Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ 20th, 2016

ગુજરાતી સાહિત્યનું ગૌરવ- શ્રી હરનિશભાઈ જાની…રજૂઆત-શ્રી પી.કે.દાવડા

આ.સાહિત્યકારશ્રી હરનિશભાઈ જાનીજી…સ્વભાવ અને લેખનની વાત નીકળે..એટલે જાણે હરખનાં માર્મિક પોટલાં.વિપરિત પરિસ્થિતિને નાણી, તેમની ઊંડી સૂઝ થકી જે ટકોર નીકળે..તે વાંચો તો ખબર પડે કે..ભલા આમાં હસીએ છીએ પણ હસવા જેવા ના થઈ જઈએ..હાસ્ય લેખક તરીકે તેઓ જુદા જ તરી આવે. ફેસબુક પર હંસાબેન સાથે તસ્વીર જૉઇએ ને તેમની વાત યાદ આવે..કેટલા દિવસ અમેરિકામાં રહી વતન માટે વસવસો કરશો..આ તમારા લાડકાઓ તો અહીંના જ થઈ ગયા છે.આજે  આ.શ્રી પી.કે. દાવડાજીએ..ગુજરાતી સાહિત્યને ગૌરવથી નવાજી સુંદર એક લેખ મોકલ્યો..એ આજે સાભાર માણીએ.

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

(Thanks webjagat for photo)

 

હરનિશ પરિચય.

હરનિશ જાનીના હાસ્ય નિબંધ સંગ્રહ “સુશીલા”ને ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૦૦૯નું શ્રી જ્યોતીન્દ્ર દવે પારિતોષીક મળ્યું હતું અને તે જ પુસ્તકને ગુજરાતી એકેડેમી,ગાંધીનગરનું હાસ્ય કટાક્ષ વિભાગનું પ્રથમ પારિતોષીક પ્રાપ્ત થયું હતું .તેમના હાસ્ય વાર્તા સંગ્રહ “સુધન”  કે જેને ગુજરાતી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાએ છપાવ્યું હતું. તેને  ગુજરાતી એકેડેમી ગાંધીનગરનું ૨૦૦૩નું બીજું ઈનામ મળ્યું હતું અને હાલમાં ૨૦૧૪માં ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ,રાજકોટે “હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યવિશ્વ” વાર્તાઓ અને નિબંધોનૂં પુસ્તક બહાર પાડ્યૃં છે.

હરનિશ જાની રિટાયર્ડ પ્લાસ્ટિક એન્જીનીયર છે.મૂળ રાજપીપલાના રહેવાસી,છેલ્લા ૪૫ વરસથી અમેરિકામાં વસ્યા છે. છેલ્લા બે વરસથી હરનિશ જાની સૂરતના ગુજરાતમિત્રની બુધવારની દર્પણ આવ્રુત્તીમાં ફીરભી દિલ હૈ હિન્દુસ્તાની નામની અઠવાડિક કોલમ લખે છે. તેમણે ૧૯૯૨–૧૯૯૫ ના ગાળામાં અમેરિકામાં સૌ પ્રથમ ગુજરાતી કેબલ ટી.વી. પ્રોગ્રામ પણ પ્રોડ્યુસ કર્યો હતો.

એમનો પ્રથમ હાસ્ય લેખ મારા કોઈ કોમેન્ટનો મોથાજ નથી.

                  શ્રી જ્યોતીન્દ્ર દવે પારિતોષિક-મળ્યા  પછી.                                                                                                                                                                                                                 

અમદાવાદથી એક મિત્રે મને ઇ મેઇલ દ્વારા જાણ કરી કે મા્રા હાસ્ય નિબંધોના  પુસ્તક “સુશીલા”ને ૨૦૦૯નું ગુજરાતી સાહિત્ય પરિષદનું શ્રી જ્યોતીન્દ્ર હ.દવે પારિતોષિક મળ્યું છે.મને આનંદ થયો.કે ચાલો છેવટે કોઇએ તો પુસ્તક વાંચ્યું. બાકી આજકાલ ગુજરાતી ઓછું વંચાય છે. અને ગુજરાતી વાંચોની ઝુંબેશ પણ ઇંગ્લીશમાં કરવી પડે છે. કે “રીડ મૉર ગુજરાતી”.

તે સાંજે જ એક મુરબ્બીનો ફોન આવ્યો.

“અભિનંદન. તમને જ્યો્તીન્દ્ર દવે પારિતોષિક મળ્યું તે બદલ.”

મેં તેમનો વિવેક પૂર્વક આભાર માન્યો.તેમણે આગળ ચલાવ્યું.

“અમે નાના હતા ત્યારે જ્યોતીન્દ્ર દવેને બહુ વાંચ્યા છે.”

“હા,આપણી ઉંમરના લોકોએ તો તેમને વાંચ્યા જ હોયને.”,મેં કહ્યું.

તેમણે આગળ ચલાવ્યું.”અમે તેમની ભદ્રંભદ્ર પણ ભણ્યા છીએ.તેમાં બહુ હસવાનું હતું.” હવે ભદ્રંભદ્રનું નામ જ્યોતીન્દ્ર દવે સાથે સાંભળતામાં હું ચમક્યો.મારે એમને સુધારીને એમના ઉત્સાહમાં ભંગ નહોતો પાડવો . અને તેમનો ઉત્સાહ મારા લાભમાં હતો. એમણે આગળ ચલાવ્યું. “તે જમાનામાં તે માણસ ઘણું સરસ લખી ગયો છે. હવે લખાતું નથી.” અને એમણે ફરીથી અભિનંદન આપીને વાત બંધ કરી.

બીજે દિવસે સવારમાં જ એમનો ફોન પાછો આવ્યો.

“હરનિશભાઇ, જ્યોતીન્દ્ર દવેને તમે વાંચ્યાં છે,ખરા?”

“હા.જરુરથી.પરંતુ તમે એમ કેમ પૂછો છો?”

એ  મુરબ્બીએ આગળ ચલાવ્યું,” તો તો તમને ખબર હોવી જ જોઇએ કે તેમણે ભદ્રંભદ્ર નથી લખ્યું.”

મેં બહુ નમ્રતાથી કહ્યું કે” મને ખબર છે કે ,તે પુસ્તક જ્યોતીન્દ્ર દવેએ નથી લખ્યું”

“ના .એની ગઇકાલ સુધી તો તમને ખબર નહોતી.તો બોલો કોણે લખ્યું છે તે?”

“રમણલાલ નીલકંઠે”. મેં જવાબ આપ્યો.

“તો પછી ગઇકાલે તમે મને એમ કેમ કહ્યું કે ભદ્રંભદ્ર- જ્યોતીન્દ્ર દવે એ લખ્યું છે.”

                                                                                                                                                                                                                                                                                                                                       મેં મારો બચાવ કરતાં કહ્યું કે “હું એ વિષે કાંઇ બોલ્યો નથી. પરંતુ તમે એવું કાંઇક બોલ્યા હતા.” તે બોલ્યા,” હું તો એ જાણવા માંગતો હતો કે તમને ખબર છે કે નહીં? એટલે એવું બોલ્યો પણ તમે જો જાણતા જ હતા ત્યારે મને કહી દેવું જોઇએને ! મને લાગે છે કે તમને એ વાતની ખબર નહોતી.”

એ વાત શું હતી કે કોણે કોને કહી હતી તે પુરવાર કરવાનો આ વખત નહોતો. કદાચ હું સાચો પુરવાર થાઉં અને એમને ખોટા સાબિત કરું તો એ પણ મારા માટે તો હાર જ હતી.મારા બે ચાર પ્રસંશકોમાંથી પચીસ ટકા જેવા પ્રસંશક ઘટી જાય. એટલે હું બોલ્યો કે “મેં તમને સાચી વાત કહી હોત પણ હું મારી પ્રશંસા સાંભળવામાં મસ્ત હતો.અને બીજું કે તમને આવી નાની વાતમાં સુધારવા જાઉં તો તે સારું પણ નહીં ને ! કદાચ તમને ખોટું લાગી જાય.”

“ના ના મને એમ કાંઇ ખોટું ન લાગે.હું તો તમને ચકાસતો હતો.પરંતુ તમે એમાં ફેઇલ થયા. આ ગુજરાત યુનિવર્સીટીવાળા કેવા કેવાઓને ઇનામ આપે છે !”

તેમનું સ્ટેટમેંટ સુધારવાની ઇચ્છા તો થઇ કે ગુજરાત યુનિવર્સીટીએ પારિતોષિક નથી આપ્યું પણ ગુજરાતી સાહિત્ય પરિષદે આપ્યું છે. પરંતુ વિચાર્યું એમનો મુડ ખરાબ નથી કરવો. પછી છો ને તેઓ ગુજરાત યુનિવર્સીટીને જશ આપે !

બીજા એક મિત્રનો ફોન આવ્યો. “

હરનિશભાઇ,તમને જ્યોતીન્દ્ર દવે પારિતોષિક મળ્યું તે જાણ્યું. તે હેં ! તે હજુ જીવે છે? મને તો એમ હતું કે તે હવે નથી રહ્યા.”

મેં આભાર માની કહ્યું કે “જ્યોતીન્દ્ર દવે તો વરસો પહેલાં ગુજરી ગયા છે.”

તેમણે ચલાવ્યું. “તો પછી ઇનામ કોના હાથે મળવાનું છે?”

મારે તેમને સમજાવવા પડ્યા કે આવા પારિતોષિકોને મોટા સાહિત્યકારોના નામ આપવામાં આવે છે. જુઓને રણજીતરામ સુવર્ણ ચંદ્રક,નર્મદ સુવર્ણ ચંદ્રક વિગેરે વિગેરે.

“તો એમ કહોને ભાઇ,કે જ્યોતીન્દ્ર દવે સુવર્ણ ચંદ્રક તમને મળશે-ભાભી ગમે તેટલું કહે તો પણ ચંદ્રક તોડાવીને દાગીનો ન બનાવતા.”

“જુઓ,આમાં જ્યોતિન્દ્ર દવે જાતના બ્રાહ્મણ તેમના માનમાં સોનું દીપે પણ નહી. એટલે ભગવતી સરસ્વતીના માનમાં એક કાગળ પર પારિતોષિક લખી આપશે.

                                                                                                                                                            

“તો પછી યાર, આટલા બધા ખુશ કેમ થાવ છો? આ જમાનામાં એવા કાગળિયાં તો કેટલા ય ઊડે છે.સોનું લાવો સોનું.સાંભળ્યું છે કે થોડા વરસોમાં દુનિયામાં જેની પાસે વધુ સોનું હશે તે ફાવશે. કાગળિયાં બધાં નકામા થઇ જશે.”

આ પારિતોષિકની કાંઇક તો કિંમત છે એ સમજાવવા ફોગટ પ્રયત્ન કર્યો. પછી વિચાર્યું જયોતીન્દ્ર દવેની એમને ખબર નથી પણ હરનિશ જાનીની તો ખબર છે ને ! એમ માનીને મન મનાવ્યું”

મારા પત્નીના એક બહેનપણીનો ફોન આવ્યો.

“હંસાબહેન કહેતા હતા કે તમને કોમેડીનું કાંઇક ઇનામ મળ્યું.તે શેની કોમેડી કરી ?”

આ સવાલનો જવાબ કેવી રીતે આપવો એ ન સમજાયું. આ અમેરિકા છે.જો ગુજરાતમાં સામન્યજન પાસે સાહિત્યની અથવા સાહિત્યના મેગેઝિનોની વાતો કરવી વ્યર્થ છે.તો અમેરિકામાં તો આવું અગ્નાન સાહજિક ગણાય, અમેરિકામાં જન્માક્ષર બનાવડાવવા ઘણાં લોકો ઉમાશંકર જોષીને શોધે છે.

મેં તે બહેનને સમજાવ્યું કે  મને જ્યોતીન્દ્ર દવે પારિતોષિક મળ્યું છે. તો તેમણે સવાલ પૂછ્યો-“તે હેં ! જ્યોતીન્દ્ર દવે  કોમેડિયન છે ? આપણે તો કદી ટી.વી. પર જોયા નથી.” મેં કહ્યું કે તેઓ હાસ્ય લેખક હતા.  તો એમણે જણાવ્યું,”ઓહ ,તો મારા હસબન્ડ કહેતા હતા કે એક વખતે તેમનો પ્રોગ્રામ એટેન્ડ  કર્યો હતો ત્યારે મારા હસબન્ડને  બહુ હસાવ્યા હતા . એટલે મને થયું કે જ્યોતીન્દ્ર દવે કોમેડીયન હશે. લેખકો થોડું હસાવે?

હું તેમની વાતમાં સંમત ન થયો.ઘણાં લેખકો હસાવતા નથી.પણ હાસ્યાસ્પદ લખે છે.ત્યારે વાંચતાં હસવું આવે છે. પછી એમને સમજાવ્યા.કે હું હાસ્ય ભરી વાતો કરું છું પણ કોમેડિયન નથી. અને જ્યોતીન્દ્ર દવે પણ કોમેડિયન નહોતા-અને કમનસિબે આજે એ હયાત નથી.

જે હોય તે એ બહેને મને અભિનંદન આપવાની તેમની સામાજીક ફરજ બજાવી દીધી.

                  બે દિવસ પછી એક મિત્રે ફોન કર્યો.”હરનિશભાઇ,તમને જ્યોતિન્દ્ર દવે ઇનામ મળ્યું તે જાણ્યું” મેં તમનો આભાર માન્યો. તેમણે ચલાવ્યું કે “આજે જ ઇન્ટર નેટ ઉપર એક સરસ જોક વાંચ્યો.મને  બહુ હસવું આવ્યું.મને થયું  કે તમને કહું.તમને કામ લાગશે “

 “ભાઇ,હું જોક કહેતો નથી. હું તો લેખક છું”.

“લો,તમને હાસ્યનું ઇનામ મળ્યું છે તે અમસ્તું મળ્યું હશે? લોકોને હસાવતા તો હશો જ ને !”

                                                                                          મેં કહ્યું. “સારું ત્યારે જોક કહો.” અને એમણે ચલાવ્યું.”એક હતા સરદારજી” અને તેમણે મારા માથે એક ચવાય ગયેલો જોક માર્યો.

                    બે દિવસ પહેલાં ટ્રેઇનમાં ન્યુયોર્ક જતો હતો. ત્યાં એડિસનથી એક મિત્ર ચઢ્યા.બાજુમાં આવીને બેઠા.તે વ્યવસાયે આર્કિટેક્ટ છે. હવામાનની વાતો કરી.અમેરિકામાં વાત કરવા માટે  બીજું કાંઇ નહીં પણ હવામાન અને ટ્રાફિક બે એવા વિષય છે કે તે વિષે દરેક વ્યક્તિ પાસે પોતાનો ઓપિનીયન હોય છે. જ્યારે આપણે ત્યાં પોલિટીક્સ અને ક્રિકેટ પર ભારતનો એકે એક નાગરીક પોતાનું જ્ઞાન  દર્શાવશે.એ તો દરેકનો જન્મસિધ્ધ હક્ક છે. તે મિત્રે મને એક વાત કરી, “હરનિશભાઇ એક જોક કહો.” મેં પૂછ્યું કે ,”કેમ ,જોક કહું?”

“યાર,તમને હાસ્યનું તો સરકારે ઇનામ આપ્યું છે.એટલે જોક તો આવડતા હશે ને !”

મેં કહ્યું કે “ હું હાસ્ય લેખક છું.”

તો એ ભાઇ બોલ્યા,”તો તો એ તમારો ધંધો જ થયો ને !”

મેં તેમને સામે પૂછ્યું,:તમારો ધંધો શું છે?”

“હું આર્કીટેક્ટ છુ.”

મેં કહ્યું તો ‘તમે એક કામ કરો.અમારે નવું કિચન બનાવવું છે તેની ડિઝાઇન દોરી આપો. અને હું તમને એક નહીં પણ બે જોક કહીશ.’

                 ન્યુજર્સીના વુડબ્રીજના સિનીયર સેન્ટરના પ્રમુખે મને કહ્યું કે અમારે તમારું બહુમાન કરવું છે-આ પારિતોષિક મળ્યું છે એ બદલ. આમ પણ મારે કાંઇ કામ નહોતું. એટલે જવા રાજી થઇ ગયો. પછી એ પ્રમુખે મને તે પ્રોગ્રામની જાહેરાતનું કાગળિયું મોક્લ્યુ. તેમાં લખ્યું હતું.

“આવતા રવિવારે વુડબ્રીજ સિનીયર સેન્ટરમાં મિમીક્રી આર્ટિસ્ટ હરનિશ જાનીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.”

હું ધુંઆપુંઆ થઇ ગયો. અને પ્રમુખને ફોન કર્યો.

“મિમીક્રી ? હું મિમીક્રી કરું છું? હું હાસ્ય લેખક છું. હાસ્ય લેખક.”

પ્રમુખે મને શાંતિથી કહ્યું, “સાહેબ, તમે લેખક છો તે હું જાણું છું ને તમે જાણો છો. જાહેરાતમાં લેખક લખીશું તો પ્રોગ્રામમાં કોઇ નહીં આવે.આ તો મિમીક્રી લખીશું તો બધાં આવશે.ખરું પૂછો તો તમે મિમીક્રી શીખી જાવ. તો બે પૈસા કમાશો પણ ખરા- હાસ્ય લેખકની આજે વેલ્યું જ શું છે?

                                                                               હરનિશ જાની.

રજુઆતઃ પી. કે. દાવડા

…………………..

ધન્ય! માતૃભાષા મા બોલી…રમેશ પટેલ(આકાશદીપ)

સંબંધની   તું  રેશમ  દોરી

પઢીતી  પારણીયામાં પોઢી

વિશ્વ  વધાવે આ ખુશહાલિ

ધન્ય! માતૃભાષા મા બોલી

 

મધુ મીઠડી માતૃભાષા તું,

જીવનની ઉપલબ્ધિ

અનુભૂતિનો  અબ્ધિ

ખીલી ખીલવે સંસ્કૃતિ તું ભોળી

વંદું; આજ  માતૃભાષા મા બોલી

 

ધન્ય માતૃભાષા જ!

તું ગીત કલાની  ઝોળી

આત્મ સન્માનની ડોલી

પલપલના વૈભવે, ભરતી તું રે ઝોળી

વિશ્વ વધાવે મા બોલી

વંદું!  આજ માતૃભાષા મા બોલી

Read Full Post »