Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ 6th, 2016

અષાઢી બીજ એટલે રથયાત્રાદેશ-વિદેશમાં જગન્નાથપુરીની રથયાત્રાની યશોગાથા લોક હૈયે ઝૂલે છે, તો અમદાવાદના જમાલપુર મંદિરથી  , ૧૮૭૮માં દર અષાઢી બીજે અમદાવાદમાં રથયાત્રાની શરૃઆત થયેલી, આ યાત્રાનો લ્હાવો લૂંટી આપણે …જગન્નાથજીને નગરે વધાવીએ છીએ.       

    ગુજ.સમાચારે તેનો સુંદર ઈતિહાસ પીરસ્યો છે. એક દિવસ  હનુમાનદાસ નામના સાધુ વિચરણ કરતા  અમદાવાદમાં આવી પહોંયા. સાબરમતીના કિનારે તેમણે પોતાનું નાનું ઝૂંપડું બાંધ્યું અને હનુમાનજીની મૂર્તિ બનાવી તેની ભકિત કરવા લાગ્યા. થોડાક જ વખતમાં  લોકોમાં તેમની કિર્તી ચોમેર ફેલાઈ ગઈ. લોકોનો ભાવ જોઈ મહારાજે પોતાની ઝૂંપડી પાસે નાનકડું હનુમાન મંદિર બંધાવ્યું અને અમદાવાદમાં જ રહી પડયા. હનુમાનદાસજી બાદ તેમના શિષ્ય સારંગદાસજીને પણ લોકોનો ખૂબ પ્રેમ મળ્યો. એ વિસ્તારમાં દૂધની અછત ખૂબ રહેતી. તેને નિવારવા સારંગદાસજી મહારાજે મંદિરમાં ગૌ-શાળા બંધાવી. તેમના બાદ આવેલા નરસિંહદાસજી મહારાજ ગાદીએ આવ્યા.

          નરસિંહ દાસજી મહારાજ પ્રજાવત્સલ હતા અને સાચા આધ્યાત્મિક ભક્ત હતા. છાશની પરબ શરૃ કરવાથી માંડીને ભૂખ્યાને ભોજન કરાવવાની અને કુદરતી આફતોમાં રાહત પહોંચાડવા જેવી  સેવાપ્રવૃત્તિ તેમણે શરૃ કરાવી. અત્યારનું ભગવાન જગન્નાથનું મંદિર પણ તેમણે જ બધાવ્યું. નરસિંહદાસજી મહારાજે પુરીની રથયાત્રા જેવી રથયાત્રા અમદાવાદના જગન્નાથ મંદિરેથી પણ નીકળે તેવી ઈચ્છા પોતાના ભક્તો પાસે રજૂ કરી. અને ભક્તોએ સહર્ષ એ વાત સ્વીકારી લેતા ૧૮૭૮માં દર અષાઢી બીજે અમદાવાદમાં રથયાત્રાની શરૃઆત થઈ….રથડે બીરાજો રે રણછોડ.

………..

મગનો પ્રસાદ..અન્નકૂટને બદલે જગન્નાથજીને મગ જાંબુનો પ્રસાદ..કેમ જાણવું છે?

મગ એવું કઠોળ છે..જે શરીરમાં બળનો સંચાર કરે. અશક્તિ વખતે વૈદ હોય કે આજનું મેડીકલ વિજ્ઞાન..મગ અને પાણી લેવાની શરુઆત થાય. એ પથ્ય ખોરાક..દૂધની ગરજ સારે.લાંબા ઉપવાસ પછી મગના પાણીથી પારણાં,એટલે પાચનતંત્રને ગીઅર અપ કરવાની ચાવી. મહર્ષિ ચરકે જે જીવનીય વર્ગની દશ વનસ્પતિ ગણાવી છે..તેમાં મગ સ્થાન ધરાવે છેજીવનને આધાર દેનાર. રથયાત્રા એટલે લાંબી પૈદલ યાત્રાનો લોકોત્સવ. રથ જાતે ખેંચવાનો ઉત્સાહ. મગની પ્રસાદી એટલે શક્તિ દેતો ગુણકારી એબીસી પ્રોટીનથી ભરપૂર પ્રસાદ ને સાથે કુદરતનો રસથાળ એટલે જાંબુને કાકડી. અખાડાવાળા ને ભક્તોજનો માટે કેટલી સરસ વ્યવસ્થા..કોઈ નુકશાન જ નહીં. ફણગાવેલા કઠોળ એટલે તો પ્રોટીનનો ખજાનો.વહાણવટું કરતા લોકો ને ગર્ભસ્થ માતાના પોતાના અને સંતાનના સ્વાસ્થ્ય માટેની અમૂલ્ય ભેટબોલો જય રણછોડ.

 

સંકલન-રજૂઆત…રમેશ પટેલ(આકાશદીપ)

નગરના રાજા કે મુખિયાજી..મંદિરના સિંહ દ્વારે પ્રાર્થના કરે તે વિધિને પહનરાકહે છે.. રસ્તા પર ઝાડુ લગાવે ને ભક્તો રથયાત્રાના દોરથી હળવે હળવે પ્રયાણ કરે ને નગરે દર્શન દેવા જગન્નાથજી નીકળે…આવો દર્શન કરી ભાવે ધન્ય થઈએ…

(Thanks to webjagat for this vedio)

રથયાત્રા….રમેશ પટેલ(આકાશદીપ)

અવસર આનંદના અષાઢી બીજે
દર્શન દેશે જગન્નાથજી રે
રથ રાજવી ને ઝૂલે રે હાથીડા
શોભે બલરામ સંગ શુભદ્રાજી રે

છાયાં વાદળીયાં ઊંચેરે આભલે
છોગાળો છાંટણાં ઝીલેજી રે
દેવા દર્શનીયાં ઘરઘર આંગણે
રથે બીરાજ્યા વીરાઓજી રે

આવોને લૂંટવા લ્હાવા લાખેણા
નગરે નગારાં વાગેજી રે
ધર્યા છે પ્રસાદ મગ જાંબુના
આરોગો જનજન ઝૂમીજી રે

ભાવે રે ધરશું મોંસાળું પ્રભુજી
શ્રધ્ધાની તુલસી ભારેજી રે
કરૂણા તમારી પથપથ પ્રગટે
ધન્ય ધન્ય! અમે જદુરાયજી રે

રમેશ પટેલ(આકાશદીપ)

…………….

રથડે બીરાજજો રણછોડ……રમેશ પટેલ (આકાશદીપ)

ઝૂલે છે હાથીડા ને ઝૂમે છે લોક

રથડે બીરાજજો રણછોડ

દઈએ ઓવારણાં અષાઢી બીજનાં

પધારીને  પૂરજો રે કોડ

 

બહેની સુભદ્રા ને વીરા બલભદ્રજી

મલકે જાધવ કુળની જોડ

અમારી સગાઈ સવાઈ માધવજી

શંખ વાગે ને વધાવે ઢોલ……રથડે બીરાજજો રણછોડ

 

નગર અમારું આજ ગોકુળ વૃન્દાવન

તમે છોગાળા અમે છેલ

દર્શન  તમારાં  રૂડાં  રે  જગન્નાથજી

અક્ષત ગુલાલ માથે હેલ

 

પ્રેમથી પધરાવશું હૈયામાં લાલજી

છૂટ્યા અજંપા લૂંટ્યા શોર

લાલ પીળા રંગે શોભે આ રથજી

હળવે હાલે હરિ તરબોળ

રથડે બીરાજજો રણછોડ ..મારા રથડે બીરાજજો રણછોડ.

 

રમેશ પટેલ(આકાશદીપ)

……………………

રથયાત્રાના લ્હાવા રે….રમેશ પટેલ(આકાશદીપ)

 

હળવે હળવે હાલે જાધવજી

લેતા રથયાત્રાના લ્હાવાજી રે

પથપથ ઝરમર ઝરમરીયાજી

લૂંટે  અષાઢી  લ્હાવાજી  રે

 

વીરા બળભદ્ર બેલડી રૂડી

સાથે સુભદ્રા બહેનીજી રે

અષાઢી બીજનાં પાવન પર્વ

માણે મોસાળું માધવાજી રે

 

વીંઝણા  મોરપીંછ વેરે વાયરા

લાલજી મારા છોગળાજી રે

 

દરબારી ભપકા રાય રણછોડા

ગુલાલે રમે  રૂપાળાજી રે

હાથી   ઘોડા  ને મગના થાળા

ઢમઢમ  ઢોલ  નગારાજી રે

ભોળા ભુધરજી હૈયે રમતા

ઘરઘર ગોકુળીયા ધામાજી રે

 

રમેશ પટેલ(આકાશદીપ)

…………………

સંકલન-રજૂઆત…રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »