Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ 22nd, 2015

દેશનો સાચો આધાર ખેડૂત….રમેશ પટેલ(આકાશદીપ)

મનની વાત….વડાપ્રધાનશ્રી મોદીના રેડિયો પ્રવચનને સાંભળવા સૌ આતુર હોય છે, ને ટી.વી. મીડીયા પણ સુંદર કવરેઝ દે છે. પ્રજાના પ્રશ્નોનોનો, શાસકનો સીધો સંવાદ ને વિપક્ષના વિચારોની તુલના કરવાનો, સૌને મોકો મળે છે. ફાગણના માવઠાએ ખેતીપ્રધાન દેશની વ્યથા વધારી દીધી છે. વિપક્ષોને પણ ધન્યવાદ ઘટે છે કે સમયસર  શાસકોનું પ્રશ્ન તરફ ધ્યાન દોરવા તેઓ કટીબધ્ધ થયા. હજારો મણ અનાજ પકવતા ખેડૂતો , વરસાદ ને ઠંડીમાં જે પ્રમાણિકતાથી  કામ કરે છે, તેને કોઈ સન્માન તો નથી આપતા , પણ આપત્તીમાં તેના માટે નહીં , આપણા સૌના ભલા માટે મદદ કરવા તત્પર રહેવું જોઈએ જ, એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. પાક પાકે ત્યારે ભાવ ઓછા ને ,નુકશાન થાય તો દેવું…ખેતીની એક જ આજીવિકા પર જીવતો ખેડૂત હામહારી જાય..જીવથી જાય…એ કરૂણતા સમજવાનો વારો આવી ગયો છે. જેટલી જરૂર ઔદ્યોગિક વિકાસની છે, તેનાથી વિશેષ  ધ્યાન ખેતીક્ષેત્રે જરૂરી છે…ખેતીપર નિર્ભર અનેક કુટુમ્બો, કિસાન દ્વારા જ રોજી રળે છે…જેનું વિશ્લેષણ થાય તો ખબર પડે કે દેશનો સાચો આધાર આ ખેડૂત જ છે. દેશની ખેતીની આવક ને ઉદ્યોગોની આવકના તાળા મેળવી ,ચર્ચા ગજાવતા વિશેજ્ઞો ,મને સદાય અધકચરા લાગે છે. અમારા પોતાના ગામની વાત કહું તો, ખેડૂતો વર્ષની જરૂરીયાત પ્રમાણે ,બાજરી ,ચોખા કે ઘઉંને કોઠીઓમાં ભરતા…તેમાંથી ૪૫ મણ જેટલી વર્ષની, બાજરીના રોટલા તો ખેતીકામના રોજીએ આવતા લોકોને ,એક ટંક બપોરે રસાદાર શાક સાથે આપવામાં વપરાતા..ખેડૂત કુટુમ્બની તો  કેટલી સામાન્ય જરુરિયાત હોય છે, એ સૌ આપણે જાણીએ છીએ. જે જવાબદારી સરકારની ગણાય, એ ખેડૂત પરસેવો પાડીને ચૂકવે ને ખેતીની સબસીડીની વાતો કરતાં, નાણાકિય માંધાતા ભૂલિજાય કે દેશની આવક બરબાદ થઈ જાય છે કહી, સબસીડી ઘટાડાની રટ લગાવે..સાચે જ ખેડૂતને નિસ્સહાય કરવામાં, કોઈ જમાનો પાછો પડ્યો નથી. રાજકીય શાસકોએ હવે મતની રાજનીતિથી નહીં પણ સાચો મર્મ જાણી ઉપાય કરવા પડશે. અત્યાર સુંધી, મોટા મોટા પ્રોજેક્ટો માટે, રેલ્વે ને રોડ માટે ,સરકારી હુકમ સામે લાચાર બની, હજારો ખેડૂતોને નિસહાય રીતે જીવતા મૂઆ મૂકી દીધા છે..એક ખૂણે દૂબળો થઈ, તમારી જાહોજહાલી જોઈ,  વેદના અનુભવતા ખેડૂતની, એ નિસાશાની હાય, ધરતી ધ્રુજાવશે એમ જ લાગે.  અત્યારે ચોરસ ફુટે વેચાતી લાખો એકર જમીન, જે સીમાંત ખેડૂતોએ ગુમાવી છે ને દેશમાટે પરોક્ષ ઉપકાર કર્યો છે…એનું મૂલ્ય હવે જલદી સમજાય તો , આપણે હવે પછીના પાપની ભાગીદારીમાંથી બચીશું. આવી વિકટ પરિસ્થિતિમાં જીવતા લોકોને, એક ગ્રામ્ય જીવ તરીકે મેં જોયા છે..પ્રોજેક્ટમાં કામ કરેલ હોવાથી, જમીન સંપાદન પછી, કલેક્ટર કે સંસ્થાઓ પાસે આજીજી કરતા લોકોનો, દયામણો ચહેરો વર્ષોથી આજ વાત કહેતો જોયો છે. પુનર્વાસમાં થતા ઠાગાઠૈયા એટલે સરકારી રાહે કામ…આ સઘળી વ્યવસ્થાઓ સુધારીએ તો સ્વરાજ્યનું સુખ દરેક નાગરિક અનુભવશે…એમ ભેગા થઈ વિચારવું પડશે.

       હવે ચૈત્રમાસનો શુભારંભ થયો. ગુડી પડવો એટલે શાસ્ત્ર અનુસાર બ્રહ્માજીએ, આ દિવસથી સૃષ્ટિની રચના આરંભી. ભગવાન વિષ્ણુએ મત્સ્ય રૂપે જળથકી અવતરીત થયા. આજ દિવસે ભગવાન શ્રી રામે વાલી વધ કરી, ત્રાસદાયક શાસકનો ધ્વંસ કર્યાની પ્રાસંગિક પ્રસંગો છે. શાલિવાહન રાજાએ શકલોકોને હરાવી , લોકોને પરાક્રમી બનવા પ્રેર્યાને તેથી શક સંવતની શરૂઆત આપણા દેશમાં  થઈ…આવો નવી આશાને ઉમંગ સાથે નવ વર્ષના શુભારંભને વધાવીએ..દેશને આબાદીના પંથે દોરીએ.

   ૨૦મી માર્ચ એટલે પૃથ્વીના ઉત્તરાર્ધ પર દિવસને રાત્રીનો સરખો સમય.બે ત્રણ મિનિટનો જ ફરક.. મુંબાઈગરા માટે. હવે દિવસ લાંબો ને ગરમી વધુ થતી જશે.રૂતુજન્ય ગરમીના રોગો માટેનું ઔષધ પણ કુદરત ધરે એટલે કે ઘર આંગણાનો લિલોછમ લીમડો.

      ચિત્રા નક્ષત્ર ઉપરથી જેનું નામ ચૈત્ર  પડ્યું છે…એ   ચિત્રા નક્ષત્ર  સંધ્યાકાળે ઊગે છે અને પરોઢિયામાં અસ્ત થાય છે….    આ સંસારના ત્રિવિધ તાપોને ટાળવા….ચૈત્રી  નવરાત્રીમાં માતાજીની ઉપાસના, અલૂણું ખાવું ને અંતઃકરણને જગકલ્યાણનું નિમિત્ત બનાવવું….અંતર ડંખે એવું કામ ના કરવું…એવી શુભ ભાવના સાથે..ચૈતરને માણીએ…

લેખ-સંકનલ…રમેશ પટેલ(આકાશદીપ)    

gudi-padawa(Thanks to webjagat for this picture)

…………………………………

ઓ ચૈત્ર સુધની…….રમેશ પટેલ(આકાશદીપ)
છંદ-સુવદના

પ્યારું પંખી ટહુક્યું, અનુપમ સુખદા, છે વર્ષ નવલું
વાસંતી વાયરાઓ, લહર  ખુશનુમા, ભંડાર  ભરતા
વર્તે માંગલ્ય હૈયે, શુભદિન જ ગુડી, ચૈત્રી જ પડવો
લાગીને માત પાયે, નવનવ રજની, પ્રાથુ અભયદા

ઝૂમે  છે મીઠડી  આ, ઋતુ  સુમનધરી, પ્રસન્ન મન આ
ઝૂલે વૃક્ષો  ફળોથી, ખગશિશુ  ચહકે, વ્હાલે  મખમલી
પ્રગટ્યા  રામજીને, અવધ જ  પુનિતા, દૈવી યુગકૃપા
સીંચ્યા સંસ્કાર જીવે, સુદતિથિ નવમી, ને ધન્ય ધરણી

ચિરાયુ  શું  વખાણું, શતશત મુખથી, એવા બલયસી
ભેટ્યા  શ્રીરામજીને, યુગયુગ  હરખે, ઓ   કષ્ટહરણી
ખીલે  લાલી  ધરીને, કનકસમ નભે, આ સૂર્ય તપતો
છે ભાગ્યે પુણ્યવંતો, સ્તવન જ ગરબે, ઓ ચૈત્ર સુધની
રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »