Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જાન્યુઆરી 1st, 2015

 

ઘડવૈયાઓને નૂતન વર્ષે અભિનંદન કરીએ…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

ચાલને, માણસ થઈએ…આ એક કાવ્ય ને નાની વાર્તાઓની પુસ્તિકા છે, જેના સર્જક છે…સંસ્કારના દીપ જેવા શિક્ષક શ્રી રેવાભાઈ બી.પ્રજાપતિ. ડૉ.ચંદ્રવદનભાઈના સૌજન્યથી, સાહિત્ય પરિષદ,પાલનપુર દ્વારા એ પ્રકાશિત છે..અને નવલા વર્ષે પ્રથમ દિવસે વાંચતાં જ, આ ગૌરવવંતી વિચારધારાથી આનંદમાં ગરકાવ થઈ જવાયું. અમારા મોટાભાઈશ્રી વિષ્નુભાઈ(ગામ-મહિસા) માધ્યમિક શાળાના શિક્ષક બની, ગામને પ્રગતિ પંથે લઈ જવાની ભૂમિકાને કારણે, આજે ગૌરવવંતા છે. આવી જ અદકી ભૂમિકા શ્રી રેવાભાઈની અનુભવાયી.વડાપ્રધાનશ્રી મોદીજીએ કહ્યું તેમ, મા ને શિક્ષકનો જીવન ઘડતરમાં જે ફાળો છે, એ જ આપણી ભવિષ્યની છબી રૂપે વિચરે છે. આજે સાચે જ ,માણસાઈના દીવા શોધવા મથવું પડે છે.

    શ્રીરેવાભાઈએ, બી.એ. ,બી.એડ.,એમએ,ની શૈક્ષણિક ઉપાધિ બાદ, ૩૬ વર્ષ સુધી આદિવાસી વિસ્તારમાં સેવા આપી, ડૉ અબ્દુલ કલામ રાષ્ટ્રપતિને હસ્તે ‘ઈનોવેટિવ ટીચર’નું સન્માન ગૌરવ ધરાવે છે. 

 એમની સ્પર્શી જતી વાત એટલે..મારી ભીતર મોટે ભાગે માણસાઈના તત્ત્વ માટે હંમેશાં પક્ષપાત રહ્યો છે…એ મારી રચનાઓમાં સ્ફૂર્યું છે….આવો તેમની થોડીક વાતોને વહેંચીએ…(with Thanks)

becoming-teacher

Sculpting minds is what I dream for……(Thanks to webjagat for this picture)

૧) વળતર કરીએ!…શ્રી રેવાભાઈ બી.પ્રજાપતિ

નૂતન વર્ષની નવીન પળોમાં,

ચલો ચલો કંઈ ગણતર કરીએ!

વર્ષ આખુંય વિતિ ગયું ને,

એનું શું નવ ગણતર કરીએ?

વીતી ગયું તે પતી ગયું ભૈ,

ચલો ચલો કંઈ નવતર ગણીએ!

ઈન્સાનિયતને હમદર્દીનું,

ચલો ચલો કંઈ ચણતર કરીએ!

મોંઘો માનવ દેહ મળ્યો આ,

ચલો ચલો કંઈ વળતર કરીએ!

કેટલી સરસ રીતે મોટો સંદેશ દઈ દીધો..શ્રી રેવાભાઈએ.

……………………………

૨)કાયા લાગી હાથે!….

કાં ભૂલિ જા મનવા ભોળા,

તક આવી છે સામે;

લખ-ચોરાસી ભમતાં ભમતાં,

કાયા લાગી હાથે!

ગુણની પૂજા આ જગમાંહી,

અવગુણ ધક્કે લાગે;

પથ્થરને પણ ઘાટ ઘડતાં,

સૌ જન જઈ શીશ નમે!

………………….

ચાલો માતૃવંદના કરી…..આવા ઘડવૈયાઓને નૂતન વર્ષે અભિનંદન કરીએ…

મા ચંદન અગિયારીરમેશ પટેલ(આકાશદીપ)

 

મા મમતાનું મંગલ મંદિર

જગ  આખું પૂજારી

વાત્સલ્ય મૂર્તિ ઘડી પ્રભુએ

ધન જનની ખૂમારી

 

વૈભવ માનો હેત ખજાનો

 સુખદાતા કલ્યાણી

આંખ અમી તો સાગરપેટાં

અક્ષય મા દાતારી  ….જગ  આખું પુજારી

 

હાલરડાં  મા તારાં ઔષધ

ખોળે સ્નેહ સમંદર

તું પકવે મા મોતી મોંઘાં

ઝીલતી ઝોલે નીંદર

 

કેમ રમે મા શામળ ખોળે

જાણું હું અલગારી

ત્યાગ મૂરત તું, મા દેવી તું

મા ચંદન અગિયારી…જગ  આખું પુજારી

Read Full Post »