શ્રીનાથ
ટહુકે મોર વ્રજ વૃન્દાનીવાટ
રંગમાં રંગે રે ઘનશ્યામ
ગ્વાલ સંગ ધન્ય ગોકુલધામ…….કે બોલો જય ગોપાલ
નાચે છે નંદ ને ગોપ ગોપીઓનું ટોળું
હાલો જોવા જઈએ જશોદાજીનું છોરું
ગોવર્ધન સંગ ઝૂમે મસ્ત ગોકુળિયું ઘેલું
રમે રમાડે નટખટ આજ માખણીયું છોરું(૨)
રમેશ પટેલ(આકાશદીપ)
………….
દીધાં આઠમને વરદાન…….
દીધાં આઠમને વરદાન
ગાજ્યા ગગન અડધી રાત
પ્રગટ્યા મથુરા, ધન તાત
જગકલ્યાણી દેવકી માત……કે બોલો જય ગોપાલ
ચૂમી ચરણ દે યમુનાજી લાડ
પાક્યા પૂણ્ય જશોદા માત
લાલે પાવન કીધાં ધામ
પધાર્યા ગોકુળ થઈ નંદલાલ….કે બોલો જય ગોપાલ
ગાજે નોબત આઠે ઠામ
ટહુક્યા મોર નાચતા ગ્વાલ
નાચ્યા નંદજી ઊડે ગુલાલ
લાલો ઝીલે જશોદાજીના વ્હાલ…..કે બોલો જય ગોપાલ
હીંચે રેશમીયાની ખાટ
ઘેલી ગોપ ગોપી હરખાય
ઝૂમે હાથી જ ઘોડા ગાય
ચાખે માખણ રે શ્રીનાથ……કે બોલો જય ગોપાલ
રમેશ પટેલ(આકાશદીપ)