Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ 16th, 2015

આહાર અને લોકકવિઓની કોઠાસૂઝ…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

      આજકાલ આબોહવાના ઋતુઓના સ્વભાવથી વિપરિત ખેલ જોવા મળે છે. ભારતીય ઉપખંડમાં માર્ચ માસ એટલે ખુશનુમા આબોહવા..જેને બદલે આજે, હિમાલય ને ગુજરાત સહિત ઘણા ભાગોમાં થતા, કમોસમી માવઠાએ તૈયાર થયેલા પાકોને બરબાદ કરવાનું શરું કરી દીધું છે. અનાજ ને શાકભાજીની અછત એટલે મોંઘવારીના પડઘમ ને ખેડૂતોની બેહાલી. કેદારનાથના તિર્થધામે પણ થોડા જ કલાકોમાં હિમ ચાદર છવાઈ ગઈ, એ ટી.વી. પર જોવા મળ્યું. કાશ્મિરના રસ્તાઓ ભૂ સ્ખલનથી અવરોધાઈ ગયા. લોક જીવન સાથે વણાયેલી આ ઘટનાઓ કુદરતના ખોળે ફરજીયાત ઝૂલવાની ગાથાઓ છે. આપણું લોકસાહિત્ય, આહારની મહત્તાને વણી શિક્ષણ મળે એ રીતે જીભે રમાડાતું, એ ખૂબ જ ગૌરવશાળી દેન હતી..આ ખજાનાને શ્રી જોરાવરસિંહ જાદવે, ખૂબ જ જહેમતથી અભ્યાસપૂર્ણ સંકલન કરી ઉમદા સેવા કરી છે…આવો ધનધાન્યથી લહેરાતી આ ઋતુઓની પ્રસાદીને હૈયે ગુંથીએ..

કંઠસ્થ લોકસાહિત્ય એટલે જીવનનો નીચોડ…દૂધ ,અનાજ અને કઠોળ એટલે આપણી રોજીંદા જરૂરીયાત. આજે તૈયાર મળતા અનાજના લોટ જોઈ મોટી થતી પેઢીને..ઘઉં, બાજરી ને જુવાર ના દાણા બતાવી

ભવિષ્યમાં ઓળખાવવા પડશે..કારણ ઘરમાં એ દાણા ન જોવા મળવાની વાત,તો પરદેશમાં સો ટકા સાચી  છે.

લોકકવિઓએ અનાજના મુખેથી  રચનાઓને વહેતી કરી, સૂક્ષ્મ સૂઝ સાથે કેવું સરસ શિક્ષણ દીધું છે..એ માણીએ.

ઘઉં….એટલે અનાજનો રાજા.રાબ, રાબડી, શીરો કે લાડવા, ભાખરી કે રોટલી, સુખડી, પરોંઠાં, કે મેંદાની સુંવાળી, ઘારી ઢેબરાં…આપણી મુખ્ય મીઝબાની…ઘઉંની જાત- ભાલિયા, બંસી, કાઠા, પૂનમિયા, પંજાબી, દાઉદખાની, વાજિયા, અમેરિકન ઘઉં, રાતા ઘઉં, ટૂકડી વગેરે વગેરે.

ઘઉં ..સ્નિગ્ધ, મધુર ,બળવર્ધક, ધાતુવર્ધક, સારક વાયુ કરનાર ને કફનાશક મનાય છે….આ ભાવતા ભોજનને ભગવાનની પ્રસાદી ઘણી કવિ હૃદય બોલી ઉઠે છે….

રામનામ  લાડવા, ગોપાળ  નામ ઘી

કૃષ્ણ નામ ખીરખાંડ, ઘોળી ઘોળી પી

………………..

ઘઉં કહે મારો  મોટો  દાણો, મારા માથે લીટો

જો ખાવામાં સ્વાદ કરો  તો, ઘી ગોળમાં ઘૂંટો  

ઘઉં કહે હું લાંબો દાણો, વચમાં પડી લીટી

મારી મજા લેવી હોય તો, લાવો ગોળને ઘી

ટૂંકમાં…

ઘઉંની પોળી નીપજે, ઘઉંના ઘેબર થાય,

જેવા  ઘઉં  કેળવે, તેવા  ભોજન   થાય 

…………………………………………………

બાજરીબેન કહો કે બાજરો….શું વદે?

બલિહારી તુ જ બાજરા, જેનાં લાંબાં પાન

ઘોડાને  પાંખું આવિયું, બુઢા થયા જુવાન.

….આ એવું અનાજ માનવ જાત ને પશુ બેય ખાય. શક્તિ વર્ધક..ગરીબ વર્ગ સીધી સાદી રીતે રોટલા બનાવી આખા કૂટુમ્બને પોષી શકે…એવી આ ભેટ છે.

…………………………………

કઠોળમાં મગ- એક ઔષધ

મંગલ પ્રસંગે લાપસી…ને મગનું શાક કે મંદવાડમાં સુપાચ્ય ખીચડી …જે પચવામાં હલકા ને નિર્દોષને બલવર્ધક, શીતળ સ્વાદું, સહેજ વાતકારક  ને નેત્રોમાટે હિતકાર.

મગ કહે હું લીલો દાણો, મારા માથે ચાંદુ

મારો ખપ ત્યારે પડે, માણસ હોય  માંદું

મગની કહેવત…મગને નામે મરી વેચાય

મોંમાં મગ ઓર્યા છે..વાણિયા ભાઈ મગનું નામ મરી ના પાડે.

………………………………..

ચોખા…પ્રાંતવાર જુદી જુદી જાતો..બાસમતી, સુરતી, કોલમ, લાલ ચોખા, સાઠી ચાવલ, કાળી કમોદ..

ચોખાને આયુર્વેદ ઠંડા    ને ગરમીને મટાડનાર ગણે છે.બળ આપનાર, હલકા, રુચિકર, સ્વર સુધારનાર, કફ ઓછો કરનાર તરીકે ચોખા આપણો રોજીંદો આહાર છે.

ચોખા   કહે ,  હું  ધોળો, મારા  માથે  અણી

મારી મજા લેવી હોય,તો દાળ નાખજો ઘણી

………………………..

તુવેર…ઘરઘરનાં રાણી..દાળઢોકળી,પૂરણપોરી,  કે શાક…દાળ-ભાત બસ ખાધે જ રાખો.

શરીરની ક્રાન્તિ વધારતી ને પિત્ત, રક્ત દોષ , વાયુ કે હરસ સૌનો એ ઈલાજ કરે.ત્રિદોષનું શમન કરે..શિવરાતે ભાંગ ચડી જાય તો તે ઉતારવા..તુવેરદાળ વાટીને તેનું પાણી પીવડાવાય છે.

તુવેર કહે-

તુવેર  કહે , હું  તાજો  દાણો, રસોઈની  હું  રાણી

મારો સ્વાદ લેવો હોય તો, પ્રમાણમાં નાખો પાણી

તો ચણા ભાઈ કહે…

ચણો કહે, હું ખરબચડો, ને પીળો રંગ જણાય

રોજ પલાળી  દાળ ખાય, તે ઘોડા જેવા થાય 

શીતલ,, વાયુ કરનાર, પિત્તહાર, કફહર ને હલકા દસ્ત રોકનાર….ચણાનો લોટ..બુંદી, મગસ,મોહનથાળ, ખાંડવી…ભજિયાં ને પાતરાં,કે ગુજરાતીના ગાંઠિયા..સેવ…બસ મજા કરો.

………..

તો શાકભાજી ખાવાની સલાહ લોકકવિઓ કેમ ન કરે?

શ્રાવણની તો કાકડી, ભાદરવાની છાશ

તાવ સંદેશા મોકલે, આજ આવું કે કાલ

…..

ઓકી દાતણ જે કરે, નરણા હરડે ખાય

દૂધે વાળું જે કરે, તે વૈદ્ય ઘેર ન  જાય

રજૂઆત-રમેશ પટેલ(આકાશદીપ). ..આધાર…શ્રી જોરાવરસિંહ જાધવનો લેખ.

Read Full Post »