કવિ કોને કહેવાય……
જેમ સમુદ્ર જગતની બધી ઘૂઘવતી સરિતાઓને પોતાનામાં સમાવવાની ક્ષમતા ધરાવે છે, તેમ કવિ પણ વિશ્વ પ્રેમે રંગાયેલો હોવો જોઈએ. આદ્યકવિ શ્રી વાલ્મિકી ઋષીનું રામાયણનું પદ્ય લાલિત્ય, રસિકતા સાથે દરેક સંસ્કૃતિને ઝીલવાની તેમની ખેવનાનો દસ્તાવેજ એટલે જ છે. તેઓ આત્મનિષ્ઠ હતા, સમાજ પ્રત્યે સભાન પણે કઈંક દેવાની તેમની ઉત્કંઠા હતી .આજે હજારો વર્ષ પછી પણ માનવજાતના કૌટુમ્બિક ,સામાજિક ને રાજકીય પ્રશ્નોના જવાબ રામાયણમાંથી તુરત જ મળે છે. કેવી શાશ્વતકાળની કવિ દૃષ્ટિ…નર, વાનર ,રાક્ષસ, દેવ,પશુ, પંખી, નગર કે વન, યુધ્ધ કે સમરસતા..સૌનું સ્નેહ સંમેલન. આવી કવિત્ત્વ શક્તિ જ અમર ગાન ધરી શકે. આજ રીતે મહર્ષિ વેદવ્યાસજીએ મહાભારતને ગીતાજી થકી, કવિની સાચી ઓળખ દઈ દીધી.ભારતીય સંસ્કૃતિની સાચી ઓળખ આ અમર કૃતિઓ થકી છે..તેમની કવિત્ત્વ શક્તિને જેટલા અહોભાવથી વંદીએ એટલું ઓછું.
આજે સમાજના ઉત્થાન માટે આવી પ્રતિભાઓ થકી સંસ્કાર સીંચનની જરૂર છે. નવા ભારતને નવયુગી ચેતના સાથે, સંસ્કાર ધનની એટલી જ જરુર ભવિષ્યને સંવારવા પડવાની છે…કેમ કે વિશ્વની આંખો એ માટે ઝંખી રહી છે.
રજૂઆત સંકલન-રમેશ પટેલ(આકાશદીપ) આધાર- ધૂનિ માંડલિયાજીનો વિચાર વૈભવ.
(Thanks to webjagat for this picture)
ધન ધન તમારી ઠકુરાઈ.…..રમેશ પટેલ(આકાશદીપ)
જાગી પુનઈ પ્રગટી વડાઈ
રઘુકુળ રીતિ વચન સચ્ચાઈ
રામજી, ધન ધન તમારી ઠકુરાઈ
અભયદા સિયારામ સુભાષી
રાજધર્મની શોભા છલકાઈ
પિતૃ-બંધુ ધર્મની દીપી ખરાઈ
રામજી, ધન ધન તમારી ઠકુરાઈ
ધીર વીર વત્સલ સુહાસી
વચનકાજ હાલ્યા રઘુરાયી
કેવટ પામ્યો ભવ ઉતરાઈ
રામજી, ધન ધન તમારી ઠકુરાઈ
ઋષિ વનવાસી સૌ સુભાગી
વનપથે વિચરે પૂણ્ય કમાઈ
યશોધર શુભંકર ધર્મ ધુરંધર
દશાનન સંગ છેડી લડાઈ
રામજી, ધન ધન તમારી ઠકુરાઈ
રામ લખન સુગ્રીવ હનુમંતા
ભરત શત્રૃઘ્ન ભાઈ બલવંતા
અવધ ઝીલે વિજયઘોષ દુહાઈ
ઋષિ વાલ્મિકી ગાયે ચતુરાઈ
રામજી, ધન ધન તમારી ઠકુરાઈ
રમેશ પટેલ(આકાશદીપ)
…………………………………………………………………………..