કેલિફોર્નિયામાં વસંતના રંગે ખીલી ઝૂમતી વનરાજીનાં દર્શન અત્યારે ખૂબ જ મનભાવન છે. ઢળતી સંધ્યાએ , ડુંગરાના ઢોળાવ પર વસેલા નગર કરોનાના , વોક વે પર ચાલવા નીકળીએને , મંદમંદ પવન વ્હાલ ઢોળે, ત્યારે આ વસંતની મજાની મજા મનને ડોલાવી જાય. વૃક્ષોના વૈવિધ્યસભર પાનના આકારો અને ફૂલો નીરખી , આ જગત નિયંતાની મહાલીલા જોઈ તેમનાં અનંત દર્શનનો મહિમા સમજાઈ જાય. હવે દિવસ ટૂંકો થઈ , પાનખરના વાયરા વહેવાના શરૂ થશે ને શીતલતાનો કંબલ ધરા ઓઢતી જશે.ચાલો ઠૂંઠવાતા પહેલાં આ વસંતના વાયરા ઝીલી લઈએ…
રમેશ પટેલ(આકાશદીપ)
(Thanks to webjagat for this picture)
નામ એનું વસંતી….રમેશ પટેલ(આકાશદીપ)
છંદ-મંદાક્રાન્તા
આવી રે આ, ઋતુ રૂપલડી, નામ એનું વસંતી
ઝૂમે જોને, પરિમલ સજી, અંગ લીલાં સુગંધી
ખીલે સોળે, કુદરત રૂડી, ઘૂમતી વન્ય રંભા
કેવાં શોભે, કુસુમ ભરણાં, સૌરભી ધન્ય રંગી
આવો પંખી, ષટરસ ફળે, સ્વાગતો છે સુભાગી
વ્હાલાં લાગે, કલરવ વને, ગીત છેડો ઉરેથી
બાંધી માળા, રમત રમજો, બાલ સંગે વિહંગો
કે વા મીઠા , ઉરલ ટહુકા, ને લચે સૌ સુખેથી
દે સંદેશા, છૂપલ ટહુકા, ગાવ ને ગીત સાથે
આશ્લેષે આ, હરખ ધરતું, કોણ આ પ્રીત ઓથે
હૈયાં ઝૂમે, નયન ઉભરે, મસ્ત મસ્તી સજેલાં
શ્રેષ્ઠા શોભે , મઘમઘ થઈ, વિશ્વ આખું નવોઢા
ભાવોલ્લાસી, હૃદય સરસી, વાહ વાત્સલ્યધાત્રી!
વાસંતી ઓ, સુરભિજડિતા, મગ્ન ડૂલ્યો હું યાત્રી
રમેશ પટેલ(આકાશદીપ)
ભારતના શહેરો અને અમેરિકાના શહેરોમાં આ જ તો મોટો ફરક છે. અમેરિકામાં શહેરોમાં પણ વસંત માણવા મળે છે, જ્યારે ભારતમાં એ જ કોંક્રીટ જંગલ, લાઈટના થાંભલા અને કચરાથી ભરેલા રસ્તા.
મબ્નેતો આઓઅના કુદરતના વર્ણનો બહુજ ગમે છે અને જ્યારે જ્યારે આપની કવિતઓ વાચુ ત્યાર ત્યારે બી.એ. અને એમ. એ.ના ક્લાસમા કવિ કાંત અને કવિ કલાપીના કવ્યસંગ્રહો ભણતા તે વાતાવરણ ખડું જ થઇ જાય છે.
વસંતને વધાવતી એક વધુ છંદ બદ્ધ કાવ્ય રચનાનો આસ્વાદ લેવાની લિજ્જત લીધી .
આ કાવ્ય રચના અનીલાબેને કહ્યું જાણીતા કવિઓની યાદ અપાવે એવી સુંદર છે .
અભિનંદન અને ધન્યવાદ .
ખુબ જ સુંદર વાસંતિ રચના .અહી તો પાનખર શરુ થઇ ગઈ
આવી રે આ, ઋતુ રૂપલડી, નામ એનું વસંતી
ઝૂમે જોને, પરિમલ સજી, અંગ લીલાં સુગંધી
ખીલે સોળે, કુદરત રૂડી, ઘૂમતી વન્ય રંભા
કેવાં શોભે, કુસુમ ભરણાં, સૌરભી ધન્ય રંગી
વસંત ને વધાવતી ખૂબજ સુંદર રચના. ભારતના અમૂક રાજ્ય અને શહેરમાં પણ આવી જ સુંદર વસંત આપણે માણીએ છીએ… વતનની વસંતની યાદ અપાવી ….