Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી 1st, 2015

કાવ્ય પુષ્પોનો ગુલદસ્તો..દરેક કવિ કવિતામાં ખુદ રમતો રમતો જગને રમાડી જાય..કવિતા એટલે એક ભાવ જગત. કવિ વિચાર સાગરમાંથી મોતી જેવો ચળકાટ ધરે ને આપણે ઉત્તરથી દખ્ખણના ડુંગરે , ભમતા વાયરા સાથે વહેતા જઈએ. આવો આજે આવી જ રચનાઓ થકી વિવિધ કવિભાવોને માણીએ….તેમના ખૂબ ખૂબ આભાર…ને નેટ મિત્રોના સહકાર સાથે.   

(Thanks to webjagat for this picture)

 કવિયત્રિ સરયુબેન પરીખ… કવિશ્રી વિપુલ પરમાર ‘હાસ્ય’  ,કવિશ્રી ગગુભા રાજ અને રમેશપટેલ(આકાશદીપ)….આભાર સાથે.   ..

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

    સરતી રેત…સરયુબેન પરીખ

ગ્રહીને હાથ માતાનો, પ્ર અક્ષર  પ્રેમનો  ભણતો,
સફળતા સિધ્ધિ પામીને, સ્વમાને ગૌરવી ગણતો.

કનક કંચન સજીને  મોહિની  કુળ આંગણે આવી,
અષાઢે  દામિની દમકી, હ્રદય રસ  રાગિની  ગાતી.

મલકની મોહ નગરીમાં લગન લાગી જ કાયામાં,
અસતની ના કરી  દરકાર, દોર્યો  મત્ત  માયામાં.

સૂકાઈ  ડાળ  હિમાળે  રિસાઈ  પલ્લવો  ચાલ્યાં,
સપનની છિપથી  મોતી સરી લાચાર થઈ ચાલ્યાં.

અધૂરાજ્ઞાન  અધ રસ્તે, ડરે બુજદિલ એ બાવલો,
વિમાસે કોણ છું હું? કાં અનુત્તર ત્રસ્ત મ્હાંયલો!
 
ફફડતા  કૂપમાં  પંખી  ને  કુંઠીત  મન  પરિધિમાં,
ના આપ્યું અન્યને, તે સુખ, સરે છે સરતી રેતીમાં.

હવે હું  રેત  ઊંડાણે  બની  વીરડો   ઝમી  ઝળકું,
ઉલેચો, વાપરો મુજને,  તમે હો તૃપ્ત, હું  મલકું.
સરયુબેન પરીખ
……………………………………………………

સાવ મૂંગીમંતર!….વિપુલ પરમાર ‘હાસ્ય’

મારામાંથી કોણ ગયું? હું તો સાવ મૂંગીમંતર!
દિલમાં આવી કોણ બજાવે આ ઝીણું ઝીણું જંતર?

ચાલી ચાલી થાકું તોય
ન મળતો એનો કેડો,
મળી જાય તો બોલાય નહી બાયું
આ તે કેવો નેહ્ડો?
આંખ અને કાન વચ્ચેય આવું દૂર દૂરનું અંતર !
મારામાંથી કોણ ગયું ? હું તો સાવ મૂંગીમંતર!

વચન વાલમના યાદ કરી
હું છાનુંછાનું મલકું,
મુજમાં આખો સમદર ઘૂઘવે
હું ક્યાં જઈને છલકું?
ચિત્તડું મારું ચકરાઈ ગયુંને બુદ્ધિ થઈ છૂમંતર .
મારામાંથી કોણ ગયું ? હું તો સાવ મૂંગીમંતર!

લખવામાં એ આવે નહી
ન કોઈ વાણીમાં બોલાય,
બાવન બાવન બોલું પણ
હું થી શબદ ન ઉચરાય!
સાવય એળે ગયું મારું ભંવ આખાનું ભણતર .
મારામાંથી કોણ ગયું ? હું તો સાવ મૂંગીમંતર!

વિપુલ પરમાર ‘હાસ્ય’

…………………………………….

વાયરાની હેલે…ગગુભા રાજ

વાયરાની હેલે હું તો રેલાતી જાઉં ‘ને,
વાયરો અડ્યાનો મને વહેમ થાય,
બોલને મોરી સૈયર, વાતે વાતે બળ્યું,
સાહ્યબો અડ્યાનું મને કેમ થાય?
વાયરાની હેલે હું તો….

પથરાને ગોફણીયે ઘાલી ઉછાળું,
કે માટીમાં કરૂં રે કુંડાળું,
કેમે ય કરીને વાટ ખૂટે નહીં ને તોયે,
ચાલવાનું લાગે રે હૂંફાળું,
ઉભે રે શેઢે હું તો તણાતી જાઉં ‘ને,
કમખાની કોર આમ તેમ થાય,
વાયરાની હેલે હું તો…

સુંવાળા સગપણનું ગાડું રે હાંકુ,
મોલ શમણાંનો લણતાં રે થાકું,
વાયદાને આંખમાં કે મુઠ્ઠીમાં રાખું,
તો યે વાતેવાતે પડતું એને વાંકુ,
રૂમાલની ગાંઠે હું તો ગૂંથાતી જાઉં ‘ને,
લોક કે’તા કે આને તો પ્રેમ થાય..
વાયરાની હેલે હું તો….

ગગુભા રાજ

………………..

પ્રેમનો પમરાટ…રમેશ પટેલ ‘આકાશદીપ’

 

પ્રેમ એતો પાવન પમરાટ
રૂપાળો કે રૂક્ષ થઈ બદલતો ઘાટ

પ્રેમ એતો સાગરની જાત
મળે ચંદરવો તો ઉછળે જઈ આભ

પ્રેમ એતો દિલનો ઉજાશ
સમર્પણથી નિશદિન મ્હેંકે સુવાસ

પ્રેમ એતો ભીંનો વરસાદ
ઝીલીને પ્રેમનો માણો અહેસાસ

પ્રેમ એતો સ્વપ્નોની ચાહ
માના ખોળાની કહે મમતાની વાત

પ્રેમની વાતો છે રંગીલી યાર
કોઈ દિ ગાયે ગઝલ કે રૂવડાવે રાત

પ્રેમ પૂરે જીવનમાં શક્તિ અનંત
પ્રેમની વાતોના નોંખા છે રંગ

ફૂલની ફોરમ લઈ મ્હેંકે છે પ્યાર
ચાહ વિના જીંદગી અધૂરી છે યાર

રમેશ પટેલ ‘આકાશદીપ’

Read Full Post »