


દરિયા દેવ, …
આવો ભૂલકાં આવો, લો શંખ કોડા-કોડી
લહેરાવું મને ગમે, કરજો કિનારે દોડા-દોડી
પૂછીએ ઓ દરિયા દેવ,
જ્યાં નજર નાખીએ ત્યાં પાણી પાણી
રે કહો રે તમારી કહાણી
બુંદ બુંદનો સરવાળા શીખી , થયા અમે તો દરિયા
નથી ફક્ત અમે ખારા- ખારા, પણ વૈભવથી ભરિયા
સાગરથી મહાસાગરની પદવી દે વસુધા વ્હાલી
રાત ઢળે ને ખીલે ચાંદની, હૈયે ભરતી ના રહે ઝાલી
હોય તપતા સૂરજ માથે કે શીતલ સુધાકર ગગનના
અમારી યારી જગ કલ્યાણી, ઝરમર ઝીલો અંતરના
જે દાતાએ વૈભવ દીધો, છે ખારો કહીં રાંક ના થઈએ
નાનાં-મોટાં જલચરો સંગ, નિત અમે ખેલતા રહીએ
સાત ખંડોએ જલ સેતુ રચી, વિહંગ સંગ વાતું કરીએ
લો છીંપલું છે બહું કિમંતી, ધવલ મોતીની ભેટ ધરીએ.
રવ અમારો ભલે ઘેઘૂર, દરિયા દિલી અમારી ન્યારી
પર્યાવરણના પ્રેમની , અમારી આશા ન રાખજો અધૂરી (૨)
રમેશ પટેલ(આકાશદીપ)
……
ક્યાં છે સમય !……
ઊગ્યો સૂરજ ધરતો ચેતના ગગન
ખોવાયો હું કામના જંગલ ને મધ્ય
કર્યું ડોકું ઊંચું ; ત્યાંતો આથમ્યો જ દિન
બોલે હસતો આ જમાનો ભાઈ…
ક્યાં છે સમય? વાલમજી તમને ક્યાં છે સમય!
તપ્યા સૂરજ ને છવાયા વાદળ
ભીંજાયું સઘળું આ વરસાદ મહીં
ખીલી સૄષ્ટિ થઈ લીલી લીલી
ના આવડ્યું ભીંજાતાં ભરીને મન
ક્યાં છે સમય? પૂછે કુદરત ક્યાં છે સમય!
સંધ્યા જ ઢળી , છવાઈ નીરવ નિશા
જાગીને ઠેલું રોશનીએ રજનીની હદ
રણકી ઘંટડી મોબાઈલની ભોરે અરિ
થઈ ગઈ રાતની વાત જ પૂરી….
ક્યાં છે સમય? મહારથી ક્યાં છે સમય!
મારા નાનકાનો નાનકો બોલે હસી
આવી પૂછે, હળવો હાથ ટાલે ફેરવી
દાદા! જુઓ સામે આથમે કેવો રવિ
વદુ હસી બોખું…પૂછું રવિરાય
ક્યાં છે સમય? ક્યાં સંતાયો મારો સમય!
રમેશ પટેલ(આકાશદીપ)
…..
બાપનું હૈયું…
છે હૈયું છલોછલ ભરેલું, પણ છલકાય ના
છું બાપ એટલે નયનોથી વહાવાય ના.
છીએ ઘરના મોભી , માન સન્માને બસ ખેલીએ
પરિવારને પ્રેમથી સીંચીએ , પરગજુ હૈયું પરખાય ના
બાપ કરતાં થાજો સવૈયા, જીવન મંત્ર સંતાનોને દેતા
પહાડથી ઝરતી આ અવિરત ધારા, ઝંઝાવાતે રોકાય ના
સંઘર્ષ એ ચાવી સફળતાની, અદમ્ય ઉત્સાહની ગાથા આ બાપ
સાવજની દહાડ દેતું જીવન ,સંસારે ક્દી વિસરાય ના
પરિવારની પ્રેરણા એ લક્ષ , બાપનું હૈયું એ સુખની રે છાયા
ચાહતના ઉપવનની ભેટ, સૌરભ કદી કેદ થાય ના
બાપનું હૈયું શ્રીફળની જાત,
મંગલ ગાણે વરદાય એ…પણ છલકાય ના(૨)
…..
ભારત ભૂમિ….
વતન તારી મહેક મધુરી મન ભરીને માણું
સરોવર પટે કંકુવરણું , પ્રભુનું પ્રભા પાથરણું
શુભ સવારે ઘંટારવે , નયન નમણાં બીડું
આનંદની એ પરમ ક્ષણોને, ભાવે ઉરે ઝીલું
જન્મભૂમિ નમું, ચઢાવી ધૂળ શિરે સોહાવું
પ્રકૃતિ ખોળે પરસેવાથી, નિત ધરતી સીંચાવું
સંત સરિતા પુનિત તીર્થોના, પ્રસાદ પ્રેમે પામું
પ્રેમ કરૂણા ને સદાચારે, આ મંગલ જીવન માણું
અબોલા જીવોને રમાડી સુખડે, આંખડિયું ને ઠારું
અંતરે વસતા આ રામજીને પરસુખે હસતા ભાળું
ઋણાનું બંધે પુરુષાર્થે પાંગરી, આંસુને અજવાળું
ભાગ્ય સથવારે આત્મ ચિંતને, અવિનાશીને ખોળું
વતન ચહું, માનવ ગરિમાથી મમ અંતરને ઉજાળું
ભારત ભૂમિ ચિરકાળ હરખે, દલડે તને નિત રમાડું
રમેશ પટેલ(આકાશદીપ)
…
બીજો તારલો…
ઢળતી સંધ્યા દીસે સલૂણી , કેવા સુંદર નજારા
ધીરે ધીરે આભથી ઊતર્યા, ઠંડી લહેરે અંધારા
ટમટમ કરતા વ્યોમ તારલા ભાત પાડી ને હસતા
કવિરાજ કહે, વાહ!
કુદરત, કેવા આનંદ ખજાના તારા
દૂર દૂર આકાશ મધ્યે, દીઠો એક તારલો ખરતો
કવિ સહસા બોલ્યા, પ્રભુ સૃષ્ટિ કલ્યાણ કરજો
ખંધુ હસી, શ્રીમતીજી ધીરેથી બોલ્યાં, સૂણજો
જો બીજો તારલો ખરતો દેખો….
– તો ઘરનો વિચાર કરજો
સાંભળો સારું થયું કે પવિત્ર અગિયારસ છે આજે
વાડામાં પાક્યું છે પપૈયું, વાળું દીધું ; પ્રભુએ ભાવે
કવિરાજ હસીને બોલ્યા….
આપણા દિન પણ આવશે…
કલમ મારી એવી ચાલશે, જમાનો વાહવાહ ગાશે
હસી શ્રીમતી વદિયાં વાણી, મેં વાત સાંભળી છાની
ગાયક નવોદિત કલાકારે , આજ ચાની લારી કાઢી
ગાયાં ગાન જામી હવા, પછી લોકોએ પોરો ખાધો
ઘર ચલાવવા, ચાની લારી પર સઘળો આધાર દીઠો
કવિરાજ સપનામાં ડૂબ્યા, ખુશ થયા હેરી પોર્ટર ભાળી
ઊંઘમાં થયા ગાલ ગુલાબી, સવારે પકડી કલમ,
ધરી એજ ખુમારી
રમેશ પટેલ(આકાશદીપ)
….
ભલી ભોમકા…
ભૂખંડે ભમી ભમી ભાળી ભલી ભોમકા
અહા! શું ઐશ્વર્ય પ્રગટે ધરાનું ધરી દિવ્યતા
દીઠા ધોધ ધસમસતા શિખરોથી ખીણમાં
ગજાવતા કંદરો, નિજ મસ્તી ભર્યા જોશમાં
મલકે લહેરે સરોવર લઈ પક્ષી વૃન્દ ગોદમાં
ઝુમે ગુલાબી પંકજડાં શીતળ સમીર સંગમાં
વરસે અમી ચાંદની, રાતરાણી રમાડતી
પ્રસન્ન મન માણે મધુર શાતા મધરાતની
ધરી રૂપ રંગ સુમનો વગડો સજાવતાં
વસંત ઉભરાવે ગાન હસિત પુષ્પોના ઉરમાં
સંત સમ તરુવરો શોભે સૃષ્ટિ શણગારતા
ઝુલાવે કરુણામૂર્તિ થઈ જગતનાં પારણાં
આરાધીએ પરમેશ્વરને પરમેશ્વરને પ્રકૃતિ સંગ
કર્મ યજ્ઞના સથવારે પૂરીએ સપનાંના રંગ
રમેશ પટેલ(આકાશદીપ)
……
‘Story mirror’ દ્વારા વિવિધ ભાષાઓમાં સમાંયતરે યોજાતી લેખન પ્રવૃત્તિઓમાં સહભાગી બની, વિચાર વૈભવને સજવાનો,અમને પણ આનંદ મળ્યો’
સાથે તમારી સરસ રચનાઓ માણવાનો લાભ આપવ બદલ ધન્યવાદ
આપનું પ્રેરણાદાયી માર્ગદર્શન સદા આત્મિય.
Sent from my iPhone
>
Best use of story mirror & best creation by you – keep it up
શ્રી મહેન્દ્રભાઈ
જય યોગેશ્વર
સુશ્રી પ્રજ્ઞાબેન અને આપના બહુવિધ ઉપયોગી સંકલન લેખો, માહિતી સભર વાંચી , મનોમન આપને અભિનંદન પાઠવીએ છીએ.
વ્યસ્તતા છતાં , આપના સૌજન્યસભર પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર.
સાદર
રમેશ પટેલ(આકાશદીપ)
Sent from my iPhone
>