Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ 23rd, 2016

(Thanks to webjagat for this picture)

1906ની 23મી જુલાઈએ મધ્યપ્રદેશના અલિરાજપુર જિલ્લાના ભાવરા ગામે,દેશના પ્રખર ક્રાંતિવિર ચંદ્રશેખર આઝાદનો જન્મ થયો. બાળપણનું  નામ  ચંદ્ર શેખર તિવારી આખા જગત માટે ક્રાંતિનો રોલ મોડેલ બનેલા શેખર ૧૫ વર્ષની નાની વયે આઝાદીના સંગ્રામમાં સામેલ થયા ને ધરપકડ થઈ…નામ પુછ્યું તો કહે..મારું નામ’ આઝાદ’ છે. . આપના પિતાનું નામ અદાલતમાં પૂછતાં ..જવાબ દીધો.. ‘સ્વતંત્રતા’  અને સરનામુ બોલો તો કહે..’ જેલ’ આવા મા ભારતીના લાલના જુસ્સાએ…- યુવાનોમાં ક્રાંતિ સિંચવાનું મહામુલુ કામ કર્યું. તેમનું જોમ સીંચતું ગાન પણ કેવું– દુશ્મનો કી ગોલિયોં કા સામના હમ કરેગેં, આઝાદ હી રહે હૈ… આઝાદ હી રહેંગે..

   ગાંધીજીની અહિંસક ચળવળને અંગ્રેજો ધોઈપીસે ગણી, તેમની  સાથે તેઓ સહમત ન થયા ને તેમણે ક્રાંતિકારી યુવાનોનું દળ બનાવ્યું , જેમાં રામ પ્રસાદ બિસ્મિલ્લ, ભગતસિંહ વગેરે યુવાનોની ટીમ યાહોમ કરીને , દેશની આઝાદી માટે નીકળી પડી. અંગ્રેજોની ગુલામ ગણી હડધૂતની નીતિ સામે આક્રોશથી પાઠ ભણાવવાની લડતનાં મંડાણ કર્યાં.  લડત માટે ફંડ એકઠું કરવા તેમણે આયોજન કરીને 1925માં કાંકોરી ખાતે ટ્રેન લૂંટી અને ઝપાઝપીમાં આસિસ્ટન સુપ્રીટેન્ડેન્ટની હત્યા થઈ. અંગ્રેજોએ તેમને પકડાવા સમગ્ર તાકાત લગાવી..તો  આઝાદે અંગ્રેજોનો કહ્યું ‘ તેમે મને ક્યારેય જીવતો નહીં પકડી શકો’. છેવટે થયું પણ એવું જ. અલાહાબાદના આલ્ફ્રેડ પાર્કમાં અંગ્રેજો સામેની લડતમાં તેઓ શહિદ થયા, પણ જીવતા પકડાંયા નહીં. મૃત્યુ વખતે તેમની ઊંમર હતી માત્ર 24 વર્ષ.

આઝાદ અવસાન પામ્યા તે વૃક્ષ, આલ્ફ્રેડ પાર્ક, અલ્હાબાદ.

લેખક વરિષ્ઠ પત્રકાર અને સાહિ‌ત્યકારશ્રી વિષ્ણુ પંડ્યાએ સુંદર શબ્દચિત્ર ઈતિહાસનું કંડાર્યું છે..આવો એમની કલમે જ માણીએ…

ઈતિહાસનાં કેટલાંક પાનાં આપણને વર્તમાનના પડાવ પર વિચારતા કરી મૂકે છે અને એવા આશ્ચર્યમાં મૂકી દે છે કે અરે, આવું પણ બન્યું હતું? ૨૭મી ફેબ્રુઆરી એવો જ એક દિવસ છે. ૧૯૩૧ના આ દિવસનો સૂરજ ઊગ્યો અને એક દેશભક્ત ક્રાંતિકાર- માંડ પચીસની વયનો, પણ આયોજન અને વિચારમાં એકદમ નિષ્ણાત- પોતાના સાથીદારોને, અને દેશની યુવા પેઢીને ‘અલ-વિદા’ કહીને શહીદ થઈ ગયો. સ્થળ અલ્હાબાદનો આલ્ફ્રેડ પાર્ક. બ્રિટિશ પોલીસ જેને શોધવા માટે આકાશપાતાળ એક કરી રહી હતી તેના વિશે કોઈ વિશ્વાસઘાતીની જાણકારી પરથી ખબર પડી કે આજે તેઓ આ પાર્કમાં એકઠા થયા છે.


નામ ચંદ્રશેખર આઝાદ. હિ‌ન્દુસ્તાન સમાજવાદી પ્રજાતાંત્રિક સંઘ(એચએસઆરએસ)ના કમાન્ડર ઈન ચીફ. સાથીદારો બંગાળથી ઉત્તરપ્રદેશ અને પંજાબ સુધીના. ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ, ભગવતીચરણ વોરા, દુર્ગાભાભી, શિવ વર્મા, બટુકેશ્વર દત્ત, ફણીન્દ્રનાથ ઘોષ અને બીજા ઘણા. આ સંગઠનોએ દેશભરમાં ક્રાંતિની આગ પ્રસરાવી દીધી. રામપ્રસાદ ‘બિસ્મીલ’ અને અશફાકઉલ્લા ખાંને ફાંસી મળી. અમૃતસરમાં જલિયાંવાલા બાગમાં એકત્રિત લોકો પર આર.ઈ.એચ. ડાયરે, બધા દરવાજા બંધ કરાવીને ગોળીબાર કર્યો. ૧૬પ૦ રાઉન્ડ ગોળીથી એક હજારની લાશો ઢળી. ૧૯૨૭ના સાયમન કમિશનનો વિરોધ કરવા નીકળેલા જુલૂસ પર લાહોરમાં લાઠીમાર કરાયો.

લાલા લજપતરાયે ઘાયલ થઈને ૧૭ નવેમ્બર, ૧૯૨૮ના આંખો મીંચી આઝાદ, ભગતસિંહ, ભગવતીચરણ વગેરેએ તેનો જવાબ આપવાની યોજના કરી અને એક મહિ‌ના પછી, સોંડર્સને ઠાર કરાયો. થોડા વધુ દિવસો પછી ૮ એપ્રિલ, ૧૯૨૯ના લોકસભામાં બોમ્બ ફેંકાયો. ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ત્યાં જ ઊભા રહીને કહ્યું, ‘હા અમે બોમ્બ ફેંક્યો છે…’ પછી ૨૩ ડિસેમ્બરે દિલ્હીમાં વાઈસરોયની ટ્રેન પર બોમ્બ ઝીંક્યો. લાહોર નદીકિનારે, ભગતસિંહને જેલમાંથી છોડાવવા માટે બોમ્બ નિર્માણનાં કામમાં ભગવતીચરણ ઘાયલ થઈને મૃત્યુ પામ્યા. ૭ ઓક્ટોબર, ૧૯૩૦ના લાહોર મુકદ્મામાં ભગતસિંહ, રાજગુરુ, સુખદેવને ફાંસી મળી. બીજા સાતને જન્મટીપની કાળાંપાણીની સજા. ‘આઝાદ’ ક્યારેય પોલીસને હાથ આવ્યા નહીં. તેમને ફરાર જાહેર કરાયા હતા. સાધારણ ધોતી, ઝભ્ભો અને કોટ પહેરતા. નિશાનબાજીમાં નિષ્ણાત. દેશભક્તિનાં ગીતો સંભળાવે. તેમનું પ્રિય ગીત હતું : મા હમેં વિદા દો જાતે હૈં હમ, વિજય કેતુ ફહરાને આજ, તેરી બલિવેદી પર ચઢ કર…

બ્રિટિશ પોલીસ કોઈ પણ ભોગે પકડવા માગતી હતી. શચિન દાને આંદામાનની જેલ મળી હતી. બિસ્મિલ્લ-અશફાક ફાંસીએ ચઢી ગયા હતા. સાથીદારો બધા જ જેલોમાં. એક જ એષણા રહી હતી: સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ/ દેખના હૈ જોર કિતના બાજુ-એ કાતિલ મેં હૈ

એ દિવસ પણ આવ્યો, સમર્પિ‌ત શહાદતનો ૨૭મી ફેબ્રુ.ની સવારે આઠ વાગે ‘આઝાદ’ની સાથે સાથીદારોએ ગુપ્ત બેઠક કરી, આલ્ફ્રેડ પાર્ક(જેને કંપની બાગ પણ કહેવાયો)માં આની ખબર પહોંચતાં પોલીસ ધસી આવી. પોલીસ મૌલશ્રીના ઝાડ પાછળ, આઝાદ જાંબુનાં વૃક્ષ પાછળ સામસામો ગોળીબાર ચાલ્યો. જાંઘમાં ગોળી વાગવાથી ઘાયલ આઝાદે સુખદેવ રાજને કહ્યું કે રાજર્ષિ‌ ટંડનને કહેજે કે મારા મૃતદેહનો અગ્નિ સંસ્કાર. આઝાદે નોટ બેબર સહિ‌તનાને ઘાયલ કર્યાં પણ છેવટે એકલા હાથે, પિસ્તોલમાં છેલ્લી ગોળી બચી ત્યાં સુધી લડતા રહ્યા, છેલ્લી ગોળીનો ઉપયોગ પોતાની આત્મહુતિ માટે કર્યો. જાતે કપાળ પર નિશાન તાકીને શહીદી પ્રાપ્ત કરી. આ તો તેનો સંકલ્પ હતો ને? કહેતા તે, સાથીઓને.

દુશ્મન કી ગોલિયોં કા હમ સામના કરેંગે,
આઝાદ હી રહે હૈ, આઝાદ હી રહેંગે

એ યાદ રાખવા જેવું છે કે આઝાદીજંગ માટેની એ સશસ્ત્ર લડાઈ આજકાલના જેહાદી વિસ્ફોટોથી બીજા છેડા પરની હતી. આજે તો ભાડૂતી આતંકવાદ છે, ઝનૂન છે, દેશને ખંડિત કરવાની સાજિશ છે. સ્વતંત્રતા માટે લડનારા ચંદ્રશેખર આઝાદનાં હથિયારો મહાન અને સ્વાધીન ભારતના યજ્ઞ માટેની સામગ્રી હતા. સમર્પિ‌ત દિલોદિમાગથી, સ્વતંત્રતાની ફિલસૂફી સાથે તેઓ લડયા, મર્યા અને અંતિમ અભિલાષ વ્યક્ત કરતા રહ્યા, આ શબ્દોમાં-

અપની કિસ્મત મેં અજલ સે હી- સિતમ રખ્ખા થા,
રંજ રખ્ખા થા, મુહિ‌મ રખ્ખી થી, ગમ રખ્ખા થા,
કિસકો પરવાથી, ઔર કિસમેં યે- દમ રખ્ખા થા,
હમને જબ વાદિ-એ-ગુર્બતમેં કદમ રખ્ખા થા,
દૂર તક યાદેંવતન આયીથી સમજાને કો

આપણે વિસ્મૃતિના અભિશાપથી મુક્ત થવા માટેય ઇતિહાસનાં આવાં વિસ્મૃત પાનાંને નજર સમક્ષ લાવવાં જ જોઈએ: બ્રિટિશ સત્તાના દસ્તાવેજોમાં તો ચંદ્રશેખર આઝાદની નોંધ આટલી જ છે: ‘નામ : ચંદ્રશેખર સીતારામ ઉર્ફે ‘આઝાદ’, ઉર્ફે બલરાજ ઉર્ફે પંડિતજી ઉર્ફે ભૈયા ઉર્ફે ક્વિક સિલ્વર. જિલ્લા ઉનાવ, ગામ મૌની બદરકા. જન્મ : સોમવાર ૨૩ જુલાઈ, ૧૯૦૬. લગભગ પાંચ ફૂટ સાડા છ ઈંચ ઊંચાઈ, રંગ ઘઉંવરણો. શરીર મજબૂત. ગોળ ચહેરો. ચહેરા પર હળવા શીતળાના ડાઘ. કાળા વાળ. મોટી આંખો… અનેક મુકદ્મામાં ફરાર-’ …પણ આપણા માટે તો, આજે જે ખુલ્લી હવામાં મોકળાશથી શ્વાસ લઈ રહ્યા છીએ તેવા સ્વાધીન દિવસ કાજે રક્તરંજિત યાત્રા કે સ્વાતંત્ર્યકુંભના શહીદનું સ્મરણ

-વિષ્ણુ પંડયા
લેખક વરિષ્ઠ પત્રકાર અને સાહિ‌ત્યકાર છે.

 આજે ૧૧૦ મી જન્મતિથિએ તેમની દેશભક્તિમાંથી પ્રેરણા લઈ ને વંદન કરતાં..રાજકીય કુસંપ છોડી..દેશ પહેલો’..ની ભાવના હર ભારતીયમાં જાગે એવી ભાવના કરીએ. 

સંકલન-રજૂઆત..રમેશ પટેલ(આકાશદીપ)..આધાર-ગુજ.સમાચાર

Read Full Post »