ઠંડી અસલ રંગમાં આવતી જાય છે. વૃક્ષોના પર્ણ વાયરા સાથે ધરતી પર પધારી,
ખૂણો શોધતા ઢગલો થઈ , એક દર્દભરી કહાની ખળખળ ધ્વનિએ કહેતા જોઈ, ખિન્નતા
અનુભવાય છે. બોડા તરુઓ વૈભવ વિહોણા એકલા પડી ,ભાવિનાં શમણાંમાં ખોવાઈ ગયા છે.
કુદરત હિમવર્ષાથી શ્વેત ચાદર પાથરી પાવનતાનો પરિચય આપી રહી છે, છતાં ખિન્નતા અનુભવાય છે જ…
આવો પાનખરની વેદનાને ઝીલીએ….અને ધરતીના ઋણ ચૂકવવાનો આ અવસર
મળ્યો છે અને સવાયા રસકસ પાછા ધરવા છે એવો છૂપો નાદ વૃક્ષ દેવતાનો હદયે ધરીએ..
(Thanks to webjagat for this picture)
પાનખર અવસરા….રમેશ પટેલ(આકાશદીપ)
સૂની ડાળો ને માળ રે સૂના આ
રૂસણે ચાલ્યા આ લીલુડા શણગાર
શિશિરા દીઠા રે વાયરા વૈતાળ(૨)
વાસંતી રંગે ખૂબ ખીલ્યાતા ને
કલરવ ઝીલ્યાતા હરખતાં દિનરાત
કોની તે લાગી આ નજર કાળી રે
ખરતાં પાન રૂએ સૂકવે થડ ડાળ
તપમાં બેઠા શિખરો જ ઓઢી હિમકણ
ફૂંકે પવન હિમાળા ઠારતા રે ગાત્ર
ભાગ્ય રૂઠે તો ક્યાં રે જઈ જ કહીએ
પીળાં પાંદડ રઝળે ખરી વનવાટ
દીધાતા જ પ્રસાદો લળી જગ આખે
ભર્યાતા ઔષધિના અમે જ ભંડાર
છે વગડાના વિરલા અમે ખમતીલા
જગ સેવાના રળ્યા ભાગ્ય જ બળવાન
જાણી પાનખર તું છે ભલી જ અવસરા
કણકણમાં જાશું રે અમે જ સમાઈ
ખીલવું ને ખરવું એ સદા ભાગ્યમાં
ધન્ય! ઋણ સવાયા વાળી કરી પૂણ્ય કમાઈ
રમેશ પટેલ(આકાશદીપ)
સરસ રચના..
શ્રીમાન. રમેશભાઈ ( આકાશદીપ )
સુંદર રચના રચેલ છે.
હવે હું પાનખરની આરે પહોંચ્યો છે તેની યાદ આવી ગઈ
કેટલી સુંદર પંક્તિઓ છે સાહેબ
મજા પડી ગઈ…!
” ભાગ્ય રૂઠે તો ક્યાં રે જઈ જ કહીએ
પીળાં પાંદડ રઝળે ખરી વનવાટ ”
આપનો કિશોર
આદરણીય શ્રી રમેશભાઈ,
દીધાતા જ પ્રસાદો લળી જગ આખે
ભર્યાતા ઔષધિના અમે જ ભંડાર
છે વગડાના વિરલા અમે ખમતીલા
જગ સેવાના રળ્યા ભાગ્ય જ બળવાન
હકીકત છે કે આપણને વૃક્ષ દ્વારા જીવન અને તે જીવવા માટેની ઔષધિઓ પ્રાપ્ત થાય છે…
ખૂબજ સુંદર વૃક્ષ ના મહિમા સાથે ની જીવનની વાસ્તવિકતા ના દર્શન કરાવતી રચના…
ધન્યવાદ …!
આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)
જાણી પાનખર તું છે ભલી જ અવસરા
કણકણમાં જાશું રે અમે જ સમાઈ
ખીલવું ને ખરવું એ સદા ભાગ્યમાં
ધન્ય! ઋણ સવાયા વાળી કરી પૂણ્ય કમાઈ
કરમાવું ખીલવું ને પાછુ ઊગવું એતો કુદરતનો અકળ નિયમ છે.
આપે પાનખર અવસરને સરસ શબ્દોમાં ઢાળી સર્જન કર્યું છે.