Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ, 2015

 ધરતીમાતા રસકસથી ધાન્ય પકવે, વનરાજી મ્હોંરી ઊઠે…ને મંદમંદ વહેતા વાયરા કેસૂડાના કેસરિયા ફૂલોને ઝૂલાવે…ને ટહુકાથી વગડો ગુંજે..એટલે જાણો કે રંગભરી હોળી આવી.ફાગણ સુદ પૂનમ…. હોળીના પાવન આતશમાં વેરઝેરની આહુતી દઈ, પ્રેમના રંગમાં રંગાવાની ઘડી. કુદરતના ખોળે રમવાની મજા જ અનોખી…સંસારની ઉપાધિઓમાંથી હળવા થવાનો મોકો ..એટલે જ કાનજી, રામજીની પ્યારી હોળી…ડાકોરના ઠાકોરની સાથે હોળીના દર્શને બે લાખ લોકો ગુલાલે રંગાશે. સૌને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા સાથે..ઢોલ વગાડી ગાઈએ કે… રૂમઝૂમ કરતી આવી  રે  હોળી

Cast: Ranveer Singh, Deepika Padukone, (with Thanks to webjagat)

 

રૂમઝૂમ  કરતી આવી  રે હોળી…રમેશ પટેલ(આકાશદીપ)

 

વાસંતી  રાણીના  લટકા

વગડાની પાઘડીયે ટહુકા

વગાડે રે ઢોલ… આજ વનમાળી

સહિયર મોરી,

રૂમઝૂમ કરતી આવી  રે  હોળી

 

વગડો ઝૂમતો જુવાન

ગાઓ મીઠડાં રે ગાન

મઘમઘ વાયરે ઉમંગ વીંટાળી

સહિયર મોરી,

રૂમઝૂમ કરતી આવી  રે હોળી

 

કેસૂડાનાં  કામણ

ચીતરો રે દામન

રસકસથી તસતસતી ભરી છે ઝોળી

સહિયર મોરી,

રૂમઝૂમ કરતી આવી  રે હોળી

 

છે ફાગણિયા વ્હાલ

લો હાથમાં ગુલાલ

હૈયાના હરખની ખૂલી તિજોરી

સહિયર મોરી,

રૂમઝૂમ કરતી આવી  રે હોળી

 

હોળીના રંગીલા નાદ

આજ  છોડો ફરિયાદ

ભૂલી વેર… ભરો ગુલાલની થાળી

સહિયર મોરી,

રૂમઝૂમ કરતી આવી  રે હોળી

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

« Newer Posts