Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જાન્યુઆરી 5th, 2015

 

રંગભૂમિ ને ગુજરાતી ચલચિત્રના સમ્રાટ શ્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદી…. લોક કથાઓ ને ગુજરાતની સંસ્કૃતિની યાદગાર તવારિખને જીવંત કરવા માટે, સદાય સૌને યાદ રહેશે….તેમણે સીત્તેરના દાયકામાં ,ગુજરાતી ચલચિત્રોના એવા રસિયા બનાવી દીધા હતા કે…તેમની પાત્ર કલા એ આગવો જ ઈતિહાસ રચી દીધો હતો….તેમને શ્રધ્ધાંજલિ દેતાં સૌ ગુજરાતીની આંખો ભીનીં થઈ જાય છે…આપણા સૌના સજનની વિદાય…જાણે એક ચેતના આપણી વચ્ચેથી વિદાય થઈ.

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

‘હું એ નથી’, હવે નહીં સાંભળવા મળે, ઉપેન્દ્ર ત્રિવેદીની જાણવા જેવી વાતો
(Thanks to Divyabhaskar)

શત ચિત્રપટના વાવટે ઝૂમે

છત્રપતિ સમ શાખ તમારી

ગુર્જર રંગભૂમિ કલા પૂજારી

પદ્મશ્રી સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી

………………………………….

14 જુલાઈ 1937માં મધ્યપ્રદેશમાં  જન્મેલા ઉપેન્દ્વ ત્રિવેદી સાબરકાંઠાના ઈડર પાસેના કુકડીયા ગામના વતની હતા. ફિલ્મ અને નાટકમાં અભિનય દિગ્દર્શન ઉપરાંત તે સાહિત્યના મર્મજ્ઞ હતા. તેમને બોલતા સાંભળવા તે લહાવો હતો.  1960માં કાદુ મકરણી ફિલ્મથી તે ગુજરાતી પડદે ચમક્યા.  અને રા’નવઘણ , રા’માંડલિક, હિરો સલાટ, મહેદી રંગ લાગ્યો તથા લીલુડી ઘરતી જેવી અનેક ગુજરાતી ફિલ્મ્સમાં સહઅભિનેતા રહ્યા. 1971માં રવિન્દ્વ દવે દિગ્દર્શીત ‘જેસલ તોરલ’માં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી અને વ્યવસાયિક સફળતાના નવા શીખરો સર કર્યા પછી તો રાજાભરથરી, શેતલને કાંઠે, ભાદર તારા વહેતા પાણી, હોથલ પદમણી જેવી ઉપરા ઉપરી હિટ ફિલ્મ્સે તેમને સુપરસ્ટાર બનાવી દીધા. પણ અભિનય સમ્રાટનું બિરુદ તો તેમના અભિનય સમ્રાટ નાટક દ્વારા મળ્યું.રીવોલ્વીંગ સ્ટેજની તકનીકથી તલોદના તમાકુના વેપારી પશાએ રંગભૂમી ગજવી. ઉપેન્દ્વભાઈએ મનુભાઈ પંચોળી નવલકથા ‘ઝેર તો પીધા જાણી-જાણી (1971)’ અને પન્નાલાલ પટેલની નવલકથા ‘માનવીની ભવાઈ’ પરથી ફિલ્મ્સ બનાવી.  તેને રાજ્ય સરકાર રાષ્ટ્રિય પુરસ્કારો મળ્યા છે. પદ્મશ્રી ઉપેન્દ્વ ત્રિવેદી છેલ્લા વર્ષોમાં ‘કર્મયોગી’ પરના તેમના વ્યાખ્યાનોને કારણે પણ જાણીતા બન્યા.
 
નેતા-અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીની જીવન-ઝરમર–  જન્મ : ૧૪-૭-૧૯૩૭, ઈન્દોર
–  પ્રાથમિક શિક્ષણ: ગુજરાતી સમાજ પ્રાથમિક શાળા, ઉજ્જૈન
–  તખ્તા પર સૌપ્રથમ અભિનય: નંદકુમાર પાઠક લિખીત એકાંકી ‘કહ્યાગરો કંથ’
–  ઉચ્ચ શિક્ષણ: સિદ્ધાર્થ કૉલેજ ઑફ કોમર્સ, મુંબઈ
–  પ્રથમ પારિતોષિક: ભવન્સ આયોજિત આંતર કૉલેજ નાટ્યસ્પર્ધામાં ‘ભીતરનાં વહેણ’ નાટકમાં.
–  ફિલ્મ પ્રવેશ: ‘કાદુ મકરાણી’માં એક નાનકડી ભૂમિકા દ્વારા
–  રેડિયોમાં: આકાશવાણીના નાટ્યવિભાગના વડા તરીકે નિમણૂક
–  નિર્માણ: ૧૯૬૯માં ‘અભિનયસમ્રાટ’નું નિર્માણ, દિગ્દર્શન, લેખન અને અભિનય
–  ફિલ્મોમાં નાયક: ૧૯૭૧માં ‘જેસલ તોરલ’માં નાયક તરીકે.
–  રાજકીય કારકિર્દી: ૧૯૮૪માં સાબરકાંઠાના ભિલોડા ક્ષેત્રમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ૧૯૯૦માં એ જ ક્ષેત્રમાંથી બીજી વાર અને ૧૯૯૮માં ત્રીજી વાર ચૂંટાયા. ૨૦૦૦માં લોકસભાની ચૂંટણીમાં અને ૨૦૦૩માં વિધાનસભાની ચૂંટણીમાં હાર.અભિનિત ગુજરાતી ફિલ્મો: 100થી વધુ
ભોજપુરી : ૦૧
હિંદી ફિલ્મો: ૧૧……………………………………………………………………………………………………………………………………

યશવંતી ગુજરાત…રમેશ પટેલ(આકાશદીપ)

 

ગુણીયલ   ગુર્જર   ગિરા  અમારી, ગૌરવવંતા ગાન

સ્નેહ  સમર્પણ  શૌર્ય  શાંતિના,  દીધા  અમને  પાઠ

રાજવી  સાક્ષર  સંત મહાજન , ધરે  રસવંતા  થાળ

જય જય યશવંતી ગુજરાત ,શોભે યશચંદ્ર તવ ભાલ

 

જનમ્યા  ગુર્જર દેશ ,સંસ્કૃતિના ખીલ્યા  છે ગુલદસ્ત

તવ  રંગે  સોડમે  ખીલ્યાં, મઘમઘતાં  માનવ પુષ્પ.

વિશ્વ  પથ  દર્શક  ગાંધી ગરવો, ગુર્જર સપૂત મહાન

ધન્ય ધન્ય ગુર્જરી માત ,તવ ચરણે મળ્યો અવતાર.

 

રમ્ય   ડુંગરા   સરિતા  મલકે,  ધરતી  ઘણી  રસાળ

ગરબે ઝગમગે જીવન દીપ ને,જગત જનનીનો સાથ.

ધરતી   મારી  કુબેર  ભંડારી, ભરશું  પ્રગતિ સોપાન

જય  જય રંગીલી ગુજરાત, શોભે યશચંદ્ર  તવ ભાલ.

 

રત્નાકર  ગરજે   ગુર્જર   દ્વારે,  કરે  શૌર્ય  લલકાર

મૈયા   નર્મદા  પુનિત  દર્શિની,   ભરે   અન્ન  ભંડાર

માત  મહીસાગર  મહિમાવંતી, તાપી  તેજ  પ્રતાપ

જય જય રસવંતી ગુજરાત,ધન્ય ધન્ય ગુર્જરી માત

 

પાવન  તીર્થ , તીર્થંકરની કરુણા, અર્પે જ્ઞાન  અમાપ

સહજાનંદ યોગેશ્વર વસે અંતરે,સુખદાતા મીરાં દાતાર

વલ્લભ  સરદાર  સંગે  ગાજે  ગગને  જય  સોમનાથ

ધન્ય  ધન્ય  ગુર્જરી માત શોભે યશચંદ્ર  તવ  ભાલ

 

ભારતવર્ષે   પરમ  પ્રકાશે, જાણે  હસ્તી  પર  અંબાડી

સપ્ત  સમંદર સવારી  અમારી, દરિયા  દિલ  વિશ્વાસી

અનુપમ  તારી શાખ ઝગમગે, જાણે તારલિયાની ભાત

રમાડે  ખોળે  સિંહ સંતાન , શોભે  યશચંદ્ર  તવ ભાલ

 

ગાયાં પ્રભાતિયાં ભક્ત નરસિંહે, આભલે  પ્રગટ્યા ઉમંગ

સાબર  દાંડી  શ્વેત  ક્રાન્તિના, દીઠા  પુણ્ય  પ્રતાપી રંગ

 ‘આકાશદીપ’  વધાવે  વીર  સુનિતા  છાયો પ્રેમ અનંત

ધન્ય  ધન્ય ગુર્જરી માત, શોભે  યશચંદ્ર  તવ  ભાલ(૨)

Read Full Post »