Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી 10th, 2019

વસંત પંચમી..કુદરતનું વૈભવ સજવાનું મંગલ મૂર્હત. માત સરસ્વતીનો પ્રાગટ્ય દિન. ધીરે ધીરે વનરાજી પ્રફૂલ્લિત બની લહેરાવા લાગે, ને શિતલ વાયરા કલશોર ઝીલતા સંગીત છેડે.

કોને ના ગમે આ આનંદોત્સવ?

વસંત પંચમી..માત સરસ્વતીનો પ્રાગટ્ય દિન. આવો તેની પુરાણ કથાનું  મનન કરીએ….

ભગવાન બ્રહ્માજીએ બ્રહ્માંડમાં જીવની રચના કરી, પણ રચના બાદ સઘળે ખામોશી જોઈ ખુશ ના થયા. એટલે ભગવાન વિષ્નુની અનુમતિ લઈ, પોતાના કમંડલમાંથી 

જળનો છંટકાવ આ અવનિ પર કર્યો…ને એક કંપન પેદા થયું.આ કંપનના કારણે 

એક ચતુર્ભુજ દેવીનું સર્જન થર્યું…જેના એક હાથમાં વીણા, બીજા હાથમાં પુસ્તક, ત્રીજા હાથમાં માળા ને ચોથો હાથ વરદ મુદ્રામાં હતો. બ્રહ્માજીએ દેવીને વીણા વગાડવા આદેશ કર્યો ને એના મધુરનાદથી , પૃથ્વીના જીવજંતુઓને સ્વર પ્રાપ્ત થયો.

 નદીઓ-ઝરણાં ખળખળ અવાજ સાથે વહેવા લાગ્યાં. પવન સૂસવાટો કરવા લાગ્યો..

પ્રકૃત્તિ ઉત્સવ ઉજવવા લાગી. એટલે મહાસુદ પાંચમ એ વસંત પંચમીનો શુભ દિન.  વાણી પ્રદાન કરનારી દેવી એટલે માત સરસ્વતીના પ્રાગટ્યથી, આપણે બુધ્ધિ, જ્ઞાનના પ્રતાપે જીવનમાં પ્રફુલ્લતા પ્રગટાવી દીધી.

 સૃષ્ટિના સર્જનહારની પુત્રી એટલે માત સરસ્વતીને ભાવથી વંદન કરીએ. 

………..

વસંત પંચમી એટલે,  સંત વિભૂતિ શાસ્ત્રીજીનો જન્મ દિવસ. ભગવાન સહજાનંદના ..એ તૃતિય આધ્યાત્મિક અનુગામી  , સન ૧૮૬૫માં, ચરોતરના મહેળાવ ગામે જન્મ્યા, ને ૧૯મે વર્ષે સ્વામી વિજ્ઞાનાનંદજી પાસે દીક્ષા લઈ ‘યજ્ઞપુરુષદાસ’ નામ ધારણ કર્યું.પ્રખર વક્તા ને તપસ્વી સાધુતા સાથે, સ્વામિનારાયણ ભગવાનનો સિધ્ધાંત પ્રવર્તવા માટે, બોચાસણ મુકામે, ચાર શિષ્યો સાથે ‘ બોચાસણ અક્ષર પુરૂષોત્તમ સંસ્થા’..બી.એ.પી.એસ(BAPS)ની સ્થાપના કરી.પ. પૂ.યોગીજી મહારાજ ને પ.પૂ. પ્રમુખ સ્વામીએ, સાચે જ સમાજને નવપલ્લિત કરી ,વાસંતી ચેતના ફેલાવી દીધી છે..એનું આજે વિશ્વ સાક્ષી છે.

રમેશ પટેલ(આકાશદીપ)

…………..

વધાવો પંચમ વસંતની…રમેશ પટેલ(આકાશદીપ)

 

પવન પમરાટે વાગી પીપૂડી

વન- કોયલે ટહુકે વાત છેડી

મને  જાદુઈ  છડી જડી

વધાવો પંચમ વસંતની

 

શિશિરી ધરા ત્યજે ઠૂંઠવાઈ

વનવેલી  મઢતી અંગડાઈ

લૂંટાવે ઉલ્લાસ વનપરી

વધાવો પંચમ વસંતની

 

વનપર્ણ  ઝૂમે  રતુંબલ લીલાં

છપનાં જ છાનાં હરખે રસીલાં

મદનની મસ્તી જ કામિની

વધાવો  પંચમ  વસંતની

 

ભરચક જ ભાળ્યું ઉરમાં કેસુડું

નજરું  જ મીઠી, કલરવ મધુરું

ભરું અંગે વ્હાલ તાજગી

વધાવો પંચમ વસંતની

 

ભરી ખુશ્બુ ને જોબન છલકતું

મત્ત  મંજરીમાં  કોઈ મલકતું

ઉમંગી, તું  મૌસમ પ્રીતની

વધાવો   પંચમ  વસંતની (૨)

રમેશ પટેલ(આકાશદીપ)

…………….

શ્રી દિલીપભાઈ ગજ્જર(યુ.કે.)ના વિશેષ આભાર સાથે, વાસંતી રસથી છલકતું, એક મારું ગીત માણીએ.

…..

આ સાથે બ્લોગ પર આપનું ગીત રજુ કર્યું છે . ..રજૂઆત યુવાન કવિ અનીલ ચાવડા એ લખી આપેલ મારા ઉમેરા સાથે …

 pl. Click…

http://leicestergurjari.wordpress.com/2012/02/28/vasantna-vhaal-audio/

શુભેચ્છા સહ દિલીપ

Read Full Post »