પતંગોત્સવ….રમેશ પટેલ(આકાશદીપ)
પતંગ એટલે નભે લહેરાતી ખુશી. એમાંય બાળકોનો પ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ. ગુજરાતનો આંતરરાષ્ટિય પતંગોત્સવ થકી…જાત જાતના પતંગોને લહેરાતા જોવાનું ટાણું. ખગોળિય ઘટના ને ઋતુ પલટાની વધામણી. સુરજદેવની ઉષ્મા થકી…ધરણીને લીલીછમ થઈ મલકાવાની એંધાણી. અમે તો મનભરી પતંગો ચગાવી લીધી છે..સુરતી માંજાની દોરી વડે પેચ લડાવી મેદાનો સર કરી લીધા પછી..જલેબી ઊંધીયાંની ઉજાણી , થર્મલ પાવર કોલોનીમાં ધાબે ખૂબ જ માણી છે.. આવો મજાના ગીતો થકી ઉત્સવની મજા લૂંટીએ…
In California…Enjoying kite-flying in garden.
ઝાઝા વેશ તારા ગમશે પતંગ…..રમેશ પટેલ(આકાશદીપ)
છે તારો આ ઉત્તરાણી વેશ
દાદાનો સાંભળજો સંદેશ
ના ઊંચે ઊડી તું ચગ જે રે તાનમાં
તારો દોર છે બીજાના હાથમાં
વિના પંખ તું ઊડીશ ગગન
જોઈ ઢંગ છૂપું હસશે પવન
ભેરૂબંધ સંગ ના ખેલજે ઘેનમાં
તારો દોર છે બીજાના હાથમાં
પ્યારો લાગશે આ મેળો રંગીન
છેતરતી મસ્તીથી કરશે નમન
કોઈ ખીંચશે રે વિલનના વેશમાં
તારો દોર છે બીજાના હાથમાં
ઝાઝા વેશ તારા ગમશે પતંગ
લોટાવી રૂસ્તમજી દેશે ઉમંગ
ઝૂલી જોશમાં ના ભૂલો કહું શાનમાં
તારો દોર છે બીજાના હાથમાં
હું તો આવું છું તમ દેશ
ખાજો ગોળ તલ વિશેષ
સમજી રમજો જઈ જીવન આકાશમાં
તારો દોર છે બીજાના હાથમાં
……………………………
આવો સૂરજદેવ ઢૂંકડા……રમેશ પટેલ(આકાશદીપ)
દઈએ મકરનાં વધામણાં
આવો સૂરજદેવ ઢૂંકડા
સ્વાગત કરીએ રે મીઠડા
ઝૂમે લોક, હિબૂ પોંગલ ને લોહડી
સંક્રાન્તિ તલ ને ગોળ સંગ ખીચડી
પ્રકાશ પવન ને ખેતડાં
લાગે હૂંફાળાં ને હેતડાં
આવો સૂરજ દેવ ઢૂંકડા…સ્વાગત કરીએ રે મીઠડા
કહીએ રે આવજો શિશિરના વાયરા
પાકશે રે પાક, વ્હાલા વસંતના ડાયરા
નાચું હું છોડી ને છાપરું
ગોખ ગગન કેવું રૂપલું
આવો સૂરજ દેવ ઢૂંકડા…સ્વાગત કરીએ રે મીઠડા
રંગીલા દોર ને પતંગો રંગીલી
રંગીલું મન ને ઉમંગોની ફિરકી
આવો અનંગ ગગન ગોખમાં
લોટે જ મન પતંગ પેચમાં
આવો સૂરજ દેવ ઢૂંકડા…સ્વાગત કરીએ રે મીઠડા
જાશું રે તીર નદી ને કરશું સંકલ્પો
દેશું રે દાન ત્યજી મનના વિકલ્પો
ગાશું જ મહાકુંભનાં ગીતડાં
દઈએ મકરનાં વધામણાં
આવો સૂરજ દેવ ઢૂંકડા…સ્વાગત કરીએ રે મીઠડા
……………………………….
હું ને પતંગ…..રમેશ પટેલ(આકાશદીપ)
પતંગ તને ઊડવું ગમે
ને મને ઊડાડવું ગમે
નખરાળો પવન આવી સતાવે તને
મનગમતા પેચે મોજ લપટાવીએ હવે
નીરખતું ગોગલ્સમાં કોઈ તને
દૂરથી જોઈ કોઈ લોટાવે મને
એક આંખવાળો પાવલો સતાવે ભલે
હાલને મજીયારો આનંદ લૂંટીએ જગે
ઓલો વિદેશી ઢાલ તને હંફાવી હસે
ને તારી જબરી શ્રીમતી લોટાવે મને
ખાઈ માલપૂડા ખખડાવ થાળી ખાલી ખાલી
માર હળવેથી અમદાવાદી ખેંચ છાનીછાની
દાદા દાદી જરા કાઢજો ને ગૂંચ
સૂરતી દોરીની મોટી છે લૂમ
લાગે ઉત્તરાયણ આજ વહાલી વહાલી
ભરીએ ઊંધીયા જલેબીથી મોટી થાળી
ચગી આકાશે અમે દેઈશું સંદેશ
દાદા સૂરજ હાલ્યા મકરને દેશ
ઘરઘરનો દુલારો ઉત્તરાયણ તહેવાર
પતંગની સાથ જામે હૈયે છાયો કલશોર
પ્રિય રમેશભાઈ બહુ સરસ કવિતાઓ બનાવી તમે મને બહુ ગમી અને મારા મનની પતંગ ચગી ,તમારી કવિતાઓ બનાવવાની આવડત વધે એવી સૂર્ય નારાયણ ને મારી પ્રાર્થના
પ્રસંગોચિત સુંદર રચનાઓ
Patango chagi , Rameshbhaina kavyo manine amney nabhakashma viharvani maja aavi.