Feeds:
Posts
Comments

પર્વ પાવન ઉત્તરાયણ….રમેશ પટેલ(આકાશદીપ)

પર્વ પાવન ઉત્તરાયણ સજન

આજ લાગે  છે  પ્યારું ગગન

ઝૂમે  તરુ ધરણ

હૂંફ ઢોળે કિરણ

પવન લહેરે ડ પતંગ  તું ગગન

આજ  લાગે  છે   પ્યારું  વતન

લઈ પાવલો પતંગ

ઉરે ઉમટ્યો ઉમંગ

લહેરાતો નટખટ નીરખે નયન

આજ લાગે  છે  પ્યારું  ગગન

ઝૂમે   નગર  અંબર

જંગ જીતવા જબ્બર

થાશે અમદાવાદી ખેંચ ને સુરતી ઢીલનું મિલન

આજ લાગે છે પ્યારું ગગન

પોયરા ને પોયરી

મલકાતી શાયરી

કાપી પેચ વગાડો રે… ઢોલ-થાળી બ્યૂગલ

આજ લાગે છે પ્યારું વતન

મસ્ત મસ્તીથી આરોગો… ઊંધિયું જલેબી જન-જન

આજ લાગે છે પ્યારું ગગન

રમેશ પટેલ(આકાશદીપ)  

જગત જનની આદ્યશક્તિ અંબેમાની સ્તુતી કરતાં કરતાં, આવો મકરસંક્રાન્તિને પુણ્યપર્વ બનાવીએ, પંખીડાંને ઘાયલ કર્યા સિવાય પતંગ ચગાવવાનો આનંદ લૂંટીએ…

Thanks to webjagat for this picture

ભવ્ય ભારતની મહાસંસ્કૃતિનો મહા સંન્યાસી વિવેકાનંદ …સંકલન…રમેશ પટેલ(આકાશદીપ)

ધન્ય! ઓ વિવેકાનંદ…રમેશ પટેલ(આકાશદીપ)

ભલી ભોમકા નગરી કલકત્તા

ચરણે  ઝૂકે નરેન્દ્ર દુલારો

પરમહંસ  શ્રીરામકૃષ્ણ  હરખે

પાવન ગંગાસાગર કિનારો

 

ગા ભજન  તું  ભાવ  ધરીને

માપું   અંતરના   ઊંડાણો

પરખ્યો યોગી આતમરામને

મળ્યો પૂણ્ય ભૂમિ રખવાળો

 

રિધ્ધિ -સિધ્ધિ સીંચે મા કાલિ

પામ્યો પ્રકાશ પલભરમાં

લઈ  કમંડલ  હાલ્યો વેદાન્તી

સાક્ષાત્કાર  રમે અંતરમાં

 

ત્રણ  સાગર સંગમના દર્શન

ધ્યાન ધરે વિવેકાનંદ

સંકલ્પ કીધો સાગર ખેડવા

હાલ્યા  ધર્મ  પરિષદ

 

જ્ઞાન ભંડારી સંત સાક્ષાત્કારી

ઉન્નત મનનો આનંદ

ફરક્યો વાવટો યશ દે શિકાગો

ધન્ય! ઓ વિવેકાનંદ

રમેશ પટેલ(આકાશદીપ)

………………………………….

આસામમાં હિબૂ તો પંજાબમાં લોહડી, બંગાળમાં સંક્રાન્તિ તો તામિલનાડુમાં પોંગલ, બિહારની ખીચડી ને મહારાષ્ટ્રના તિલ ગુડ

સાથે ગુજરાતનું ઊંધીયું ને પતંગોત્સવ એટલે સામાજિક સમરસતાનું પર્વ ઉત્તરાયણ….ચાલો ચગાવીએ ઉમંગનો પતંગ.

(Thanks to webjagat for this picture)

આવો સૂરજદેવ ઢૂંકડા……રમેશ પટેલ(આકાશદીપ)

 

દઈએ મકરનાં વધામણાં

આવો   સૂરજદેવ  ઢૂંકડા

સ્વાગત કરીએ રે મીઠડા

 

ઝૂમે  લોક,  હિબૂ  પોંગલ ને લોહડી

સંક્રાન્તિ તલ  ને ગોળ સંગ ખીચડી

 

પ્રકાશ પવન ને ખેતડાં

લાગે હૂંફાળાં ને  હેતડાં

આવો સૂરજ દેવ ઢૂંકડા…સ્વાગત કરીએ રે મીઠડા

 

કહીએ  રે  આવજો   શિશિરના વાયરા

પાકશે રે પાક, વ્હાલા વસંતના ડાયરા

 

નાચું હું છોડી ને છાપરું

ગોખ ગગન કેવું રૂપલું

આવો સૂરજ દેવ ઢૂંકડા…સ્વાગત કરીએ રે મીઠડા

 

રંગીલા  દોર  ને  પતંગો  રંગીલી

રંગીલું  મન  ને  ઉમંગોની  ફિરકી

 

આવો અનંગ ગગન ગોખમાં

લોટે  જ  મન પતંગ પેચમાં

આવો સૂરજ દેવ ઢૂંકડા…સ્વાગત કરીએ રે મીઠડા

 

જાશું  રે  તીર  નદી ને  કરશું  સંકલ્પો

દેશું  રે  દાન  ત્યજી  મનના  વિકલ્પો

 

ગાશું જ મહાકુંભનાં ગીતડાં

દઈએ  મકરનાં  વધામણાં

આવો સૂરજ દેવ ઢૂંકડા…સ્વાગત કરીએ રે મીઠડા

રમેશ પટેલ(આકાશદીપ)

 હિમ-લહરને વધાવીએ….રમેશ પટેલ(આકાશદીપ)  

લાલચોક પર છવાઇ સફેદી..A news..Thanks Akila News

લાલચોક પર છવાઇ સફેદી

 

       કાશ્મીરમાં અત્યારે જોરદાર હિમવર્ષા થઇ રહી છે. શ્રીનગરનો ધમધમતો લાલ ચોક વિસ્તાર સફેદ ચાદર પથરાઇ ગઇ હોય એવો ગઇ કાલે લાગતો હતો. બરફ એટલોબધો પડયો છે કે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે અનેક ઠેકાણે બંધ કરવાની ફરજ પડી છે. શ્રીનગર એરપોર્ટ પરથી પ્લેન-સર્વિસ ઠપ થઇ ગઇ છે   .    ટુંકમાં કાશ્મીર દેશથી અત્યારે વિખટુ પડી ગયું છે.(૬.૧૩)

હેમંત અને શિશિર શરીર સુધારવાને માટે ઉત્તમ ગણાય છે. આ ઋતુમાં જે પોષણ આપવામાં આવે છે તે બાકીના આઠ માસનો કસ પૂરો કરે છે.

યુરોપ ખંડ ને અવનીનો ઉત્તર છેડો …માગસરના શિશિર સૂસવાટે…સૌને ધ્રુજાવી રહ્યા છે. કેલિફોર્નીઆના ડુંગરો હિમાલયની પાવનતાની ઝાંખી દઈ રહ્યા છે. ન્યુજર્સીના મિત્રો ઘર આંગણે થતા, સ્નોના ઢગલાને દૂર કરવા શિયાળું કસરતો માણી રહ્યા છે..ને અમે પાનખરથી સમાધિ લઈ ઊભેલા વૃક્ષો ને જેકેટોના ભારથી ઘૂમતા મહારથીઓની વચ્ચે મજા લૂંટી રહ્યા છીએ…આવો

શબ્દ-કલાની મજાથી હિમ-લહરને વધાવીએ…

રમેશ પટેલ(આકાશદીપ)  

 

હિમવર્ષા…રમેશ પટેલ(આકાશદીપ)  

છંદ…સુવદના..

 

થીજાવી હાડ સૌના, રમતું ગગન આ, ધૂમ્ર દીસતું ને

બર્ફીલી શ્વેત ટોચે ,રૂપલ કિરણ તું ,  શોભે   મનહરા

વૄક્ષોની શાખ દૈવી,નવલ પુનિત આ ,ઝૂમે ખુશનુમા

મેઘાવી આ તપસ્વી , રૂપ કુદરતનું ; તંદ્રિત વરવું

……………………………

હિમલહરમાં….રમેશ પટેલ(આકાશદીપ)  

છંદ- શિખરિણી

 

 

અરે ! છૂપાઈ  ક્યાં તમ પ્રખરતા દેવ સવિતા !

ધરા શોધે ઉષ્મા, તમ વિણ  નભે ખેદ પ્રસરે.

કસોટી ભારે આ, ઋતુ બદલતી  નિત્ય ધરતી!

સરે   નીચે ઉષ્મા ,  હિમલહરમાં ,  કાય  થથરે

 

છવાયા માર્ગો આ, બરફ ઢગલે, સ્તબ્ધ  દુનિયા

હિમે  છાયી  પૃથ્વી, ધવલ પટને,  વૃક્ષ  ધવલાં-

થયાં  કેદી  સર્વે, વીજ પણ રુઠે, પંગુ  સરિખા

ઠરે  ધીરે  ધીરે,   સરવર  બધાં , પાક  સઘળાં

 

 

“પહાડો શા દીસે ‘પશુપતિ સમાધિસ્તસમ”  હા !”

કરી દેતાં આંખો સજળ, અવ શી ધન્ય વસુધા !

હવે જ્યારે વ્હેશે વિમલ જલ, આ  સૂર્ય તપતાં,

લહેરાશે  વાડી,  શતશત   રૂપે  ધૈર્ય   ધરતાં !

મહા  શક્તિઓથી, ચતુર પ્રભુ તું ,  શ્રેય સજતો

ખુશી  પામી  હૈયે, ગગન  ભરશું,   ક્ષેમ ધરજો

 

 

સ્વાગત કરીએ…૨૦૧૭

  સમય ચક્રની અવિરત ધારા એટલે મહાકાલેશ્વર . તરંગો ઊઠે ને સમાય. જીવન પણ હસતું ને વિખલતું રમતું જાય. આવો આશાના સથવારે ગાતા રહીએ..નવલું માણતા રહીએ…

સૌને નૂતન વર્ષાભિનંદન.

રમેશ પટેલ(આકાશદીપ)

saisathyasai-gayatriIMG_5658

Rightwood mountains…….winter

નવા વર્ષનો સૂરજ……રમેશ પટેલ(આકાશદીપ)

દૂર ક્ષિતિજે ઊગ્યો જૂઓ

નવા વર્ષનો સૂરજ

હિમ શિખરો ઝળહળ તેજે

દિવ્ય સુવર્ણ ગુંબજ

 

શ્યામ ધવલા નાચે વાદળ

ઝૂમતા  લીલા  ઝોલા

ઊડી ઊડી પંખી નાના

ખોલતા કલરવ ખોળા

 

ખીલ્યાં ફૂલડાં પ્રેમ સંદેશે

હૈયું હીંચાવું ઉમંગે

મંગલ દર્શન મંગલ મનડે

ત્યજું વેર સૌ સંગે

 

આશ  અટારીએ  ઊભો   હું

સજાઉં સ્વપ્નો ભાવિના

સંગમ યુગ પગરવ જ માણું

ગાઓ  ગીત   ખુશીના

 

યુગ નવલો આંબે ગગન

અંતર  હજો  નિર્મળ

નૂતન  વર્ષે  પ્રાથું  પ્રભુ

ભાતૃભાવ હો સજળ(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

 

મસ્ત મજાનું લોક્તંત્ર છે….રમેશ પટેલ(આકાશદીપ)

 

પોત-પોતાના ઢોલ ને પાવો

સૌ સૌની મસ્તીમાં મ્હાલો

મસ્ત મજાનું લોક્તંત્ર છે

  

પ્રશ્ન  પ્રજાના, રંગ  જ તમારા

અવળા-સવળા રાગ ને ચાળા

પ્રસાર માધ્યમો મદિરાના પ્યાલા

માણજો રે ભાઈ લોકતંત્ર છે

  

કાળાધન પર નિત સોગઠા બાજી

ભ્રષ્ટાચાર હટાવવા કેટલા રાજી?

રૈયત રઝળે થઈ ખીસ્શે ખાલી

મારને પોલ આ લોકતંત્ર છે

 

શાસક સમજે હું જ રે સાચો

વિપક્ષ કહે તું સાવ છે ખોટો

પાખંડ પ્રપંચ ને હજુરિયા ખેલો

બાંધી મૂઠી એ લોકતંત્ર છે

  

લોક  સમસ્યા લટકાવી ખીલે

સેવક વેશે સોદાગર જ મ્હાલે

આતંક ભ્રષ્ટાચાર છે ભોરિંગ

સાચવો ખુદને લોકતંત્ર છે

  

જાગજે જનતા સૌ કોઈ રટતા

ભરી તિજોરી ભર પેટ જમતા

મોદીજી રોજ નવો મંત્ર જપતા

સૌનું હિતેચ્છું  લોકતંત્ર છે.. માણજો રે ભાઈ લોકતંત્ર છે

 

કરશે જનતા વળતર લઈ માફ રે વ્હાલે

મસ્ત મજાનું લોક્તંત્ર છે….મસ્ત મજાનું લોક્તંત્ર છે

રમેશ પટેલ(આકાશદીપ)

એકાન્તમાં….રમેશ પટેલ(આકાશદીપ)
ગઝલ..છંદ-મદીદ

 

કષ્ટ કોલાહલ તણા સર્જતા અજંપા ઘણા
શ્રેષ્ઠ સર્જન જગતનું ફૂટતું એકાન્તમાં

 

 

થાય ભાટાઈ જ, ભેળાં મળે અળવીતરાં
પૃથકતા પામો, પટાક પટતું એકાન્તમાં

 

 

સંગ સૂર્યોદય રમે ભ્રમણાઓ ભૂખડી
જ્યાં ઢળે આ રાતડી જ શમતું એકાન્તમાં

 

 

ભાર લાગે ભાંજગડના સદા અંતરમહીં
નીરવ મને શ્રેય સૌ ટપકતું એકાન્તમાં

 

 

તોછડાતાં તરફડે કમનસીબી આયખું
રાખ જીગર ખાળ એ સબડતું એકાન્તમાં

 

 

વેરના આતશ શમે પ્રેમની જલધારમાં
વાત વ્હાલી ફૂલડું ઘૂંટતું એકાન્તમાં

 

 

ખૂબ ખેલ્યા ખોટના કપટ ધીંગાણા જગે
છોડ મદ, જાશે મળી ખૂટતું એકાન્તમાં

 

 

રંગ વાતાવરણમાં ગજબના છાયી ગયા
ભાગ્યશાળી! રટ જ ગીત ગમતું એકાન્તમાં

 

 

માણવા ઓ ‘દીપ એકાંતવાસો મનભરી
લૂંટજે લાખેણ રબ જાગતું એકાન્તમાં

 

રમેશ પટેલ(આકાશદીપ)
…………………………………………

ec9c2-astrodesk-lordganeshwithvyasdeva

ગીતા સુધા….રમેશ પટેલ(આકાશદીપ)

અઢાર અક્ષૌહિણી સેનાના રક્તથી ભીંજાશે અવની અંગ
કેવો   આ  મહાસંગ્રામ   પિતામહ   ગુરુ   સ્વજનોને   સંગ
હે   કેશવ!  ન  જોઈએ  આ રાજ   લઈ  મહા હત્યાનું પાપ
ગાંડીવ   સરે   મમ   કરથી   નથી  હૈયે  યુધ્ધની       હામ

ક્ષાત્ર ધનુર્ધર પાર્થ વદે વિષાદથી વિહ્વળ વાણી
યુધ્ધ અવસરે  કાયર  થઈ  પૂછે , ઓ ચક્રપાણી!
રક્ત રંજિત યુધ્ધ ખેલી  શાને  કરવો મહા સંહાર
પાપ મોહ અહંકારથી કેમ મણવો વિજયશ્રીનો ઉપહાર

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે છે દિન માગસર સુદ એકાદશી
શ્રીકૃષ્ણ  મુખે  વહી  દિવ્ય   જ્ઞાન  ગીતા    અવિનાશિની
પ્રબોધ્યું દર્શન પાર્થને અઢાર અધ્યાયે સાતસો શ્લોકમાં
છેદ્યાં  સંશય , ઉઘડ્યાં  દ્વાર  ભક્તિ   કર્મ    બ્રહ્મ   યોગનાં

ધર્મ સંકટ નિહાળું હું , ન સમજાય વિધિની વક્રતા
મનમાં   સંશય રમે   આ જીવનની કેવી વિંટબણા
સમજ મારી દીઠી કુંઠિત, ભાવિના ભણકારા કરતા રુદન
સુખ દુઃખ જય પરાજયના પડઘા ભાસે ગુંજાવતા ગગન

શ્રી કૃષ્ણ વદે, સુણ અર્જુન સખા, ગીતા છે મમ હૃદય
સોંપી લગામ પ્રભુને હાથ આવી જા તું મમ શરણ
આત્માને અમર જાણ દેહની નશ્વરતાને પહેચાન
થાતું   મુક્ત    મોહ માયાથી  લઈ  ગીતાનું જ્ઞાન

સુણ  પાર્થ, જીવન   મરણને    જાણ પૂર્ણ પુરુષોત્તમ હાથ
થા માત્ર નિમિત્ત, કરવાં સઘળાં કલ્યાણી  ઈશ્વરીય કામ
અર્પણ કર કર્તાને સર્વ કર્મનાં બંધન, કર્તવ્ય ધર્મ નિભાવ
ત્યજી  આસક્તિ, યોગ સ્થિત   થઈ  લે   ગાંડીવ તુ જ હાથ

આતતાયીઓ છે દમનકારી,શિક્ષામાં વિલંબ ન કર પળવાર
જીવન   મરણ    કલ્યાણ    અકલ્યાણનો નથી તુ જ અધિકાર
થઈ   નિર્વિકારી , થા   અનાસક્ત , આજ    તું સ્વધર્મ સંભાળ
નથી    પવિત્ર   જ્ઞાન   સમ   આ    સંસારે ,    નિશ્ચયે  તું  જાણ

થયો મૂઢ પાર્થ, પરિસ્થિતિથી પ્રભાવિત,દીઠો કર્તવ્ય વિમુખ
પરમ લીલાને પ્રગટ કરતાં, શ્રી કૃષ્ણે ધરિયું વિશ્વ સ્વરુપ
તું છે મારો ભક્ત સખા ને , જ્ઞાન વીર ધીર ભૂપ
હું જ કાળ, હું જ નિયંતા, નીરખ પાર્થ મમ મહાકાળનું રુપ

અનંત ઐશ્વર્ય મહાકાળ રુપ જોઈ વિશુધ્ધ થયો અર્જુન
હાથ જોડી નત મસ્તકે અરજ ગુજારે ક્ષમા કરો ભગવંત
છે   પારસમણિ   જ્ઞાન  ગીતાનું , પામ્યો   પ્રેરણા પાન
દુવૃત્તિ સામે ઝુકાવવું જંગે , એ જ સમજાઈ જીવનની શાન

જાણ નિશ્ચયે, કહે કેશવ,મારું વચન સાંભળ ઓ પાર્થ
રક્ષીશ સાધુ સંત ભક્તોને છોડી વહાલું વૈકુંઠ ધામ
આ પૃથ્વીપટે અવતરીશ યુગેયુગે, ધર્મ રક્ષવા કાજ
સમય આવિયો,ધર્મ પક્ષે,કર હવે શંખ દેવદત્તનો નાદ

યોગેશ્વર છે સારથિ કુંતેય,લઇ ગાંડીવ નાખ સિંહની ત્રાડ
હૈયે પૂરી પહાડશી હામ , પ્રભુએ પૂર્યા પાર્થમાં પ્રાણ
લઈ ગાંડીવને હાથ , ઉભો થયો માત કુંતાનો ભાણ
સાધુના કરવા છે પરિત્રાણ, વરસાવ જગ કલ્યાણે બાણ

કર ગાંડીવ સર સંધાણ ,ધનુર્ધર યુધ્ધ એ જ કલ્યાણ
જુ એ રથી મહારથી વાટ , યુધ્ધે કર આજ પાર્થ પ્રયાણ
અર્જુન ગજાવ અંબર આણ,મહાભારત માણે શૌર્ય પ્રમાણ
કંડાર પાર્થ વિજયનો પાથ, તારા સારથિ શ્રીજય જગન્નાથ
જય સંગ્રામે દિસજે પહાણ, ધનુર્ધર યુધ્ધ એ જ કલ્યાણ

ધર ધનુષ્ય કર ટંકાર, ક્ષાત્ર ધર્મ કરે પુકાર
લઈ ગાંડીવ કર હુંકાર, છે આણ કુંતેય કુમાર
ધા ધરમની વહાર, બિરાજે ધ્વજે કપિકુમાર
ધન્ય ધન્ય શૂરવીરો, દુઆ દે વસુધા અપાર

તૂટ્યા મોહ કર્મનાં બંધન , ગદ ગ દ્ થઈ પાર્થ ઉવાચ
કર્તવ્ય ધર્મ નિભાવવા દેજો , દૈવી શક્તિ   મમ   હાથ
ગહન જ્ઞાન લાધ્યું,આત્મા પરમાત્માનો જાણ્યો ભેદ જ્ઞાનેથી
જીવાત્મા છે અક્ષર પણ અભિભૂત મોહ માયા બંધનથી

સત્     ચિત્ત    આનંદથી   સર્વ   જીવ   દિસે એકરુપ  ને વ્યક્ત
અક્ષરથી ઉત્તમ પૂર્ણ પુરુષોત્તમ નિર્બંધ અખંડ અનંત અવ્યક્ત
જીવન   દર્શન જાગ્યું   તવ પ્રતાપે ,મોહ નષ્ટ થયો મમ અંતર
શિર જાશે પણ નહીં જાય શાન,મહાભારત ખેલવું મારે યોગેશ્વર

થા  અર્જુન  તું મહા યુધ્ધનો નાયક ,  હું   છું   એનો   વિધાતા
તુજ રથ ધ્વજાએ બિરાજે હનુમંત ,થા અગ્રેસર અર્જુન ભ્રાતા
ગુરુ ઢ્રોણનો તું ધનુર્ધર શિષ્ય,વિનયથી લે ભીષ્મપિતાના આશીર્વાદ
હણી      અન્યાય    ધારકો ,   ધરણીએ    ગજાવ    સત    ધર્મનો    નાદ

આર્પણ  તુજને  તારી   છાયા , પૂરજો  હૈયે   હામ
શંખનાદથી ગાજ્યું કુરુક્ષેત્ર , ધર્મ ધજા લઈ હાથ
તુજ   શરણમાં  ચરણે   ધરવા , સર્વ કર્મનો  ભાર
કર્તવ્ય ધર્મ બજાવવા પાર્થે જોડ્યા પ્રભુને હાથ

તામ્રવર્ણ  દિશે  અર્જુન , રક્તની  છાયી લાલીમા  નયન
ક્ષાત્રભૂજા સળવળી થઈ સર્પ , કીધો ધનુષ્ય ટંકાર ગગન
વ્યોમે ગાજ્યા દુંદુભી નાદ, નક્કી હવે ઊતરશે અવની ભાર
શંખનાદે ગુંજ્યા આકાશ, જગદીશ્વરનું મુખ  મલક્યું   અપાર

સમર્પી આજ જીવન તવ ચરણે , હવે ખેલવો મહા સંગ્રામ
તું છે કર્તા તુંજ ભર્તા , તુજ વિશ્વાસે કરવું મહા નિર્માણ
પાર્થે કીધું સર સંધાણ , જગદીશ્વર ભાખે યુગ કલ્યાણ

‘આકાશદીપ’અરજ ગુજારે ગાજો સાંભળજો ગીતાનો આ મહાતોલ
હૃદયે ઝીલજો   યોગેશ્વરના બોલ , પામશો   જીવન સુધા અણમોલ

– રમેશ પટેલ(આકાશદીપ)