Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ, 2017

મનમૂકીને મેહુલીઓ ગુજરાતની ધરાને સીંચી રહ્યો છે. વરસાદ એટલે સૃષ્ટિપર 

દૈવી કૃપા ને આફતના ઓળા પણ. બંધના લીધે પૂરની હોનારતો નાથીએ તો પણ કુદરતની વિરાટ શક્તિ આગળ સૌ સ્ત્રોતો વામણા.  લીલાછમ ખેતરો ને ડુંગરા માટે હૈયાથી આવકારીએ મેઘરાજાને…

રમેશ પટેલ(આકાશદીપ)

આવ રે મેઘા….રમેશ પટેલ(આકાશદીપ)

દશે  દિશાએ  વાયુ વાયે

કાળાં ડિબાંગ વાદળ ઉમટે

અંબર ગાજે,વીજ ઝબૂકે

ધરતીનો ધબકાર પુકારે

 

આવરે મેઘા મારે દ્વારે()

કેવો વરસે

ઝરમર ઝરમર ધારે વરસે

વાયુના વીંઝણાએ વરસે

આસમાનથી ત્રાંસો વરસે

સાંબેલાની ધારે વરસે

 

 

રાજાશાહી ઠાઠે વરસેઆવરે મેઘા

અષાઢે આખેઆખો વરસે

શ્રાવણે ઝરમરિયો વરસે

પારેવાની પાંખે વરસે

મોરલાને કંઠે વરસે

 

 

ભૂલકાંની સંગાથે વરસેઆવરે મેઘા

કેવો વરસ્યો……

પર્વતની ટેકરીએ વરસ્યો

ઊંડી ઊંડી ખીણે વરસ્યો

ભેખડો તોડી ને વરસ્યો

ગામશહેરની વાટે વરસ્યો

 

 

સૃષ્ટિ માટે દોડી વરસ્યોઆવરે મેઘા

માનવની શ્રધ્ધાથી વરસ્યો

ચાતકના પ્રેમે વરસ્યો

મોરલાના નાચે વરસ્યો

નવોઢાના સાદે વરસ્યો

 

 

ધીંગી ધરાને કાજે વરસ્યો.આવરે મેઘા

કેવો છલક્યો કેવો મલક્યો.

સરોવરને કિનારે છલક્યો

બંધતણા દરવાજે છલક્યો

નદીઓના કાંઠાએ છલક્યો

ગામોની વાટો છલક્યો

 

 

દિલ દઈ ડેલીએ વરસ્યો..આવરે મેઘા

ડાંગરની ક્યારીએ મલક્યો

ઊંચા ઊંચા તરૂએ મલક્યો

મોતી થઈ પાંદડીએ મલક્યો

વાડતણા વેલાએ મલક્યો

 

 

વહાલો મારો લીલીછમ મલક્યોઆવરે મેઘા

ગરીબોના કૂબાએ મલક્યો

ખેતરે મોલ થઇ મલક્યો

ખેડૂતોના અંતરથી મલક્યો

વેપારીની વખારે મલક્યો

 

 

વાહ ધરણીધર કેવો મલક્યો.આવ રે મેઘા

કેવો ચમક્યો કેવોમહેંક્યો

મેઘ ધનુષના રંગે ચમક્યો

ચાંદલીયાના જળકુંડે ચમક્યો

પંકજની પાંદડીએ ચમક્યો

સાગરની સેજે રે ચમક્યો

 

 

મંદિરના શિખરીએ ચમક્યો..આવરે મેઘા

ધરતીની ખુશબુ થઈ મહેંક્યો

મોરલાના કંઠડે ગહેંક્યો

શ્યામલ રૂપ ધરીને છલક્યો

ખીલતા યૌવનથી મલક્યો

 

 

ભક્તિની શક્તિથી ખૂબ ઝબૂક્યો.આવરે મેઘા

ગાજતો રહેજે ,વરસતો રહેજે

દશે દિશાએ દોડતો રહેજે

વરસે વરસે ભીંજાવતો રહેજે

સૃષ્ટિને સજાવતો રહેજે

મેઘાડંબર ગજાવતા રહેજે.ગજાવતો રહેજે

વહાલા મેઘા આવતો રહેજે ..આવતો રહેજે

Advertisements

Read Full Post »

સત્સંગ…ગુરુવાણી…

 આત્મા શબ્દથી સમજાય તેવો નથી, સંજ્ઞાથી સમજાય…જાગ્રત થાય ને સ્વભાવ સ્વરૂપ વર્તાય. જ્ઞાન-દર્શન- ચરિત્ર એ તેનું સ્વરૂપ ને પરમાનંદ તેનો સ્વભાવ.

   પ.પૂ. દાદાશ્રી ભગવાન કહે..

અનંત ગુણો પ્રગટ થાય..જાણવાનો સ્વભાવ એ આત્માનો સ્વભાવ ને…

એ જ પરમાત્મા તરફ ઊર્ધ્વગમન…આવરણો દૂર થતાં પરમપદમાં રહો એ સિધ્ધ ક્ષેત્ર.

અજ્ઞાનીનો આત્મા એટલે બંધન સ્વરૂપ, જ્ઞાનીનો આત્મા એટલે અબંધ-બંધમાં હોય ને અમુક અપેક્ષાએ બંધ અને અમુક અપેક્ષાએ અબંધ લાગે, 

જ્યારે સિધ્ધ ભગવંતો તો અબંધ જ રહે. મોક્ષમાં રહે. આત્મા એટલે એ અરૂપીપદને ફક્ત અનુભવગમ્ય રીતે

કેવળજ્ઞાનથી જાણવો.

તમે પ્રકૃત્તિની સત્તામાંથી છૂટો ને સ્વસત્તામાં આવો એ જ પરમાત્માની દશા.

સંકલન- આધાર…અક્રમ વિજ્ઞાન

………………….

જ્ઞાન પછી બીજા કોઈ લોકમાં જવું નથી પડતું, પરંતુ જ્ઞાન રૂપી અગ્નિમાં બફાયા હોય, તો તેને લઈને બીજો કોઈ સૃષ્ટિનો ખેલ નથી હોતો..જેમ બાફેલું અનાજ વાવવાથી છોડ નથી ઊગતો.

સ્વામી રામકૃષ્ણ પરમહંસ 

………………….

આત્મા એટલે ભીતરનો પ્રકાશ ને શરીર એટલે પૃથ્વી.તમારી ભીતર બંનેનું મિલન 

થયું છે ને તમે છો ક્ષિતિજ. વાસ્તવમાં ક્ષિતિજ ક્યાંય છે?…

પણ દેખાય એ એક અવસ્થા જ. 

આમ આપણે આકાશ સુંધી ખૂલેલા છીએ.દેહાભિમાનનો અંધકાર 

ચિરકાળથી છે તેને જ્ઞાનની તલવારથી કાપ ને અનુભવ કર કે હું બોધપૂર્ણ છું.

-પ.પૂ.રામશર્મા આચાર્યશ્રી

………………..

કણકણમાં ભગવાન….રમેશ પટેલ(આકાશદીપ)

વદે વેદની ઋચા સુજ્ઞ
કણકણમાં ભગવાન
સૂક્ષ્મ જગને પરખે અંતર
ગઠન ગૂંથે કિરતાર

કેમ જગત આ? કેવું વિશ્વ આ?
ખોળે ભાષા આ વિજ્ઞાન
લોપી અલોપી ખેલ નિરાલા
ઢૂંઢે શક્તિના સંધાન

લીલા અનોખી ગતિ શક્તિની
કોટિ રમે દેતિ દુવિધા
કોણ તપવતું ઊંડા પાતાળો
ભેદ ભારી જ અતાગા

આનાદિ બ્રહ્માંડ રમે અનંતા
અગોચરા રે બંધન
‘ઈશ્વરીય કણની’ માયા મોંઘેરી
વિજ્ઞાન કરે રે વંદન
 
કોણ કરે આ ગર્ભિત શાસન
ફક્ત કરવાવાળો જાણે
ભેદ ભરમના મહા ખજાના
ચાર ટકા જ ભાણે
બાકી મારો રામ એ જાણે(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

વર્ષા ઋતુ એટલે સૃષ્ટિમાં ચેતના ભરતી ઋતુ. મેહુલો વરસે, મોરલા ટહુકે ને સરવર,

 સરિતા જોબનવંતી થઈ મલકે. લીલીછમ ધરતી ને ડુંગરા નયનોને ખુશીઓથી

 છલકાવી દે .

ખેડૂત ને દેશ બંને વર્ષાને વધામણાં દે…આવો …પધારો…રે મેઘરાજા.

રમેશ પટેલ(આકાશદીપ)

Image result for વર્ષા ઋતુ

(Thanks to webjagat for this picture)

કોણ ભીંજવે ભીતર……રમેશ પટેલ(આકાશદીપ)
કોણ  ભીંજવે  ભીતર
ગગન ગાજતું અંદર

ટપટપ  છાંટે ગાતું  હૈયું આજ મધુરાં ગાન
છોડ અટખેલી પવન આતો કેવાં રે તોફાન

કોણ રમાડતું  છાનું
છમછમ નાચે પ્યારું

મોર બનીને  દે મનડાં મૌસમનો  ટહુકાર
સાત રંગોથી  કોણ રમે મેઘધનુષ ટંકાર?

અષાઢના  આ સગડ
નક્કી વ્હાલના વાવડ

દૂર દૂર   ભાળું  વરસતો   દોડીને વરસાદ
થઈ ધન્ય  જગત ઝીલતું કુદરતી પ્રસાદ

સૂણ લીલુડા રે સાદ
મનગમતી એ  યાદ

છૂટે સોડમ ધરાની  ને છમછમ સરવર
ઝીલું હથેલીએ ચોમાસું ને ભીતર ફરફર
કોણ ભીંજતું ભીતર…કોણ ભીજતું ભીતર

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »