આહાર અને લોકકવિઓની કોઠાસૂઝ…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)
માર્ચ 16, 2015 nabhakashdeep દ્વારા
આહાર અને લોકકવિઓની કોઠાસૂઝ…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)
આજકાલ આબોહવાના ઋતુઓના સ્વભાવથી વિપરિત ખેલ જોવા મળે છે. ભારતીય ઉપખંડમાં માર્ચ માસ એટલે ખુશનુમા આબોહવા..જેને બદલે આજે, હિમાલય ને ગુજરાત સહિત ઘણા ભાગોમાં થતા, કમોસમી માવઠાએ તૈયાર થયેલા પાકોને બરબાદ કરવાનું શરું કરી દીધું છે. અનાજ ને શાકભાજીની અછત એટલે મોંઘવારીના પડઘમ ને ખેડૂતોની બેહાલી. કેદારનાથના તિર્થધામે પણ થોડા જ કલાકોમાં હિમ ચાદર છવાઈ ગઈ, એ ટી.વી. પર જોવા મળ્યું. કાશ્મિરના રસ્તાઓ ભૂ સ્ખલનથી અવરોધાઈ ગયા. લોક જીવન સાથે વણાયેલી આ ઘટનાઓ કુદરતના ખોળે ફરજીયાત ઝૂલવાની ગાથાઓ છે. આપણું લોકસાહિત્ય, આહારની મહત્તાને વણી શિક્ષણ મળે એ રીતે જીભે રમાડાતું, એ ખૂબ જ ગૌરવશાળી દેન હતી..આ ખજાનાને શ્રી જોરાવરસિંહ જાદવે, ખૂબ જ જહેમતથી અભ્યાસપૂર્ણ સંકલન કરી ઉમદા સેવા કરી છે…આવો ધનધાન્યથી લહેરાતી આ ઋતુઓની પ્રસાદીને હૈયે ગુંથીએ..
કંઠસ્થ લોકસાહિત્ય એટલે જીવનનો નીચોડ…દૂધ ,અનાજ અને કઠોળ એટલે આપણી રોજીંદા જરૂરીયાત. આજે તૈયાર મળતા અનાજના લોટ જોઈ મોટી થતી પેઢીને..ઘઉં, બાજરી ને જુવાર ના દાણા બતાવી
ભવિષ્યમાં ઓળખાવવા પડશે..કારણ ઘરમાં એ દાણા ન જોવા મળવાની વાત,તો પરદેશમાં સો ટકા સાચી છે.
લોકકવિઓએ અનાજના મુખેથી રચનાઓને વહેતી કરી, સૂક્ષ્મ સૂઝ સાથે કેવું સરસ શિક્ષણ દીધું છે..એ માણીએ.
ઘઉં….એટલે અનાજનો રાજા.રાબ, રાબડી, શીરો કે લાડવા, ભાખરી કે રોટલી, સુખડી, પરોંઠાં, કે મેંદાની સુંવાળી, ઘારી ઢેબરાં…આપણી મુખ્ય મીઝબાની…ઘઉંની જાત- ભાલિયા, બંસી, કાઠા, પૂનમિયા, પંજાબી, દાઉદખાની, વાજિયા, અમેરિકન ઘઉં, રાતા ઘઉં, ટૂકડી વગેરે વગેરે.
ઘઉં ..સ્નિગ્ધ, મધુર ,બળવર્ધક, ધાતુવર્ધક, સારક વાયુ કરનાર ને કફનાશક મનાય છે….આ ભાવતા ભોજનને ભગવાનની પ્રસાદી ઘણી કવિ હૃદય બોલી ઉઠે છે….
રામનામ લાડવા, ગોપાળ નામ ઘી
કૃષ્ણ નામ ખીરખાંડ, ઘોળી ઘોળી પી
………………..
ઘઉં કહે મારો મોટો દાણો, મારા માથે લીટો
જો ખાવામાં સ્વાદ કરો તો, ઘી ગોળમાં ઘૂંટો
ઘઉં કહે હું લાંબો દાણો, વચમાં પડી લીટી
મારી મજા લેવી હોય તો, લાવો ગોળને ઘી
ટૂંકમાં…
ઘઉંની પોળી નીપજે, ઘઉંના ઘેબર થાય,
જેવા ઘઉં કેળવે, તેવા ભોજન થાય
…………………………………………………
બાજરીબેન કહો કે બાજરો….શું વદે?
બલિહારી તુ જ બાજરા, જેનાં લાંબાં પાન
ઘોડાને પાંખું આવિયું, બુઢા થયા જુવાન.
….આ એવું અનાજ માનવ જાત ને પશુ બેય ખાય. શક્તિ વર્ધક..ગરીબ વર્ગ સીધી સાદી રીતે રોટલા બનાવી આખા કૂટુમ્બને પોષી શકે…એવી આ ભેટ છે.
…………………………………
કઠોળમાં મગ- એક ઔષધ
મંગલ પ્રસંગે લાપસી…ને મગનું શાક કે મંદવાડમાં સુપાચ્ય ખીચડી …જે પચવામાં હલકા ને નિર્દોષને બલવર્ધક, શીતળ સ્વાદું, સહેજ વાતકારક ને નેત્રોમાટે હિતકાર.
મગ કહે હું લીલો દાણો, મારા માથે ચાંદુ
મારો ખપ ત્યારે પડે, માણસ હોય માંદું
મગની કહેવત…મગને નામે મરી વેચાય
મોંમાં મગ ઓર્યા છે..વાણિયા ભાઈ મગનું નામ મરી ના પાડે.
………………………………..
ચોખા…પ્રાંતવાર જુદી જુદી જાતો..બાસમતી, સુરતી, કોલમ, લાલ ચોખા, સાઠી ચાવલ, કાળી કમોદ..
ચોખાને આયુર્વેદ ઠંડા ને ગરમીને મટાડનાર ગણે છે.બળ આપનાર, હલકા, રુચિકર, સ્વર સુધારનાર, કફ ઓછો કરનાર તરીકે ચોખા આપણો રોજીંદો આહાર છે.
ચોખા કહે , હું ધોળો, મારા માથે અણી
મારી મજા લેવી હોય,તો દાળ નાખજો ઘણી
………………………..
તુવેર…ઘરઘરનાં રાણી..દાળઢોકળી,પૂરણપોરી, કે શાક…દાળ-ભાત બસ ખાધે જ રાખો.
શરીરની ક્રાન્તિ વધારતી ને પિત્ત, રક્ત દોષ , વાયુ કે હરસ સૌનો એ ઈલાજ કરે.ત્રિદોષનું શમન કરે..શિવરાતે ભાંગ ચડી જાય તો તે ઉતારવા..તુવેરદાળ વાટીને તેનું પાણી પીવડાવાય છે.
તુવેર કહે-
તુવેર કહે , હું તાજો દાણો, રસોઈની હું રાણી
મારો સ્વાદ લેવો હોય તો, પ્રમાણમાં નાખો પાણી
તો ચણા ભાઈ કહે…
ચણો કહે, હું ખરબચડો, ને પીળો રંગ જણાય
રોજ પલાળી દાળ ખાય, તે ઘોડા જેવા થાય
શીતલ,, વાયુ કરનાર, પિત્તહાર, કફહર ને હલકા દસ્ત રોકનાર….ચણાનો લોટ..બુંદી, મગસ,મોહનથાળ, ખાંડવી…ભજિયાં ને પાતરાં,કે ગુજરાતીના ગાંઠિયા..સેવ…બસ મજા કરો.
………..
તો શાકભાજી ખાવાની સલાહ લોકકવિઓ કેમ ન કરે?
શ્રાવણની તો કાકડી, ભાદરવાની છાશ
તાવ સંદેશા મોકલે, આજ આવું કે કાલ
…..
ઓકી દાતણ જે કરે, નરણા હરડે ખાય
દૂધે વાળું જે કરે, તે વૈદ્ય ઘેર ન જાય
રજૂઆત-રમેશ પટેલ(આકાશદીપ). ..આધાર…શ્રી જોરાવરસિંહ જાધવનો લેખ.
Like this:
Like Loading...
Related
Posted in Uncategorized | 6 ટિપ્પણીઓ
સૂ શ્રી જોરાવરસિંહ જાદવના સાહીત્ય સંગ્રહ અદભૂત છે જૂનાકાળે આજના જેવી શાળા, કૉલેજો અને યુનિવર્સિટીઓ નહોતી ત્યારે કંઠસ્થ લોકસાહિત્ય દ્વારા લોકજીવનમાં શિક્ષણનું કામ સુપેરે થતું. આરોગ્ય જાળવવા અંગેની વાત હોય તો કહેવતો દ્વારા આ રીતે લોકજીભે રજૂ થતી થોડી મને ગમતી કહેવતો
ધાતુ વધારણ બળકરણ, જો પિયા પૂછો મોય,
દૂધ સમાન ત્રિલોકને અવર ન ઔષધ કોય.
કાળી છું પણ કામણગારી, લેશો ના મુજ વાદ,
વાદ કર્યામાં વળશે શું, પણ જોઈ લ્યો મુજ સ્વાદ.
બાજરો એક એવું અનાજ છે જેને માણસો ને ઘોડા બેય ખાય છે. બેયનો આહાર છે. કહેવાય છે કે કચ્છનો રાજવી લાખો ફુલાણી જંગલમાં શિકાર કરવા નીકળ્યો. એનો રસાલો દૂર દૂર અંધારિયા આફ્રિકા ખંડમાં નીકળી ગયો. બધા ભૂલા પડ્યા. ખાવાનું કંઈ ન મળે. એવામાં ખેતરમાં અનાજના ડૂંડા જોયાં. ભૂખ્યા રાજવી, સાથીદારો અને ઘોડાએ એ ડૂંડા ખાવા માંડ્યા. થોડા દીમાં તો ઘોડામાં તાકાત આવી અને ઉંમરલાયક બુઢ્ઢાઓને નવી જુવાની ફૂટી
કિંવદિંત કહે છે કે, લાખો ફુલાણી અંધારિયા ખંડમાંથી કચ્છમાં બાજરો પહેલવહેલો લાવ્યો હતો. બાજરો શક્તિપ્રદ આહાર હોવાથી રાજારજવાડામાં ને ગામધણી દરબારો ને ઘરધણી માણસ ઉત્તમ ઓલાદના અશ્વો રાખતા અને ચાંદીમાં ભરડેલો બાજરો ખવરાવતા. મોટી ઉંમરે માણસને માથે વૃદ્ધાવસ્થા આવીને બેસી જતી ને પાચનતંત્ર નબળું પડતું ત્યારે બાજરાનો રોટલો એના બળ ને શક્તિને ટકાવી રાખતો. એને નવી શક્તિ બક્ષતો એટલે કહ્યું છે કે, ‘બુઢ્ઢા થયા જુવાન.’ બાજરીની બીજી પણ કહેવતો છે (1) રોટલો બાજરીનો ને કજિયો વાઘરીનો (દેવીપૂજકનો). (2) બાજરી કહે હું બળ વધારું, ઘઉં કહે હું ચોપડ માગું. હવે લીલુડા મગની કેફિયત આવે છે, મગ શું કહે છે ?
જૈનોમાં મગનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. મગની પણ બે જાત. એક લીલા મગ ને બીજા કાળા મગ. મગ પચવામાં હલકા, શીતલ, સ્વાદુ સહેજ વાતકારક અને નેત્રો માટે હિતકારક છે એમ આયુર્વેદ કહે છે. મગ સાથે કેટકેટલી કહેવતો જોડાયેલી છે. (1) મગના ભાવે મરી વેચાય. (2) મોંમાં કંઈ મગ ઓર્યા છે ? (3) મગમાંથી પગ ફૂટ્યા. (4) દેરાણી જેઠાણીના મગ ભેગા ચડે પણ શોક્યોના મગ ભેગા ન ચડે. (5) હજુ ક્યાં ચોખા-મગ ભેગા મળી ગયા છે ? (6) વાણિયાભૈ મગનું નામ મરી નો પાડે. (7) એક મગની બે ફાડ્ય. (8) જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવવા.
ગરીબડી ગણાતી જુવાર આવીને કહે છે :
જુવાર કહે હું રાતીધોળી, કોઠીની છું રાણી,
ગરીબોનું હું ખાણું છું ને મારી થાયે ધાણી.
જુવાર કહે હું ગોળ દાણો, ને મારા માથે ટોપી,
મારો ફાલ ખરો લેવાને, કાળી ભોંયમાં રોપી.
જુવાર કહે છે કે હું સુખિયા નહીં, પણ દુઃખિયા, ગરીબ લોકોનું ખાણું ગણાઉં છું. જુવાર પૌષ્ટિક ગણાય છે. સુરતી જુવારનો પોંક છેક મુંબઈ સુધી જાયે છે. જુવાર ખાવામાં મીઠી, પચવામાં હલકી છે. જુવારના રોટલા, ઢોકળાં બને છે. ગામડામાં ગરીબગુરબા જુવાનો બોળો કે ઘેંસ બનાવીને પેટ ભરી લ્યે છે. હુતાસણીના પર્વ પ્રસંગે જુવારની ધાણી ખાવાનો રિવાજ છે. બદલાતી ઋતુમાં આ જ ધાણી કફ દૂર કરનારી છે એમ વૈદ્યો કહે છે. આજે કબૂતરોને નાખવામાં આવતી જુવાર તો બાપા જગનું ઢાંકણ છે. માનવી પ્રભુને પ્રાર્થના કરતો કહે છે કે, ‘હે પ્રભુ, આછુંપાતળું જુવાર બાજરાનું ઢેબરું મળે તોય ઘણું.’
સાઠી ચાવલ ભેંસ દૂધ, ઘેર શીલવતી નાર,
ચોથો ચડવા રેવતો (અશ્વ) ઈ સરગ નીસરણી ચાર.
કઠોળમાં સૌથી વધુ વપરાશ ચણાનો રહે છે.
ચણાવાળાની દીકરી ને મમરાવાળાની વહુ,
લાડે લાડે ચાલે, તેને ટપલાં મારે સહુ.
અડદ કાળા કઠોળમાં આવે. એના માટે કહેવાય છે કે, જો ખાય અડદ તો થાય મરદ. એનીય કહેવતો લોકકંઠે રમતી જોવા મળે છે :
અડદ કહે હું કાળો દાણો, પૌષ્ટિકતામાં પહેલો,
માણસને હું મરદ બનાવું, જો મસાલો ભેળો.
અડદ કહે હું કાળો દાણો, માથે ધોળો છાંટો,
શિયાળામાં સેવન કરો, તો શરીરમાં આવે કાંટો.
અડદ કહે હું કઠોર દાણો, ચીકાશ મુજબમાં ઝાઝો,
ખટ (છ) મહિના જો મુજને ખાઓ, બળિયા સાથે બાઝો.
સૌરાષ્ટ્રમાં અડદની દાળ બાજરાના રોટલા સાથે ખવાય છે. પટેલો અને રાજપૂતો એનો ઉપયોગ નિયમિત રીતે કરતાં જોવા મળ્યા છે. અડદમાં પ્રોટિન વધારે હોવાથી તે બળવર્ધક બની રહે છે. અડદની દાળમાંથી બનતો અડદિયા પાક શિયાળામાં ખાવાથી બારમાસીની શક્તિ મળે છે એમ કહેવાય છે. અડદની દાળમાંથી વડાં બને છે. લકવાના દર્દીને અડદના વડાં ખવરાવવામાં આવે છે. અડદ વાતહર, બળ આપનાર, વીર્ય વધારનાર, પૌષ્ટિક, ધાવણ વધારનાર, રુચિ ઉત્પન્ન કરનાર, મળમૂત્રનો ખુલાસો લાવનાર, મેદ વધારનાર, પિત્ત અને કફ વધારનાર ગણાય છે.
મઠ કહે હું ઝીણો દાણો, મારા માથે નાકું,
મારી પરખ ક્યારે પડે કે ઘોડું આવે થાક્યું.
મઠ સાથે ઘણી કહેવતો જોડાઈ છે : ઉ…ત,
મઠને ખેતર માળો નંઈ,
ઉંદરને ઉચાળો નંઈ,
ઘેલીને ગવાળો નંઈ
ને કુંભારને સાળો નંઈ
મઠનું સંસ્કૃત નામ મુકુષ્ઠક છે. તે વાયુ કરનાર, જઠરાગ્નિને મંદ કરનાર, કૃમિ અને તાવ મટાડનાર મનાય છે. ચોળા એ વાયડું કઠોળ ગણાય છે. એને માટે કહેવાય છે :
મઠ કરે હઠ, ચોળો ચાંપ્યો ના રહે,
વા કરે ઢગ, સહેજ ઢાંક્યો ના રહે.
મગની જેમ ચોળા શુકનવંતુ કઠોળ ગણાય છે. જૈનો દિવાળી અને બેસતા વર્ષે શુકનમાં ચોળા ખાય છે. એથી તો કહેવત પડી કે :
લોક કરે ઢોકળાં, વૈદ્ય વઘારી ખાય,
દિવાળીને પરોઢિયે, પાટણનું મહાજન મનાવવા જાય.
બહુ જ સરસ લેખ. આવીકવિતાઓ પહેલી જ વખત વાંચવા મળી.
——-
તઈણ ગગ્ગાની ગોળી ક્યારે જમાડો છો? !!
ખૂબ જાણવા મળ્યું આભાર આપ સૌનો
સરસ માહિતીસભર લેખ અને એટલી જ માહીતીપ્રદ પ્રથમ કોમેન્ટ.
આભાર.
ખૂબજ રસપ્રદ અને માહિતીસભર લેખ … ધન્યવાદ.
very nice to read artical regd food…. લખતા રહો…..સહુને મોકલતા રહો… ખૂબ ખૂબ આભાર તમારો….બધાને જૈ શ્રી કૃષ્ણ…