જન્મ દિવસની પાર્ટીમાં , શાળામાં સાથે ભણતા બાળ દોસ્તોને ઘેર બોલાવી ,
આનંદથી એકબીજાની સાથે રમતા, અનેક દેશોમાંથી આવી અમેરિકન
વસાહતી બનેલાઓને , જોવા અને માણવા એ પણ એક લ્હાવો છે. સાચે જ
નિર્દોષ બાળપણ એ પ્રભુની દિવ્ય પ્રસાદી છે.
ટીવી પર ‘વી ‘ ગેમ્સ દ્વારા ડેન્સની મજા માણતા અને આઈ પેડના ગેમ એક્સપર્ટ્ની
સાથે બેક યાર્ડમાં રેન્ટ પર લગાવેલ ‘જમ્પર’ માં ઉછળતા બાળપણના લ્હાવા લેતા,
બાળકોનો આનંદ જોઈ , દિલ ખુશ થઈ ગયું. જીંદગીની અમૂલખ ક્ષણોની મજા તેઓ માણી રહ્યા હતા.
પ્રસંગને માણતાં આજે બચપણ ને ગીતમાં યાદ કરી લીધું…
(Thanks to webjagat for this picture)
બચપણ…….રમેશ પટેલ(આકાશદીપ)
છંદ- શિખરિણી
ચહેકે આનંદે, બચપણ હસી, કષ્ટ હરતું
રમે એ મસ્તીથી, હરપળ ધસી, હર્ષ ધરતું
પ્રસાદી તું મોટી, વિમલ મધુરી, ફૂલ સરખી
મઢે ગોરા ગાલે, મખમલ રુહે, આભ ધરણી
રૂડી ભાષા કાલી, કલરવ સમી, સુખ ભરતી
નથી કોઇ ચીંતા, શરણ પ્રભુનું, પુણ્ય ભરણી
કરે પોતાના એ, મનહર રૂપે, મુગ્ધ વદને
અને દોડે હોંશે, ડગમગ પગે, હાસ્ય ભરણે
મળે માનો ખોળો, અભય સુખદા, હૂંફ ધરતો
ઘડે સંસ્કારો એ, મરકટ મને, ભાવિ ઘડતો
ભલે ભેળાં બાળો, નયન હરખે, દિવ્ય ક્ષણ એ
હસે હોઠો નાના, મરક મરકી, ભાવ ઊભયે
વદે વાણી મીઠી, મુખ કમલથી, શૈશવ મહા
અમી સીંચે હૈયે, શત સુખમયી, વૈભવ અહા!
રમેશ પટેલ(આકાશદીપ)
મને બહુ જ ગમતો છંદ .
આપણા આ જૂના છંદોનું માધુર્ય … અદભૂત
તમે ધસારાબંધ લખો છો ! મને બધી રચનાઓ અલગથી પણ મોકલો છો તે માટે આભાર અને ધન્યવાદ. સમયના અભાવે હું પહોંચી શકતો નથી તેનો સંકોચ છે…
આ રચનામાં શિખરિણી શુદ્ધ સ્વરૂપે યોજાયો છે. ! ફક્ત “રૂડી ભાષા કાલી, કલરવ સમી, સુખ ભરતી”માં સુખને ગુરુ કરવો પડ્યો છે છતાં ઈ અને ઉ બન્નેમાં આ છુટ સાવ સહજ અને માન્ય કહી શકાય તેવી છે.
તમે છંદને આત્મસાત કરી રહ્યા છો એનો આનંદ મને કેટલો થાય તે તો સમજી જ શકશો. મારા ગુરુજી બુચદાદાએ મને છંદોમાં લખવાના આગ્રહો કરતી વેળા કહેલું કે ભવીષ્યમાં લોલક જ્યારે છંદ તરફ વળશે ત્યારે તમારાં કાવ્યોની કીંમત સમજાશે…
છંદો પરનો કાબુ મહત્ત્વનો ખરો પણ મહત્ત્વની ચીજ તો કાવ્યત્વ છે અને તેને હું કેટલું પામ્યો છું તેની ખબર ન હોવાથી મારી રચનાઓને હું કવીતડાં જ કહું છું. આ ફક્ત નમ્રતા નથી પણ સ્વીકાર છે.
તમને અભીનંદન !
વદે વાણી મીઠી, મુખ કમલથી, શૈશવ મહા,
અમી સીંચે હૈયે, શત સુખમયી, વૈભવ અહા!
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
શ્રીમાન. રમેશભાઈ
ખુબ જ સરસ રચના
શિખરીણી છંદમાં રચના બનાવવી
એ કોઈ નાનીસુની વાત નથી સાહેબ
સરસ
બચપણ અને બાળપણ જીવનનો ઉત્તમ સમય છે એવું મારું માનવું છે. રમેશભાઈ ઘણી સુંદર રચના. ભૂતકાળમાં ડોકિયું કરવાનો મોકો માણી લીધો.
રૂડી ભાષા કાલી, કલરવ સમી, સુખ ભરતી
નથી કોઇ ચીંતા, શરણ પ્રભુનું, પુણ્ય ભરણી
કરે પોતાના એ, મનહર રૂપે, મુગ્ધ વદને
અને દોડે હોંશે, ડગમગ પગે, હાસ્ય ભરણે
aa Chhand ma aapni rachana sparshi gai..baalpan ni yaado aavi..
Rameshbhai aapne mail ma song mokalyu chhe..subhechcha.
રમેશભાઇ… વાહ વાહ …તમે ફરી એક સરસ છંદબધ્ધ રચના મૂકીને દીલ જીતી લીધુ ..અને ખરેખર મઝા આવી ગ ઇ…..
આદરણીય રમેશભાઈ,
શીખરણી છંદ નું બંધારણ શું છે અને દરેક છંદ ના બંધારણ કેમ હોય છે તે બાબત હું ઘણો જ અજ્ઞાની છું, હા, પરંતુ બચપણમાં જે છંદો ભણ્યા તેમ આ છંદ યાદ રહી જાય તેવો હતો, કારણ તેની એક રચના મારી સમજ મુજબ શીખરણી છંદમાં જ હતી અને જે કાવ્ય ભણવામાં આવેલ …એ પંખી ને પથ્થરો મારતાં ફેંકી દીધો .. સ્પષ્ટ શબ્દો યાદ નથી પરંતુ આવું કાંઈક આવતું જે શીખરણી છંદમાં જ હતી.
રૂડી ભાષા કાલી, કલરવ સમી, સુખ ભરતી
નથી કોઇ ચીંતા, શરણ પ્રભુનું, પુણ્ય ભરણી
કરે પોતાના એ, મનહર રૂપે, મુગ્ધ વદને
અને દોડે હોંશે, ડગમગ પગે, હાસ્ય ભરણે
તમારી રચના ખૂબજ પસંદ આવી. ધન્યવાદ !
saras rachna.
I liked.