Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ડિસેમ્બર, 2014

 

ઓળખીએ યુગોથી આપણું છે તે કાશ્મિરને…

હિમાલયમાં હિમવર્ષા શરુ થઈ ગઈ. જમ્મુ-કાશ્મિરની વિધાન સભાની ચૂંટણીમાં ભારતીય લોકશાહી ,પ્રજાના મતદાન ઉમંગ થકી ગૌરવંતી બની. હવે પરિણામો બતાવશે..પ્રજાએ કેવા પડઘમ કોના માટે વગાડ્યા છે. કાશ્મિરના લોકો વિકાસને ઝંખે છે…આતંકી ઓળાથી કાશ્મિર સરહદે, પ્રજાએ અશાન્તિ અનુભવી છે. ભારતની  મુગુટશાન સમ કાશ્મિર ફરીથી સ્વર્ગનો અહેસાસ કરે…એવી સૌ ભારતવાસીઓની આશા ફળે…કુદરતે અઢળક સૌંદર્ય સંપત્તિ દીધી છે…માનવીય અપલક્ષણોએ બરબાદી સર્જી છે…આ વાત શાનમાં સમજીએ.. 

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

(Thanks to webjagat for this picture)

કશ્યપ ઋષી એ વસાવેલું ને જ્યાં સદાય શ્રીનો નિવાસ છે ,એવા શ્રીનગરને વિદેશી આક્રમણથી અનેક યાતનાઓ વેઠવી પડી છે. ભારતીય સંસ્કૃતિને હરિયાળી કરનાર આ હિમાલયની ઘાટીઓ જ છે. કાશ્મીર પર્વતીય પ્રદેશ હોવાથી રમણીય છે અને શ્રીનગરથી દૂરના અનેક ભાગો ખીણો ,ઘાટીઓ જેને અંગ્રજીમાં  કેનીઅન કહેવામાં આવે છે,એવા સોનમર્ગ એ ભારતની મોટામાં મોટી , ૫૦ માઈલ લાંબી ઘાટી અને ૩ માઈલ પહોળી ઘાટી છે, જે સમુદ્રથી ૮૫૦૦ફીટની ઊંચાઈએ  આવેલો પ્રદેશ છે. સિન્ધું નદી અતિ ઝડપે એકદમ ધવલ રંગે વહેતી જોવી ,જીવનનો લ્હાવો છે. તેનાથી ૩૦ માઈલના અંતરે ગુલમર્ગ છે ,જે કુદરતી સૌંદર્યમાં અદ્વિતીય છે .ફોલ્મી જગતે કચકડે પણ મઢ્યું છે.સોનમર્ગથીજ લડાખ, લેહ અને કારગીલ બાજુ આગળ જવાય છે.

કાશ્મિર ઍટલે પહાડોની વચ્ચે ,આસમાની રંગે લહેરાતા સુંદર સરોવરોનો પ્રદેશ. કુદરતને એવી માણવા મળે કે તમે સ્વર્ગનો અનુભવ કરો.

જગત્રાતા….રમેશ પટેલ(આકાશદીપ)

છંદસ્વાગતા

માગું હું વર  જ એક વિધાતા

ખીલતા  અરૂણ  વંદ્ય પ્રભાતે

પામજો સંપદ માનવ  દૈવી

નીરખે મંગલ ભાવ  જ જાતે

 

વ્યોમને જલધિ વન્ય વિહારે

શક્તિ દે પ્રભુ રમું જગ હામે

કુંજ કુંજ  પથરાય જ પુષ્પો

ને  ધરા હરિત ગાય સુહાગે

 

બંસરી  તવ  બજે સુમધુરી

વાલપે  છલકતી રસછોળો

ઝૂમતી ધરણ માનવતાથી

ભીંજવે જ કરુણા મધુ ખોળે

 

 

વિશ્વ   આ   અજબને  રસ ભીનું

ઘૂમતું    પળેપળે     નિયમોમાં

ધન્ય ધન્ય જગ! વાહ વિધાતા

પ્રાથુ  હું  તવ   મહા  પ્રભુતાને

 

ને   વદે   ભગવંત   મરકીને

એક  વાત  કરવી  જ તનેતો

માગતો  વિનયથી  વરદાનો

ભૂલતો    હળવે  તું મનેતો

 

આધિપત્ય  જગતે   ધરવાને

તું  મથે  ખુદ થવા જગત્રાતા

ને  ગુમાન ચઢતું  તવ  શીરે

લોટતો જ નચવી જ નિયંતા

 

ને  હસી  જ વદતો હું નમીને

  જગે હરદિન તું જ રમાડે

ભૂલું ના પથ હવે  મમ ભોળા

પામશું  શરણમાં  સુખ સારા

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

ડૉશ્રી ચિંતનભાઈ વૈષ્ણવ….આધુનિક યુગના દાર્શનિક…લેખ..શ્રી પી.કે.દાવડા

  એક ઉમદા વિચાર વૈભવથી પાંગરતી પ્રતિભા, સાચે જ સમાજમાં એક ચેતના લાવે છે. ભારતીય સંસ્કૃતિની માનસ ઘડવાની તાકાત થકી, સૌને ચીંતન કરવા પ્રેરે એવા વ્યક્તિત્ત્વનો પરિચય, મળવા જેવા માણસની શ્રેણીમાં ,શ્રી દાવડા સાહેબના આભાર સાથે માણીએ..

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

મળવા જેવા માણસ-૩૫ (શ્રી ચિંતન વૈષ્ણવ)

CV_1 

ચિંતનભાઈનો જન્મ ૧૯૭૧ માં અમદાવાદમાં થયેલો. માતા-પિતા બન્ને ડોકટર હોવાથી પૈસે-ટકે સુખી કુટુંબ ગણાતું. ચિંતનભાઈએ પ્રાથમિક અને માધ્યમિક શાળાનો અભ્યાસ વડોદરાની એલેંબિક વિદ્યાલયમાં કરેલો અને અહીંથી જ એમણે ૧૯૮૬ માં SSC અને ૧૯૮૮ માં HSC ની પરિક્ષાઓ પાસ કરી. શાળામાં ચિંતનભાઈની ગણના તેજસ્વી વિદ્યાર્થીઓમાં થતી, પણ એમનું બારમા ધોરણમાં એમનું પરિણામ થોડું નબળું આવ્યું. આજે પાછું ફરીને જોતાં એમને લાગે છે કે કદાચ બારમા ધોરણમા અભ્યાસ સિવાયની ઈતર પ્રવૃતિઓમા વધારે પડતો સમય આપવાથી આવું થયું હશે, દાખલા તરીકે એમણે ૧૯૮૭ માં જ ક્લાસિકલ સંગીતમાં B.A. ની ડીગ્રી મેળવી લીધેલી.

 

HSC માં ઓછા માર્કસ આવ્યા છતાં એમના માતા-પિતાએ ભવિષ્યનો વિચાર કરી એમને બેંગ્લોરની R.V. કોલેજમાં Electronics and Communications ના કોર્સમા દાખલ કર્યા અને ૧૯૯૨ માં એમણે અહીંથી B.E. ની ડીગ્રી પ્રાપ્ત કરી. આજે પણ ચિંતનભાઈ માને છે કે ઘરથી દૂર બેંગલોરમાં ગાળેલા આ ચાર વર્ષ દરમ્યાન એમને જે ગુણીજનો અને વાતાવરણ મળ્યું કે તેણે જીવન વિષે વિચારવાની એમની દ્રષ્ટી જ બદલી નાખી.

 

બે વર્ષ ભારતમાં કામ કરી, ૧૯૯૪ માં ઉચ્ચ અભ્યાસ માટે ચિંતનભાઈ અમેરિકા આવ્યા અને અમેરિકામાં રહી એમણે ૧૯૯૬ માં M.S. in Electrical Engineering ની ડીગ્રી મેળવી. ડીગ્રી મેળવ્યા બાદ એમણે Lucent Technologies-Bell Laboratories માં નોકરી સ્વીકારી. મારો દિકરો ભાવેશ પણ આ જ કંપનીમાં કામ કરતો હતો. ચિંતનભાઈ અને ભાવેશ મિત્રો બની ગયા હોવાથી, મારો ચિંતનભાઈ સાથે આ સમય ગાળામાં પરિચય થયો. એ સમયે મારા અમેરિકામાં ટુંકા રોકાણ દરમ્યાન જ હું ચિંતનભાઈની કેટલીક ખાસીયતોથી પ્રભાવિત થયો હતો. એમની વાતચીતમાં ગંભીરતા, એમની મિત્રો પ્રત્યેની લાગણી, એમનો સંગીત પ્રેમ અને એમની Brain Storming ની આદતે મારૂં ખાસ ધ્યાન દોરેલું.

CV_2                      

જાન્યુઆરી ૨૦૦૦ માં ચિંતનભાઈના લગ્ન હેતલ બુચ નામની ગુજરાતી યુવતી સાથે થયા. આજે ચૌદ વરસ પછી ચિંતભાઈ કહે છે કે મારા જીવનમાં મળેલી અતિ પ્રેમાળ અને લાગણીશીલ વ્યક્તિઓમાં હેતલ મોખરે છે. લગ્નબાદ અમેરિકા આવ્યા પછી તરત જ હેતલબેને પણ વધારે ભણવાનું શરૂ કરી દીધું અને Computer વિષયક M.S. ડીગ્રી મેળવી લીધી.. હાલમાં આ દંપતી પોતાની સાડાચાર વર્ષની પુત્રી સાન્વીના ઘડતરમાં ફાળો આપી રહ્યા છે.

CV_3            

રીસર્ચ-ક્ષેત્રે અગ્રેસર એવી Bell Laboratory માં નોકરી કરવા છતાં પણ એક વાત ચિંતનભાઈને વારંવાર ખટકતી કે, ટેકનોલોજીમાં એટલી પ્રગતિ પછી પણ ગરીબી અને ભૂખમરા જેવી મૂળભૂત સમસ્યાઓનો હલ આપણે શામાટે લાવી શક્યા નથી? થોડા વિચાર પછી તેમને એમ સમજાયું કે આ પ્રશ્નનો જવાબ આપવા તેમણે engineering ઉપરાંત વિષયો સમજવા પડશે। આથી, 2003 માં આ સારા પગારની નોકરી છોડી એમણે 2005 સુધી SM in Technology and  Policy નો અભ્યાસ કર્યો અને 2005 થી 2009 સુધી Technology, Policy, and  Management નો અભ્યાસ કરી Ph.D ની ડીગ્રી પ્રાપ્ત કરી. આ જ્ઞાન પ્રાપ્તિ યજ્ઞ દરમ્યાન પાંચ વર્ષ માટે ઘર ચલાવવા એમને અને એમની પત્નીને MIT ની Under Graduate Students Hostel ના વોર્ડન તરીકે કામ કરવું પડેલું. આ પરિસ્થિતીને પણ Positive દ્ર્સ્ટીથી જોતાં ચિંતનભાઈ કહે છે, “આ કામ કરતાં કરતાં મને યુવા માનસમાં ડોકિયું કરવાની તક મળી. મોટા ભાગના ગોરા વિદ્યાર્થીઓથી ભરેલી આ MIT ની હોસ્ટેલના ઇતિહાસમાં, અમે પહેલા જ અમેરિકામાં નહિં જન્મેલા, અને ગોરા નહિં એવા વોર્ડન હતા. પણ પ્રેમ અને સમજદારીથી અમે વિદ્યાર્થીઓનો સારો એવો પ્રેમ સંપાદન કરેલો.”

 

ચિંતન વૈશ્નવ MIT ની Sloan School  માં સીનીયર લેકચરર છે.તેમની રીસર્ચ મહદઅંશે બે વિષયો ઉપર કેન્દ્રિત છે. મુખ્યત્વે, તેઓ આર્થિક અને સામાજિક ભીડમાં જીવી રહેલ વિસ્તારોની સમસ્યાઓ માટે ટેક્નોલોજી અને વ્યવાસ્થાત્મક ઉપાયો ઉપર શોધખોળ કરી રહ્યા છે.  તદોપરાંત, તેઓ ટેકનોલોજી માં આવતા ઝડપી ફેરફારો ને કાર્યકરો, પ્રશાશકો અને નિયમનકારો કઈ રીતે સમજી શકે તેનો અભ્યાસ કરી રહ્યા છે. તેમનું આ કામ ખેતીવાડી, ઈન્ટરનેટ અને ટેલીકોમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, અને શહેરીકરણ ને સમજવામાં ફાળો આપી શકે તેમ છે. ચિંતનભાઈ કહે છે કે તેમના કાર્યકાળ દરમ્યાન સૌથી યાદગાર પ્રસંગ એ રહ્યો છે તેઓ MIT માં જે ક્લાસને ભણાવે છે તેમાં એક વાર રતન ટાટા આવેલા.

 

ચિંતનભાઈની હાલની પ્રવૃતિઓ માત્ર બે વસ્તુઓ ઉપર કેંદ્રીત છે. (૧) શિક્ષણ આપવું, અને લોકોને પોતાનું જીવન સુધારવાની શક્તિ પ્રદાન કરવા શોધખોળ કરવી. અને (૨) એમની આસપાસના લોકોને એમની શક્તિની ચરમ સીમા સુધી પહોંચવામાં મદદરૂપ થવું. સ્કોલરશીપ અંગેની લોકોની મૂળભૂત મુશ્કેલીઓનું સંકલન કરી સમાધાન શોધવા માટે પણ ચિંતનભાઈ કાર્યરત છે. ચિંતનભાઈ માને છે કે રચનાશક્તિ નો ધ્યેય જનકલ્યાણ છે.

ચિંતનભાઈ કહે છે એ ઈશ્વરનો આભાર માને છે કે ગાંધીજી સાથે નજીકનો સંબંધ ધરાવતા એમના નાના શ્રી પ્રતાપરાય તુલજાપ્રસાદ છાયાએ એમને પ્રમાણિકતા અને પરિશ્રમનું જે મહત્વ સમજાવેલું એનું એ પોતે કુતુહલ અને હિંમતથી અનુસરણ કરવાની કોશીશમાં રહ્યા છે.

-પી. કે. દાવડા

Read Full Post »

 

 

ગુજરાતી સાહિત્યના જાણીતા કવિશ્રી ત્રિભુવનદાસનાં પુત્રી , પુષ્પાબેન વ્યાસનો, પ્રથમ કવિતા સંગ્રહ’ નિંભાડો, પ.પૂ .મોરારિબાપુની પ્રેરણાથી બહાર પડ્યો. કવિયત્રીની લય માટેની હથોટી ને કાવ્યસૂઝ, સાચે જ  વારસામાં જ ઉતરી આવેલી જણાય છે. આદરણીયશ્રી સુરેશભાઈ દલાલને ખૂબ જ ગમેલી એક કવિતા વાંચવા મળી, આવો તેની મીઠાશને આપણે સૌ ઝીલીએ… કવિતા સાથે જ કસબ વણાયેલો લાગે જ…ગ્રામ્ય જીવનની શૈલી, હૈયે રમતા પ્રભુ ભાવ..કેટલા સહજ રીતે અંદરથી વહે છે…હરિ તારા હજારો નામ…ઠામ..કયા નામે લખવી કંકોતરી.

Thanks to webjagat for this picture.

નજર કરું ત્યાં નારાયણ ….

નજર કરું ત્યાં નારાયણ ને, હાથ  ધરું ત્યાં હરિ

પગ મૂકું ત્યાં પુરુષોત્તમ ઘર, એ ઘરમાં હું ઠરી

હૈયા  દૂબળી  હું  ને પાછીમોઢે  મોળી  ખરી

દીવો પ્રગટ્યો ત્યાંતો, ટવરક-ટવરક વાતું કરી

 

ઘંટી,  પાણીવાસીદું   ને,   ચૂલો   ઘરવખરી  

જ્યાં જ્યાં કામે લાગું ત્યાં ત્યાં, મંદિર ને ઝાલરી!

      ભવ ખેતરને ખેડી રાખ્યું, કૂવો કાંઠા લગી

મેં  તો  વાવી જાર, પાક્યાં  મોતી  ફાટું  ભરી!

 

અણસમજીમાં જે કંઈ વાવ્યું, બાવળ કે બોરડી

        પાછું વળી જો ત્યાં તો આંબાને મંજરી!

પોથી ,પુસ્તક, શાસ્ત્ર પુરાણો, સાવ જ કાચી ઠરી

      ઢાઈ અક્ષર ધાગો કાઢું તેની તકલી ભરી!

 

આંગણ વાવું કદંબીયો ને, ઘટમાં યમુના ભરી

     પંડ અમારું વાંસલડી ને ફૂંક વાગશે ફરી!

પુષ્પા વ્યાસ

…………………………..

ભારત ભૂમિ….રમેશ પટેલ(આકાશદીપ)

વતન  તારી  મહેક  મધુરી મન ભરીને માણું

સરોવર પટે કંકુવરણું , પ્રભુનું પ્રભા પાથરણું

 

શુભ  સવારે ઘંટારવે , નયન નમણાં  બીડું

આનંદની એ પરમ ક્ષણોને, ભાવે ઉરે ઝીલું

 

જન્મભૂમિ  નમું,  ચઢાવી  ધૂળ  શિરે   સોહાવું

પ્રકૃતિ ખોળે પરસેવાથી, નિત ધરતી સીંચાવું

 

સંત સરિતા પુનિત તીર્થોના, પ્રસાદ પ્રેમે પામું

પ્રેમ કરૂણા ને સદાચારે, આ મંગલ જીવન માણું

 

અબોલા જીવોને રમાડી સુખડે, આંખડિયું ને ઠારું

અંતરે વસતા આ રામજીને પરસુખે હસતા ભાળું

 

ઋણાનું બંધે પુરુષાર્થે પાંગરી, આંસુને  અજવાળું

ભાગ્ય સથવારે આત્મ ચિંતને, અવિનાશીને ખોળું

 

વતન ચહું, માનવ ગરિમાથી મમ અંતરને ઉજાળું

ભારત ભૂમિ ચિરકાળ હરખે, દલડે તને નિત રમાડું

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

મારી ગઝલની થોડીક પંક્તિઓના સંદેશા ,સમયે સમયે મનમાં ગુંજતા રહે છે..આવો માણીએ…

રમેશ પટેલ(આકાશદીપ) 

છળકપટી જાદુ જમાનાનો સઘળે વરતાય છે
ઢોળના દાગીના, સુર્વણ ભાવે વેચાઈ જાય છે

સાચા ફૂલો થયા જે બીચારા, તવાયે શેકાય છે
કાગળના ફૂલો, મહેફીલના રંગો માણી જાય છે

દ્વારે ઊભા ભગવાન સામે, કમાડ બંધ થાય છે
થાપ દઈ શ્રધાને, પાખંડી ખુદ પૂંજાઈ જાય છે

…………………………….

 

સાથે  સમયની  પળપળ  રહી  હાંફી ગયો

ક્યાં  દોષ દેવો ૠતુ ,તુજ સંગે પાકી ગયો

 

આકાશમાં   ઘૂમે   વાદળો ,  તરસે    રણો

ને ‘દીપ  અંતરે તડપન  થકી દાઝી ગયો

………………..

જો  છો  ધસમસતા પૂર તમે

બળ તારું  સ્વયં  થાશે ડગર

 

ખીલ્યા જો  ફૂલ થઈ જગતે

દોડી પવન  જ થાશે  ડગર

……………………………..

વાત  મારી   ફૂલડાં  છાની  ના  રહી

આજ તમથી  રૂપલું  કોઈ મળ્યું મને

 

રંગમાંથી   રંગ   કેવા  ખીલ્યા  હવે

સ્વયંમ ચિત્રકાર થવાનું મળ્યું  મને

………………………..

ભરો ડગ પથે કરવાને ભલાઈ

નહીં પૂછવું પડે, ક્યાં છે ખુદાઈ

 

છલકતા નયન પ્રેમે તો દુહાઈ

મળે સાદ એના જ્યાં છે ખુદાઈ

 

મળે આદર જગે, એ જ હરખાઈ

કહેશે  જ પુષ્પો ત્યાં છે ખુદાઈ

Read Full Post »

 

 

આપણા ધર્મશાસ્ત્રો પ્રમાણે …આવો પૂજા વિધિ કરીએ….સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

આભાર-દિવ્યભાસ્કર ન્યુઝ

 

9 of 10

શાસ્ત્ર કહે છે કે ઘરના મંદિરમાં ધ્યાન રાખવી જોઈએ આ 10 વાતો!
(Thanks to Divyabhaskar for this picture)
 
…….
પૂજા કરતી વખતે કંઈ દિશામાં હોવું જોઈએ તમારું મુખઃ-
ઘરમા પૂજા કરનાર વ્યક્તિનું મુખ પશ્ચિમ દિશા તરફ રહે તો વધારે શુભ રહે છે. તેની માટે પૂજા સ્થાળનું દ્વાર પૂર્વ તરફ હોવું જોઈએ. જો તે શક્ય ન હોય તો પૂજા કરતી વખતે વ્યક્તિનું મુખ પૂર્વ દિશામાં હોય તો પણ શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે.
……..
મંદિર સુધી પહોંચવી જોઈએ સૂર્યની રોશની અને તાજી હવાઃ-
 
ઘરમાં મંદિર એવી જગ્યાએ બનાવવું જોઈએ, જ્યાં દિવસભર ક્યારેય ક્યારેય થોડીવાર માટે સૂર્યની રોશની ચોક્કસ આવતી હોય. જે ઘરમાં સૂર્યની રોશની અને તાજી હવા આવતી રહે છે, તે ઘરના અનેક દોષ આપમેળે જ શાંત થઈ જાય છે. સૂર્યની રોશનીમાં વાતાવરણની નકારાત્મક ઊર્જા ખતમ થઈ જાય છે અને સકારાત્મક ઊર્જામાં વધારો થાય છે.
………………..
પૂજા સામગ્રી સાથે જોડાયેલી વાતોઃ-
 
પૂજામાં વાસી ફૂલ, પત્તા અર્પિત ન કરવા જોઈએ. સ્વચ્છ અને તાજા જળનો જ ઉપયોગ કરો. આ સંબંધમાં આ વાતનું ધ્યાન રાખવું યોગ્ય છે કે તુલસીના પાન અને ગંગાજળ ક્યારેય વાસી નથી માનવામાં આવતા. આથી તેનો ઉપયોગ ગમે ત્યારે કરી શકાય છે.બાકીની સામગ્રીઓનો ઉપયોગ તાજો જ કરવો જોઈએ. જો કોઈ ફૂલ સૂંઘેલું હોય કે ખરાબ હોય તો તે ભગવાનને અર્પિત ન કરવું જોઈએ. 
……………………
પૂજાના રૂમમાં ન લઈ જવી જોઈએ આ વસ્તુઓઃ-
 
ઘરમાં જે સ્થાને મંદિર હોય, ત્યાં ચામડાથી બનેલ વસ્તુઓ, જૂતા-ચપ્પલ ન લઈ જવા જોઈએ. મંદિરમાં મ-મૃતક અને પૂર્વજોના ફોટો પણ ક્યારેય ન લગાવવા જોઈએ. પૂર્વજોનું ચિત્ર લગાવવા માટે દક્ષિણ દિશા શ્રેષ્ઠ રહે છે. ઘરમાં દક્ષિણ દિશાની દિવાલે મૃતકોનું ચિત્ર લગાવી શકાય છે, પરંતુ મંદિરમાં ન રાખવી જોઈએ આ વસ્તુઓ.
પૂજા કક્ષમાં પૂજા સાથે સંબંધિત સામગ્રી જ રાખવી જોઈએ. અન્ય કોઈ વસ્તુ રાખવાથી બચવું જોઈએ
……………………
રોજ રાતે મંદિર ઉપર પડદો ઢાંકી દોઃ-
 
રોજ રાતે સૂતા પહેલા મંદિરનો પડદો ઢાંકી દેવો જોઈએ. જે રીતે આપણે સૂતી વખતે કોઈ પ્રકારનું વ્યવધાન પસંદ નથી કરતા એ જ ભાવથી મંદિર ઉપર પડદો ઢાંકી દેવો જોઈએ. 
…………………..
ખંડિત મૂર્તિઓ ન રાખોઃ-
 
શાસ્ત્રો પ્રમાણે ખંડિત મૂર્તિઓની પૂજા વર્જિત કરવામાં આવેલ છે. જે પણ મૂર્તિ ખંડિત થઈ જાય છે, તેને પૂજા સ્થળેથી હટાવી લેવી જોઈએ અને કોઈ પવિત્ર વહેતી નદીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ. ખંડિત મૂર્તિઓની પૂજા અશુભ માનવામાં આવી છે. આ સંબંધમાં એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે માત્ર શિવલિંગ ક્યારેય, પણ કોઈપણ અવસ્થામાં ખંડિત માનવામાં આવતું નથી.
………………………

દીધાં   આઠમને   વરદાન……રમેશ પટેલ(આકાશદીપ)  

 

 દીધાં   આઠમને   વરદાન

 ગાજ્યા ગગન અડધી રાત

 પ્રગટ્યા મથુરા, ધન તાત

 જગકલ્યાણી દેવકી  માત……કે બોલો જય ગોપાલ

 

 

  ચૂમી ચરણ દે યમુનાજી  લાડ

  પાક્યા પૂણ્ય જશોદા માત

  લાલે  પાવન  કીધાં ધામ

  પધાર્યા ગોકુળ થઈ નંદલાલ….કે બોલો જય ગોપાલ

 

  ગાજે  નોબત   આઠે  ઠામ

  ટહુક્યા મોર નાચતા ગ્વાલ

  નાચ્યા નંદજી  ઊડે ગુલાલ

  લાલો ઝીલે જશોદાજીના વ્હાલ…..કે બોલો જય ગોપાલ

 

  હીંચે   રેશમીયાની   ખાટ

  ઘેલી  ગોપ ગોપી હરખાય

  ઝૂમે હાથી  જ ઘોડા  ગાય

  ચાખે માખણ રે શ્રીનાથ……કે બોલો જય ગોપાલ

   રમેશ પટેલ(આકાશદીપ)

…………………………

શ્રાવણના સુખિયા રે સરવાળા……રમેશ પટેલ(આકાશદીપ)

હર   હર     બોલે  જલધારા
અંતર રટ ભાવે ઓમકારા
દે શત સુખ શિવ;   ભજમન જપમાળા
છે શુચિ શ્રાવણના સુખિયા રે સરવાળા

ઝળહળ એ જ્યોતિ સ્વરૂપા
અવતરે    નિરાકારની  કૃપા
ધ્યાને પ્રગટ ભયાં  આતમ  અજવાળાં
છે શુચિ શ્રાવણના સુખિયા રે સરવાળા

વાદળ વરસે હરખ ધરાના
અજન્મા ભરે નિત ભંડારા
શરણ    શીવજીના    સોડહમ     સાક્ષાત્કારા
છે શુચિ શ્રાવણના સુખિયા રે સરવાળા
રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

વૈભવ શરદના ખીલ્યા આભે

કચ્છ કસુંબલ દે તેડાંજી

શીતલ રજની ખીલી ચાંદની

આંગણ અમ પધારોજી

રૂડી રઢિયાળી રાતલડી ને

ધવલ પટોળે ધરા જી

નીરખી સુંદરતા રણની પ્યારી

હૈયાં ગયાં ઓવારી જી

આવો હતો કચ્છ રણોત્સવની પ્રથમ રાત્રીનો નજારો, જુઓ તસવીરો

 

A News…Thanks to Divyabhaskar…

કચ્છના સફેદ રણમાં રણોત્સવ ૨૦૧૪નો વિધિવત પ્રારંભ થઇ ગયો છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રણોત્સવને પ્રવાસીઓ માટે ખુલ્લો મુક્યા બાદ, પ્રથમ દિવસથી જ પ્રવાસીઓનો જમાવડો રણોત્સવમાં જોવા મળ્યો હતો. ૩૦૦ કરતા વધારે પ્રવાસીઓએ સફેદ રણનો નજારો નિહાળ્યો હતો.  કચ્છ કાર્નિવલને જાહેર જનતા માટે ખુલ્લું મુકતી વેળા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજની શીતળ ચાંદનીમાં સંગીત, નૃત્ય અને સફેદ રણની સુંદરતા નિહાળવા લાયક હતી.
 

દરવર્ષની જેમ આ વર્ષે પણ ટેન્ટ સિટીમાં ૩૫૦ જેટલા ટેન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો મધ્યમવર્ગથી માંડીને ધનિકો સુધીના તમામ લોકોએ લાભ લેવાની શરૂઆત કરી દીધી છે. આ વખતના રણોત્સવની ખાસ વાત એ છેકે તેમાં લાઇવ ક્રાફ્ટ મશીન રાખવામાં આવ્યું છે, જેમાં આવનારા પ્રવાસીઓને કચ્છની પરંપરાગત હસ્તકળાને શીખવા અને નજીકથી જાણવાની તક મળશે.

શરદ તારું  રૂપ ખીલ્યું રઢિયાળું….રમેશ પટેલ(આકાશદીપ)

 

શરદ તારું  રૂપ ખીલ્યું રઢિયાળું

ચાંદલીયો મારો સાંવરો રે લોલ

 

નભે સજ્યું ધવલું અંગ પટોળું

ગગન લાગે સુખલડું રે લોલ

 

પૂનમિયો ચાંદલીયો ચમકીલો

રૂડો કાલિન્દીનો કાંઠડો રે લોલ

 

ગોપીઓને ખેલાવે ખેલે રૂપાળો

ચૌદ લોક માણે રાસડો રે લોલ

 

ભાવે ભીંજવે આજ શ્યામ છોગાળો

શરદ રાણી સોહામણી રે લોલ

 

જમો દૂધ પૌંઆ મીસરી પ્રસાદી

હૈયે  હરખનાં  હેલડાં  રે  લોલ

…………………………

ગગન શરદનું…રમેશ પટેલ(આકાશદીપ)

 

છંદસ્ત્રગ્ધરા

ધીરે ધીરે ઢળે  રે, ગગન શરદનું, સાંજ લાગે  સજીલી

ડોકાયો ચાંદ ગોરો,ધવલ રૂપલ એ ,વ્હાલ ઢોળે ઉરેથી

શ્વેતાંગી પાવની એ, મનહર સરિતા, વૈભવી દર્શની એ

હૈયાં ઝીલે સુધાને, પરિમલ મધુરો, સ્નેહથી ભીંજવે  રે

 

રેલાયે  રેત  પાટેગગન  ઘટ  અમી ચાંદની  રૂપેરી

ઊઠે  જોમે  લહેરો, જલધિ  જલ  રમે, વિંટતી સ્નેહ વેલી

વ્યોમે છાયી મજાની, ઋતુ શરદ ભલી, રાતડી પૂર્ણ રાણી

ઝૂમે  વૃક્ષો  રમંતાં, કુદરત  હરખે,   વાહરે  આ  ઉજાશી

 

શોભે  તૃપ્તિ  ભરીને, શરદ જન ઉરે, અમૃતાની  કટોરી

કાલિન્દી રાસ લીલા, શરદ ઉજવણી, બંસરી કોણ ભૂલે?

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

મેળે ઝટ જઈએ..રમેશ પટેલ(આકાશદીપ)

ગુજરાતના ત્રણ જગ વિખ્યાત મેળા…જૂનાગઢનો શિવરાત્રીનો મેળો, માધવપુરનો મેળો ને તરણેતરનો મેળો(ચોટીલા તાલુકો). દેશ પરદેશને આ મેળાનું જબરું ઘેલ. ગામે ગામ , કોઈ ને કોઈ નિમિત્તે, મેળા ભરાય ને મેળાની મજા જ કોઈ અનોખી. અમેય મેળાને મનભરી માણ્યા છે..’શામળાજીને મેળે રણઝણીયું રે પેંજણીયું વાગે’ હજુય કાનમાં પડઘાય છે. મેળો એટલે ત્રિવેણી સંગમ..યુવાનીનો ઉન્માદ, સંસ્કૃતિ ને તિર્થસ્થાનોની આસ્થા.હરખનો કુદરતી આનંદ , ફેશન, છૂંદણાં,સંગીત..પાવો કે વેણુંના નાદને ગજવતો મેળો એટલે જ ભારતીય લોકસંસ્કૃતિ…ઘમ્મરીયાળી છત્રી….લોક નૃત્ય..લોકકળા સાથે  લોક ઊર્મિની અભિવ્યક્તિ…આજે આધુનિકતામાં ઝંખવાતું જાય છે…જેણે એ માણ્યું એ યાદભર્યું નઝરાણું લાગે…મન ગાઈ ઊઠે જ..

હાલો જુવાનીયા તરણેતરના મેળે જો,

તરણેતરિયો મેળો જોવાની જુગતિ..

  અમે આવું જ એક લોકગીત બહુ પહેલાં એક કાર્યક્રમમાં સાંભળેલ.  …..એના તાલે અમે પણ મેળામાં પહોંચી આ ગીત રચેલ.

(Thanks to webjagat for this picture)

 

કે મેળે ઝટ જઈએ…રમેશ પટેલ(આકાશદીપ)

ઊડે  રેશમિયા રૂમાલ 

છાયા આકાશે ગુલાલ 

કે    મેળે   ઝટ    જઈએ…(૨)

  

વગડે  વાગ્યા મોટા ઢોલ 

છેડે   પાવો  મીઠા  બોલ 

હૈયે  હરખ્યાંજી  રે  ગીત

ગાડે   ઘૂઘરીયાં   સંગીત  

કે  મેળે   ઝટ     જઈએ…(૨)

  

માથે    પાઘડીયું   સોહાય 

મુખડું  મલક  મલક  થાય 

કસકસ જોબનીયું  છલકાય 

છપનું    હૈયું   રે  હરખાય 

કે   મેળે   ઝટ   જઈએ…(૨)

  

ગાજે   કિલકારીના   નાદ 

ભેરુઓ  ઉછાળે   રે  ડાંગ 

તાલે   ગરબિયું    ગવાય 

છત્તર ઘમ્મર ઘમ્મર થાય 

કે  મેળે  ઝટ   જઈએ…(૨)

  

ચડ્યું  મનડું  રે  ચગડોળ 

આંબે  બોલે  કોયલ  મોર 

ઝાંઝર  ઝમકે   કરી  જોર 

વાલમ સાંભળ રે આ શોર 

કે  મેળે   ઝટ   જઈએ…(૨)

  

ભમજો  ભોળા આવી ખાસ

રૂડા    જમાવજો   રે  રાસ 

કોણે  ઉભરાવ્યા   આ  જામ
મારે  ચીતરાવાં    છે  નામ 

કે  મેળે  ઝટ  જઈએ…(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

 

Read Full Post »

ઋતુ ઋતુના કામણ..દેશે દેશે જુદા. હિમવર્ષાના વધામણા અમેરિકન ખંડ માણી રહ્યું છે. નોર્થમાં બડબડાટી સાથે ઘર આંગણે બરફ તો કેલિફોર્નીઆમાં ડુંગરા હિમાલયની ઝાંખી દેવા થનગની રહ્યા છે, ટૂંકા દિવસો ને ઠંડી  એટલે ઘરમાં રહેવાનો ફરજિયાત ઓર્ડર. ઘરની બહાર સુંધી બરફ તો ઘરમાં જ નજર કેદ…ઘર એકાન્તય ખરું જો વીજળીના અભાવે ટી.વી.જ બંધ હોય. આવો આવી એકાન્તની વાતોમાં ડૂબીએ…
(Thanks to webjagat for this picture)
એકાન્તમાં….રમેશ પટેલ(આકાશદીપ)
ગઝલ..છંદ-મદીદ
 
કષ્ટ કોલાહલ તણા સર્જતા અજંપા ઘણા
શ્રેષ્ઠ  સર્જન  જગતનું   ફૂટતું  એકાન્તમાં
 
 
થાય ભાટાઈ જ, ભેળાં મળે અળવીતરાં
પૃથકતા પામો, પટાક પટતું  એકાન્તમાં
 
 
સંગ   સૂર્યોદય   રમે   ભ્રમણાઓ   ભૂખડી
જ્યાં ઢળે આ રાતડી જ શમતું એકાન્તમાં
 
 
ભાર  લાગે  ભાંજગડના સદા અંતરમહીં
નીરવ  મને  શ્રેય સૌ ટપકતું એકાન્તમાં
 
 
તોછડાતાં   તરફડે  કમનસીબી  આયખું
રાખ જીગર ખાળ એ સબડતું એકાન્તમાં
 
 
વેરના આતશ  શમે પ્રેમની જલધારમાં
વાત  વ્હાલી  ફૂલડું   ઘૂંટતું   એકાન્તમાં
 
 
ખૂબ ખેલ્યા ખોટના કપટ ધીંગાણા જગે
છોડ મદ, જાશે મળી ખૂટતું  એકાન્તમાં
 
 
રંગ  વાતાવરણમાં  ગજબના  છાયી ગયા
ભાગ્યશાળી! રટ જ ગીત ગમતું એકાન્તમાં
 
 
માણવા ઓ ‘દીપ એકાંતવાસો મનભરી
લૂંટજે   લાખેણ  રબ  જાગતું  એકાન્તમાં
 
રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

Bhaktivedanta Swami….

Bhagavad-gita is universally renowned as the jewel of Indias’s spiritual wisdom.

Mahatma Gandhi…

” When doubts haunt me, when disappointments stare me in the face, and I see not one ray of hope on the horizon, I turn to Bhagavad-gita and find a verse to cmfort me; and I immediately begin to smile in the midst of overwhelming sorrow. Those who meditate on the Gita will fresh joy and new meanings from it every day.”

 

જ્ઞાન  ગીતા

(Thanks to webjagat for this picture)

 

ધર્મ  ક્ષેત્રે  કુરુ  ક્ષેત્રે  છે  દિન માગસર  સુદ એકાદશી
શ્રીકૃષ્ણ  મુખે  વહી  દિવ્ય  જ્ઞાન  ગીતા  અવિનાશિની
પ્રબોધ્યું દર્શન પાર્થને અઢાર અધ્યાયે સાતસો શ્લોકમાં
છેદ્યાં  સંશય, ઉઘાડ્યાં  દ્વાર  ભક્તિ કર્મ  બ્રહ્મ  યોગનાં

આદરણીય શ્રી નરેન્દ્રભાઈ (કેપ્ટન)  આપેલ ભેટ…કૃષ્ણ અને માનવ સંબંધ(હરિન્દ્ર દવે) માંથી થોડુંક સંકલન માણીએ.

શ્રીમદ ભગવદ ગીતા…..ના અધ્યાયમાં આવતા શબ્દ સમૂહની ઝાંખી…
ગીતા શબ્દને બે વિશેષણ –શ્રી સાથેની અને કલ્યાણ કરનારી.
 બ્રહ્મવિદ્યા-જે જ્ઞાન પામ્યા પછી બીજું કશું જ પામવાનું રહેતું નથી એવું પરમ જ્ઞાન. ..એટલે કે વિદ્યા.
યોગ શાસ્ત્રે- યોગને શાસ્ત્ર કહ્યું કારણકે શિસ્તની જરુર છે.
શ્રી કૃષ્ણાર્જુન સંવાદે–કૃષ્ણ અને અર્જુન..નારાયણ અને નરનાં પ્રતિક છે.
………………………………………..
ઝેન સાધુઓ, સૂફી મહાત્માઓ કે અલગારી અભ્યાસી ખ્રિસ્તી સંતો ને ગીતામાં
તેમની ફિલોસોફીનો માર્ગ નજરે પડે છે…

ન કર્તૃત્વં ન કર્મણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ
ન કર્મફલસંયોગં સ્વભાવસ્તુ પ્રવર્તતે||
(ગીતા-૫;૧૪)

પ્રભુ જીવો માટે , લોકો માટે કર્તૃત્વનું કે કર્મનું સર્જન કરતો નથી, એટલું જ
નહીં એ કર્મ તથા ફળ વચ્ચેના સંબંધને પણ જોડી આપતો નથી.તો આ સઘળું
શેનાથી થાય છે? સ્વભાવ-પ્રકૃતિથી. પ્રકૃતિ, તેના ત્રણ ગુણો અને તે વિશેનું
અજ્ઞાન એ જ માયા છે.પ્રભુતો કોઈના પાપ કે કોઈના પુણ્યને સ્વીકારતો નથી.
આ જ્ઞાન થાય ત્યારે જ પ્રકૃતિગત અજ્ઞાન નાશ પામે છે.
………………………………………

જે સર્વત્ર મને જુએ છે અને સર્વને મારામાં જુએ છે, તેને હું પરોક્ષ થતો નથી,
એટલે કે હું હમેશાં તેની પ્રત્યક્ષ રહું છું(ગીતા-૬;૩૦)
સર્વ વિભૂતિઓમાં જે કંઈ શ્રેષ્ઠ છે એ પ્રભુનો અંશ છે.

……………………

યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિઃ ભવતિ ભારત ।
અભ્યુત્થાનમ અધર્મસ્ય તદા આત્માનં સૃજામિ અહમ ।।
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ ।
ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યગે ।।
અર્થાત્ જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનો ફેલાવો થાય છે. ત્યારે હું સ્વયં જ્ન્મ ધારણ કરું છું. સજ્જનોની રક્ષા, દુષ્ટોના વિનાશ અને ધર્મની પુનઃસ્થાપના માટે હું દરેક યુગમાં અવતરિત થતો રહું છું. જ્યારે પૃથ્વી પર અધર્મનું સામ્રાજ્ય છવાઇ જાય છે. ધર્મનો ક્ષય થાય છે ત્યારે ધર્મની પુનઃ સ્થાપના કરવા, ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પૃથ્વી પર અવતાર ધારણ કરે છે.

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

………………………………………………………………………..

કોને   ખબર ,  કોને  ખબર , કોને   ખબર?
વ્યથા  સંશયથી વ્યગ્ર  કેમ માનવી ભીતર

ત્યાંતો  સૂણ્યો  ટહુકો , જ્ઞાન  ગીતાનો  મધુર
ભૂલી  દ્વેષ  જ્ઞાન યોગ લાધ્યું  સૌને  સુમધુર  

છેદાયા સમગ્ર ભેદ, વિસરી સ્વાર્થના અંતર
પરસ્પર  સ્નેહ  શ્રધ્ધાની વહી ગંગા નિરંતર

ધન્ય ધન્ય દાદા પાંડુંરંગ, રંગી દીધાં અમ તનમન
જ્ઞાન પ્રકાશે આદરી યજ્ઞ, પ્રગટાવી ચેતના જનજન
રમેશ પટેલ(આકાશદીપ)

…………………………

શ્રી કૃષ્ણ  વદે, સુણ અર્જુન સખા,ગીતા  છે મમ હૃદય
સોંપી  લગામ  પ્રભુને હાથ , આવી  જા  તું મમ શરણ

આત્માને   અમર  જાણ, દેહની  નશ્વરતાને  પહેચાન
થા  તું   મુક્ત  મોહ  માયાથી   લઈ   ગીતાનું   જ્ઞાન

સુણ   પાર્થ , જીવન મરણને  જાણ  પૂર્ણ પુરુષોત્તમ  હાથ
થા માત્ર  નિમિત્ત, કરવા સઘળાં  કલ્યાણી ઈશ્વરીય કામ

અર્પણ કર કર્તાને સર્વ કર્મનાં બંધન, કર્તવ્ય ધર્મ નિભાવ
ત્યજી   આસક્તિ, યોગ    સ્થિત થઈ   લે ગાંડીવ તુજ હાથ

તું   છે   મારો   ભક્ત   સખા   ને , જ્ઞાન    વીર   ધીર    ભૂપ
હું જ કાળ, હું જ નિયંતા, નીરખ પાર્થ મમ મહાકાળનું રુપ

રમેશ પટેલ ‘આકાશદીપ’

……………………………

રમાડતો ભાળું તને

હું દોડાવું  જિંદગીને, કે  જિંદગી  દોડાવે મને
ઝાંખું અંતર ચક્ષુએ તો,  રમાડતો  ભાળું તને
 
 
આટાપાટા હું  રમું, ને  કોઇ રમાડી જાય  મને
હિસાબ  કરવા માંડું, ત્યાંતો હસતો  ભાળું તને
 
 
લટકાવું  કંઠે  યશ  ઈલકાબો ,   ને  ગર્વથી ભમું
કોઈ ખેંચે ટાંટીયાને ,સીડી ખસેડતો  ભાળું તને
 
 
આ મારું પેલુંય મારું, કહી  રાતદિન મથ્યા કરું
જાય જમી કોઈ તાકડે, ને ઓડકારતો ભાળું તને
 
 
વાત માંડું  સંબંધોની , પણ રમાડું  સ્વાર્થ  સદા
ભોગ ધરી માગું  જ્યાં,ભલો શરમાતો ભાળું તને
 
 
દેહ  મોંઘો   માનવનો , છે  દેવનેય  દુર્લભ  રે
સત પંથીને હેતે અક્ષરે , બોલાવતો  ભાળું  તને
 
 
પ્રેમ કરુણા  ને અહીંસાથી, જો  ઉભરે  જીંદગી
યુગોયુગોથી સાચો , સારથી  થાતો ભાળું  તને
 
 
વિસ્તરતો જઈ ફૂલી ફાળકે,  ‘દીપ  મોટો  થયો
વર્તુળ  બનાવી  શૂન્યમાં, રમાડતો  ભાળું  તને
 
 
રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

 

 

આદરણીય રેખાબેન સિંઘલ…મળવા જેવા માણસ..કે હળીમળી જતું વ્યક્તિત્ત્વ…ના ઓળખે એ નાત બહાર. પણ આવો સુંદર પરિચય તો શ્રી પી.કે.દાવડાજી આલેખે , ને આપણે મળવા જવા કેમ ન દોડી જઈએ?…સાહિત્યની સરવાણી હૃદયમાં રમાડતી તેમની પ્રતિભા ને લગન એ સાચે જ ગૌરવ છે….અભિનંદન સુશ્રી રેખાબેન અને પરિવારને.

સંકલન- રમેશ પટેલ(આકાશદીપ) 

ભિન્ન-અભિન્ન(રેખાબહેન સિંધલ)

તમને ગમતો રંગ લાલ-ગુલાલ
અમને લીલી નાગરવેલ

તમને ગમતું સોનેરી પ્રભાત
અમને રઢિયાળી રાત

તમે ગહન-જળે તરતા
અમે રેત કિનારે રમતા

તમે ભ્રમર, રસના ચાહક
અમે ફૂલ-પરાગના વાહક

ચાલ રમીએ હૂ-તૂ-તૂ-તૂ સાજન
તાળીના તાલે ચોગમ મહાજન

તમે ધસતા પૂર આવન
અમે પારોઠ પગલે જાવન

 

Mrs.Rekhaben Sindhal

Mrs.Rekhaben Sindhal

મળવા જેવા માણસ-૩૪ (રેખાબહેન સિંધલ)

રેખાબહેનનો જન્મ ૧૯૫૬ માં ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ ગામે થયો હતો. એમના પિતા મેટ્રીક સુધીનો અભ્યાસ કરી મામલતદારના હોદ્દા સુધી પહોંચેલા, જ્યારે માતા અભણ હતા. પિતાએ રીટાયર્ડ થયા બાદ ગીરમાં કેસર કેરીનો બગીચો બનાવ્યો હતો, અને આમ કરનારા એ જીલ્લાના પ્રથમ ખેડૂત હતા.

રેખાબહેને સાતમા ધોરણ સુધીનો અભ્યાસ વેરાવળની જે.પી. પ્રાથમિક ખાનગી શાળામાં કરેલો. તેઓ જ્યારે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે જ એમના માતા-પિતાએ એમનું સગપણ નક્કી કરી દીધું. ત્યારે તેમની ઉમ્મર માત્ર દસ વર્ષની હતી. આઠમા ધોરણથી S.S.C.સુધીનો અભ્યાસ વેરાવળ ગર્લ્સ હાઈસ્કૂલમાં કર્યો અને ૧૯૭૧ માં તેમણે S.S.C. પરીક્ષા પાસ કરી. શાળાના અભ્યાસ દરમ્યાન રેખાબહેન ગણિત, ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃતમાં હંમેશાં સૌથી આગળ રહેતા.

S.S.C. માં ઉત્તીર્ણ થઈ એમણે રાજકોટની માતુશ્રી વીરબાઈમા મહિલા કોલેજમાં અભ્યાસ કરી, ૧૯૭૬ માં Micro-Biology વિષય સાથે B.Sc. ની ડીગ્રી પ્રાપ્ત કરી. B.Sc. નું છેલ્લું વર્ષ બાકી હતું ત્યારે જ, ૧૯૭૫ માં, એમના લગ્ન કરી દેવામાં આવ્યા. સાસરિયાની ઉતાવળને લીધે રેખાબહેનના માતા-પિતાને આવું કરવું પડેલું. આનાથી નારાજ થઈ, રેખાબહેને ભણવાનું અધવચ્ચે જ છોડી દેવાનું નક્કી કરેલું, પણ અભણ છતાં હૈયાંસુઝ વાળી માતાએ શીખામણ આપી કે ભણતર નહિં હોય તો ખેતરોમાં મજૂરી કરવી પડશે, માટે ભણતર પૂરૂં કરી લે. રેખાબહેને આ સલાહ સ્વીકારી લઈ અભ્યાસ પૂરો કર્યો.

Mrs.Rekha Sindhal-2

   (રેખાબહેન અને એમના પતિ શ્રી પ્રતાપભાઈ)

૧૯૭૬ માં B.Sc. ની ડીગ્રી મેળવ્યા પછી આગળની કારકીર્દીનો વિચાર કરે તે પહેલાંજ, એટલે કે ૧૯૭૭ માં એમણે બેલડાની બે દિકરીઓને જન્મ આપ્યો. દિકરીઓ ત્રણ-ચાર વર્ષની થઈ એટલે તરત જ, શિક્ષકની નોકરી માટે અત્યંત જરૂરી એવી B.Ed. ની પરીક્ષા ૧૯૮૧ માં પસાર કરી. કુટુંબની વિચાર સરણીને અનુરૂપ થવા, ઉદ્યોગમાં સારી નોકરી મળતી હોવા છતાં એમણે  શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી. ૧૯૮૫ માં એમણે ત્રીજી દિકરીને જન્મ આપ્યો. ૧૯૮૯ સુધી શિક્ષક તરીકે કામ કર્યા બાદ, પોતાના અને સંતાનોના સારા ભવિષ્ય માટે અમેરિકા ભણી દૃષ્ટી કરી. ૧૯૮૯ માં અમેરિકા સ્થિત એમની બહેને Sponsor કરેલા Visa હેઠળ એમને ગ્રીનકાર્ડ મળતાં પતિ અને ત્રણ દિકરીઓ સાથે અમેરિકા આવી ગયા.

અમેરિકા આવ્યા બાદ એક-દોઢ મહિનામાં જ પતિ-પત્ની બન્નેને નોકરીઓ મળી જતાં અમેરિકામાં જીવનની શરૂઆત થઈ ગઈ. રેખાબહનને Medical Technologist તરીકે Clinical Laboratory માં કામ મળ્યું. અહીં કામ પ્રત્યેની ઇમાનદારી, સખત મહેનત, નવું નવું શીખવાની ધગસ વગેરેને લઈને જીવનમાં સ્થિરતા આવવા લાગી. અમેરિકનોની જેમ અંગ્રેજી બોલતાં શીખવા એમણે ખાસ વર્ગોમાં પ્રશિક્ષણ લીધું. ૧૯૯૪ સુધી આ ક્રમ જારી રહ્યો.

 

આ સમયગાળામાં એમણે ગુજરાતી ભાષા પ્રત્યેના એમના પ્રેમને વાચા આપવાનું શરૂ કર્યું, એટલું જ નહિં પણ અમેરિકા સ્થિત અનેક ગુજરાતી સંસ્થાઓ સાથે જોડાઈ અને એમના કાર્યોમાં સહભાગી થઈ અનેક લોકોનો પ્રેમ સંપાદન કર્યો.

૧૯૯૪ થી ૧૯૯૮ સુધી એમણે Chiorn કંપનીમાં Quality Control Technician તરીકે કામ કર્યું. આ દરમ્યાન એમણે New England ના ભારતીય વિદ્યાભવનના Public Relation કાર્યકર તરીકે પણ સેવાઓ આપી. ગુજરાતી સાહિત્ય રસિકો સાથે મળીને એમણે રમેશ પારેખ, અનિલ જોષી, વિનોદ જોશી, આદિલ મનસુરી જેવા કવિઓને સાંકળી લઈને કવિ ચંદ્રકાન્ત શાહ સાથે કવિસંમેલનોનું આયોજન કર્યું અને તારક મહેતા અને મનુભાઈ પંચોલી જેવા મહાનુભવોના કાર્યક્રમો યોજવામાં અગ્રેસર રહી  ગુજરાતી પ્રજાને એનો લાભ આપ્યો.

૧૯૯૭માં રેખાબહેનના કુટુંબે બોસ્ટનથી નેશવિલે-ટેનેસી સ્થળાંતર કર્યું અને ત્યાં એક Mini Market ચલાવવાનું શરૂ કર્યું. ૨૦૦૧ થી ૨૦૦૩ સુધી Vanderbilt University ના Pediatric cardiology માં Research Assistant તરીકે કામ કર્યું. અહીં એમણે DNA અને DNA cloning નો અનુભવ મેળવ્યો. આ સમયગાળામાં પણ એમણે Non-profit સામાજીક સંસ્થાઓમાં સેવાઓ આપી અને સારા કામો માટે સંસ્થાને રકમ જમા કરવામાં મદદ કરી.

૨૦૦૫ માં રેખાબહેનને OUR LAB તરફથી Best trainer at a research and medical laboratory award આપવામાં આવ્યો. હવે એમણે વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન્સ આપવાની શરૂઆત કરી. ૨૦૦૭ થી ૨૦૦૯ ની વચ્ચે આ પ્રવૃતિને વેગ આપી પોતાના નિવાસસ્થાને વર્ગો ચલાવવાનું શરૂ કર્યું. સાથે સાથે ૨૦૦૭ માં South Asian Heritage Group ની સ્થાપના કરી સંગીતકાર શેખર સેનને ‘કબીર’ના મોનો એક્ટ માટે સ્પોન્સર કર્યા તેમજ પરેશ રાવલના નાટકો યોજ્યા. અને અમેરિકનો સહિત ભારતિય લોકો માટે લાયબ્રેરી અને Cooking classes શરુ કર્યા. ૨૦૦૮ માં એમણે રીડ ગુજરાતીની વાર્તા સ્પર્ધામાં બીજું ઈનામ મેળવ્યું. ૨૦૦૮ માં જ પોતાનો સ્વતંત્ર બ્લોગ www.axaypatra.wordpress.com  અને South Asian Heritage Group માટે www.southaasianheritagegroup.com વેબ સાઈટ શરૂ કરી. રેખાબહેનના લખાણોની મજા માણવી હોય તો એમના બ્લોગની મુલાકાત જરૂર લેજો. એમણે ત્રણ વર્ષ સુધી GAMT (Gujarati Association of Middle Tennessee–a non profit organization) નું ટ્રસ્ટીપદ પણ સંભાળ્યું.

૨૦૧૨ માં Mathfactorial નામ આપી લાયસન્સ સાથે ગણિતના વર્ગો શરૂ કર્યા. ૨૦૧૧ મા એમને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ‘મારો અવિસ્મરણીય અનુભવ લખવા’ માટે પારિતોષિક આપવામાં આવ્યુ. ૨૦૧૧ માં જ એમણે મુંબઈની SNDT યુનિવર્સીટીમાંથી ગુજરાતી વિષય સાથે M.A. ની ડીગ્રી પ્રાપ્ત કરી. ૨૦૧૩ થી વેબ ગુર્જરીની સાહિત્ય સમિતિમાં જોડાયા બાદ  એક વિભાગના સંપાદનનું કાર્ય સંભાળી લીધું. ૨૦૧૩ માં એમની એક વાર્તા ઓસ્ટ્રેલીયાના રેડિયો સીડની ઉપર પ્રસારિત કરવામાં આવી, આ અગાઉ ૧૯૮૨ માં પણ આકાશવાણી રાજકોટ ઉપરથી યુવાવાણી કાર્યક્રમમાં ઉત્તમ શિક્ષક વિષે એમનો એક વાર્તાલાપ પ્રસારિત થયો હતો.

રેખાબહેનમાં લીડરશીપના ગુણો તો શાળાના સમયથી વિકસતા રહેલા, તરૂણ વયે જ ફાધર વોલેસ જેવા ફીલોસોફર સાથે નિયમિત પત્રવ્યહવાર પણ કરતા. મુશ્કેલીઓ સામે લડી લેવાનું વલણ એમણે નાનપણથી કેળવેલું. ગરીબી, ભેદભાવ, અવગણના વગેરે રૂકાવટોને ઓળંગી જઈ, જીવનમાં એમણે જે પ્રગતિ કરી છે એ જોઈને સહેજે જ મારો હાથ એમને સલામ કરવા ઉપડી જાય છે. ફક્ત વીસ ડોલરની નોટ સાથે અમેરિકા આવ્યા બાદની મનોદશા વ્યક્ત કરતાં રેખાબહેન કહે છે, “અહીં અમેરીકા આવ્યા ત્યારે શરૂઆતમાં તો ખોવાઈ ગયા જેવી દશા! એક મહિનામાં નોકરી ન મળે તો માથે કરજ લઈ વીલા મોંએ દેશ પાછું ફરવાનું હતું. ભાષાનો પ્રશ્ન સૌથી મોટો! પાસે કાર નહી (અમેરિકામાં કાર વગરનો માણસ એટલે કેદી). દીકરીઓને ઘરે એકલી રખાય નહી.  ભાઈ-બહેન સાથ આપતા હતા પણ એ ટેમ્પરરી વ્યવસ્થા હતી મુંઝવણનો પાર નહી.. કેમ કરીશું ? એ પ્રશ્ન અજગરની જેમ ભરડો લઈને ભીંસતો હતો…આખરે મને લેબોરેટરીમાં રાતની નોકરી મળી કે તરત કારના હપ્તા શરૂ કર્યા. દિવસે દીકરીઓને માટે હું ઘરે રહું અને મારા પતિ કામ પર જાય. બંનેએ તનતોડ મહેનત કર્યા વગર છૂટકો ન હતો, કારણ કે મારા પતિ પાસે ઉચ્ચ ડીગ્રી ન હતી અને આજીવિકા માટેના પૈસાની જરૂર માટે પરમાત્મા  સિવાય કોઈનો આધાર નહી. ધીરે ધીરે આર્થિક તકલીફના વાદળો વિખરાવા માંડ્યા, પણ યુવાન દીકરીઓ અને ભિન્ન સંસ્કૃતિ ! એક ઘડી ય રેઢી મૂકતા મન ન માને એટલે સાહિત્ય કે શિક્ષણમાં ડૂબવું પોસાય નહી..વળી એમના કોલેજના શિક્ષણ માટેની વ્યવસ્થાની ચિંતા તો ખરી જ ! પરણાવવાની ચિંતાને તો દૂર જ રાખી હતી પણ આ બધી સાંસારિક ચિંતાઓ જે બધાને જ હોય છે તે પરદેશની ભૂમિ પર અજાણ્યા સમાજ વચ્ચે અનેક ગણી વધી જાય છે તે દેશવાસીઓ ન સમજાય તેવી વાત છે.”

Mrs.Rekha -3

(રેખાબહેનના દોહિત્ર અરમાન અને રોનિત)

આજે પ્રભુ કૃપાએ રેખાબહેનનો સંસાર સુખી છે. બે દોહીત્ર સાથે અતિ આનંદની પળો પસાર કરતા રેખાબહેન સામાજીક અને સાહિત્યની પ્રવૃતિઓમાં ઉમંગની ભાગ લે છે. સ્વભાવે ખૂબ જ ઊર્મિલ રેખાબહેન જીવનની ફીલોસોફી તરીકે કહે છે, “  જીવન એક આધ્યાત્મિક સફર છે અન્ય જીવનયાત્રીઓ સાથેના સંબંધોમા આપણે આપેલા ભાવોના એવા જ પ્રતિભાવો આપણને મળે છે તેથી જો શુદ્ધ ભાવો આપીએ તો શુદ્ધ સંબંધો વીકસે. અન્યના દોષો જોવાથી આપણા પોતાના અંતરની શુદ્ધિ જ આપણે ગુમાવીએ છીએ. અન્યના ગુણ અને પોતાના દોષ જોવાની દ્રષ્ટિ કેળવવાથી દિલમાં પ્રકાશ પથરાય છે.”

પી. કે. દાવડા

Read Full Post »

« Newer Posts