Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી 28th, 2015

ફાગણ એટલે પ્રકૃતિ ખોળે રમતી આદિવાસીઓનો મનગમતો મહિનો. દૂર દૂર કામકાજ માટે વસેલા આ લોકો, વતનની મજા માણવા વાટ પકડે. હોળી ને ધૂળેટી તેમનો મનગમતો તહેવાર. આ ભોળી

પ્રજાનો વૈભવ એટલે તેમનું નૃત્ય. આપણા ગુજરાતની ૧૪.૯૨ ટકા વસતિ આદિવાસી છે…એક બાજુ વિશ્વને ચૌટે ઘૂમતો ગુજરાતી ને બીજા આ પ્રકૃતિ ખોળે, કોઈ દેખાડા વગર રમતો નિજાનંદી ગુજરાતી.ઉત્તરમાં અરવલ્લિ પહાડની હારમાળા, પૂર્વમાં સાપુતારા અને વિંધ્ય પહાડોની વચમાં, ને દક્ષિણે સહ્યાદ્રિ શ્રેણીમાં..નિવાસ કરતી વનવાસી પ્રજાની અનેક ૨૯ જેટલી જાતીઓ છે. દૂબળા, ઘોડિયા,ચૌધરી, ધાનકા,કુંકણા,વારલી,ગામીત,નાયક,કોલાઆ, કોટવાળિયા, કાથોડા, બામચા, પોમલા, પારધી, સીદી, ને પઢિયાર ને સૌથી જાણીતી વસતી જાતિ એટલે આપણા ભીલ . પંચમહાલ ખેડાની સરહદે,એટલે ખેતીના કામમાં ઉપયોગી આ પ્રજાને ઓળખવાનો જાણવાનો મોકો પણ મળેલ. આ બધાની યાદ એટલે આવી કે હોળી નૃત્ય એ તેમનો વારસાગત વારસો ને એ યાદ આવ્યા વગર રહે જ નહીં.તેમના કોઠાસૂઝ મૌલિક ચાળા એટલે આપણી..મુદ્રા, સ્ટેપ, એક્શન ને કોરિયોગ્રાફી.પ્રકૃતિ સાથે તાલમિલાવતા આદિવાસી નૃત્યો કે લગ્ન પ્રસંગના નૃત્યોમાં હોળી નૃત્યો વસંત પંચમીથી, હોળી સુંધી,જે સંયુક્ત રીતે તેઓ માણે છે, એ ખરેખર મનની સાચી ખુશીઓનો તહેવાર ,તેમના માટે બની જાય છે.ફેંટા -પાઘડી, છોગાં, ઘૂઘરમાળ, મોરપીંછ ને સ્ત્રીઓ, હાંસડી, બંગડી કડલાં ને કંદોરા સાથે ઘેરૈયા બની, જે જોમવંતાં નૃત્યો કરતા આ આદિવાસીઓ , ગતિ, તાલ ને લય સાથે મોજમાણે..એ આપણા મનોરંજન કરતાં સવાયા જ લાગે.તેમના નૄત્યો આમ તો બારેમાસ ચાલે…લગ્નમાં છેલૈયા નૃત્ય..રમલી નૃત્ય એટલે માદળ..મંજિરા સાથેનાં કથા ગીતો, ધાર્મિક નૃત્ય- ડેરા,વાઘબારસ્સના દિવસે..બોર્ડમાં વાઘ ઘૂઘવતાનો ધ્વનિ પૂરે, સમૂહગીતમાં ડાંગ સાથે ડેરાની મજા તો કઈં ઓર જ. માગસરમાં ભાયા નૃત્યો અષાઢમાં, ઘૂઘરાબાંધી ઠાકરિયા નૃત્યો,..એટલે પ્રકૃતિ દેવોની રીઝામણી..ગ્રામમાતા..અન્નપૂર્ણા…નાગ દેવતા..વાઘદેવી..ચંદ્રદેવ..સૂર્યદેવ…નૃત્યો એટલે આદિવાસીઓનો આનંદ….ઊડાડો ગુલાલ ને હાલો મેળે….

સંકલન..રજૂઆત-રમેશ પટેલ(આકાશદીઅ)..આધાર-શ્રી જોરાવરસિંહ જાદવની લેખમાળા.

(Thanks to webjagat for this picture)

મેળે ઝટ જઈએ…રમેશ પટેલ(આકાશદીઅ)..

ઊડે  રેશમીયો  રૂમાલ

છાયો  આકાશે ગુલાલ

કે મેળે ઝટ જઈએ(૨)

 

વાગે  વગડાના  રે ઢોલ

છેડે  પાવા  મીઠા  બોલ

હરખ્યાં હૈયાનાં  રે   હેત

ગાડે ઘૂઘરીઓનાં ગીતકે મેળે ઝટ જઈએ(૨)

 

રૂડાં  ગીતલડાં   ગવાય

મખડું મલક મલક થાય

લીલી લીમડીયું લહેરાય

ફરફર પાંદડીયું ફરકાય….કે મેળે ઝટ જઈએ(૨)

માથે  પાઘડિયું  સોહાય

પગે મોજડિયું ચીચરાય

કસકસ જોબનિયું છલકાય

છપનું  હૈયું  રે હરખાય……કે મેળે ઝટ જઈએ(૨)

 

ગાજે કિલકારીના નાદ

ભેર  ઉછાળે  રે  ડાંગ

તાલે ગરબીયું  ગવાય

છત્તરીયું ઘમ્મર ઘમ્મર થાય…..કે મેળે ઝટ જઈએ(૨)

 

મનડું  ચડ્યું રે ચગડોળ

આંબે બોલે કોયલ  મોર

ઝાંઝર ઝમકે  કરી જોર

સાંભળે વાલમ એનો શોર…..કે મેળે ઝટ જઈએ(૨)

 

રૂડા જામ્યા છે રે રાસ

ભાળે ભોળો રે ભરથારકે મેળે ઝટ જઈએ(૨)

મારા છેલ છોગાળો રાજ

દીપે  જોધપુરી રે  શાન

મારે ચીતરાવાં છે નામ

હરખના ઉભરાયા છે જામ.કે મેળે ઝટ જઈએ(૨)

Read Full Post »