Feeds:
Posts
Comments

Archive for the ‘http://feedcluster.com/’ Category

મારા વતન મહિસાની સુવાસ…રમેશ પટેલ(આકાશદીપ)

૧૯મી મે ,૧૯૭૨ માં અમે પ્રભુતામાં પગલાં માંડી, જીવન નૈયા હંકારી, આજે ૪૧મી અમારી લગ્નતિથિ એ અમારા વતન ગામ મહિસાના આ સમાચાર સાથે, જેના પૂરક સહયોગી કુટુમ્બોમાં અમે પણ સાનંદ ભાગીદાર છીએ ,

હરખ વધામણા દઈએ છીએ..રામ રાખે તેમ રહીએ…

રમેશભાઈ અને સવિતાબેનનાકેલિફોર્નીઆ)થી જય ગુજરાત..જય યોગેશ્વર.
 
IMG_0766

  જમીન વાત્સલ્યગ્રામ પ્રોજેક્ટ’ ના શુ’ભકાર્ય માટે…અમારા મહિસા ના પટેલ પરિવારનો  વિશાળભૂમિ  માટે સહયોગ.

 

20મીની સાંજે ચાર વાગ્યે મહિસા( અલિણા, ડાકોર પાસે)ગામે ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાવાનો છે….વાત્સલ્યગ્રામ પ્રોજેક્ટનો પ્રયોગ દુનિયામાં પ્રથમવાર.

પધારશે…

શ્રી નરેન્દ્રભાઈ મોદી(મુખ્યમંત્રીશ્રી ગુજરાત)ની હાજરીમાં કરાશે ભૂમિ પૂજન
આ પ્રસંગે સાધ્વી ઋતંભરાજી(દીદીમા), અતિથિ વિશેષ તરીકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહેશે. તેમજ મોરારિ બાપુ, ઇન્દિરા બેટીજી આશીર્વચન આપશે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પૂજ્ય પરમાનંદજી બિરાજશે.

 

-અનોખા પરિવારની ભાવનાથી મોદીના ગુજરાતમાં નિર્માણ પામશે વાત્સલ્યગ્રામ -વાત્સલ્યગ્રામ પ્રોજેક્ટનો પ્રયોગ દુનિયામાં પ્રથમવાર થઈ રહ્યો છે -વાત્સલ્યગ્રામમાં નાના નાના ગામડાઓ બનાવવામાં આવશે. -પ્રથમ ચરણમાં 150 મકાન બનાવવામાં આવશે. -એક ઘરમાં પાંચ દિકરીઓ, બે દિકરા, મા, માસી અને નાની હશે એક દાદા પણ હશે.

ગુજરાતના ડાકોર પાસે અનાથ આશ્રમમાં રહેતા બાળકો, નારી નિકેતનમાં રહેતી બહેનો અને વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને એક ઉત્તમ પરિવાર આપવાના હેતુ સાથે દુનિયામાં પહેલીવાર વાત્સલ્યગ્રામ ઊભું કરવાનું વિચારવામાં આવી રહ્યું છે.  અહીં પારકા લોકોને એક ઘરમાં રાખવામાં આવશે અને તેમનામાં પારિવારિક ભાવનાનું સિંચન કરવામાં આવશે. આમ એક ઉત્તમ પરિવારનું નિર્માણ કરવામાં આવશે, તેમ આજે અમદાવાદ આવેલા સાધ્વી ઋતંભરાજીએ કહ્યું હતું અને આ સાથે જ તેમણે વાત્સલ્યગ્રામની ઘોષણા કરી હતી હતી.

સાધ્વી ઋતંભરા એપ્રિલ 2010માં ગુજરાત આવ્યા ત્યારે તેઓએ વાત્સલ્યગ્રામ ગુજરાતની પરિકલ્પના બનાવી હતી. જે હવે સાકાર થશે. એક આદર્શ કુટુંબની ગરજ સારતું આ વાત્સલ્યગ્રામનું ભૂમિ પૂજન આગામી 20મી મેએ થવાનું છે.

(With thanks to Divyabhaskara)..A news

……………………………………….

દેશમાં ભક્તિનું લેબલિંગ કરવાની ફેશન: મોદી

-ચરોતરના મહિસામાં 80 વીધા જમીનમાં વાત્સલ્ય ગ્રામનું નિર્માણ થશે

-અઢી લાખ ચોરસફૂટમાં ૧૫૦થી વધુ મકાનો તૈયાર થશે

આપણે તો બીબાઢાળની મર્યાદાઓમાં છીએ… સમાજમાં દુ:ખી, દરિદ્રને જોવાનો  દ્રષ્ટિકોણ છે… ત્યારે આ વાત્સલ્યગ્રામ દરિદ્રનારાયણ પ્રત્યે ગુજરાતમાં નવું છોગું ઉમેરશે. હાલ દેશમાં સ્વામી વિવેકાનંદજી ૧૫૦મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. તેઓનું સ્વપ્ન દરિદ્રનારાયણની સેવાનું જ હતું. આજ સ્વપ્નને સાધ્વી ઋતુંભરાજી વાત્સલ્યગ્રામ બનાવી સાકાર કરવા જઈ રહ્યા છે, તેમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વાત્સલ્ય ગ્રામભૂમપિૂજન પ્રસંગે જણાવ્યું હતું.  આગામી દિવસોમાં આ વાત્સલ્યગ્રામ સાચા અર્થમાં કર્તવ્યપારાયણ માટેનું ઉત્તમ તીર્થગ્રામ બનશે. ગુજરાત કર્તવ્યભાવનાને જગાવવામાં ક્યારેય પાછી પાની નહીં કરે.’

આ પ્રસંગે સાધ્વી ઋતુંભરાજીએ જણાવ્યું હતું કે ‘અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ અને મહિલાશ્રમના પર્યાય સ્વરૂપનું આ વાત્સલ્ય ગ્રામ બનશે. અહિંયા આવનારને ક્યારેય લાચારીનો અનુભવ નહીં થાય. વાત્સલ્ય ગ્રામમાં સંસ્કારની સાથે જિંંદગીનો સાચો અર્થ સમજાવવામાં આવશે અને તેનાં જીવનને સાર્થક બનાવવા માટેના પ્રયત્નો થશે.’

આ પ્રસંગે ગોસ્વામી ઈન્દિરાબેટીજીએ પોતાના વૃદ્ધત્વમાં દેશની ધુરાનું સુકાન હવે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હાથમાં આવે અને સમગ્ર ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે, તે જ પ્રકારે દેશનો પણ વિકાસ થાય તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે સારસાપૂરી સત્કેવલ ધામના આચાર્ય પૂ. અવિચલદાસજી મહારાજ, ગીતાદીદી (વડોદરા), ચૈતન્ય શંભુ મહારાજ (અમદાવાદ), દિલીપદાસજી મહારાજ (અમદાવાદ), મોહનદાસજી મહારાજ (થલતેજ) સહિત મોટી સંખ્યામાં સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

તસવીરઃ નરેન્દ્ર ગનવાણી(Thanks..Divyabhaskar)..A news

Read Full Post »

દાદાની દાડમડી….રમેશ પટેલ(આકાશદીપ)

બે એક વર્ષ પહેલાં , એક નાનકડો દાડમનો રોપ અમે એક સંબંધી પાસેથી લાવેલા. તેમના ઘેર દાડમનો ખૂબ મીઠડા ફળવાળો આ છોડ છે. સામે શિયાળાની ઋતુ હોવાથી, મેં તેને કુંડામાં વાવી દીધો , જેથી રાત્રે અંદર ગેરેજમાં મૂકી શકાય અને દિવસે સૂર્યતાપમાં બહાર લાવી શકાય. આમ દાદાની પાલખીમાં બે ત્રણ પાંદડે છોડભાઈ ટક્યા. વસંત બેઠી એટલે, મેં યાર્ડમાં એક જગ્યા પસંદ કરી છોડને રોપી દીધો, પણ ઋતુચક્રની ઝાપોટો વેઠશે , ચોંટશે કે જશે, એ ડર કાયમ સતાવતો. થોડી નવી કૂંપળો ફૂટી ને ધરાએ મૂળને રસકસ દેતાં, આશા અમારી મ્હોંરી. પહેલા વર્ષે છોડ ને ફૂલો બેઠા નહીં પણ પાનખરમાં સૂકી ડાળો અસ્તીત્ત્વ ટકાવતી ઉભી રહી ગઈ. હવે મોસમે કરવટ લીધી ને  નવી પાંદડીઓ ફૂટી ને લીલોછમ છોડ ઝૂમવા  લાગ્યો. મજાનાં સરસ રતુંબલ ફૂલો બેઠાં ને મધુમાખીઓ , અમારું હમીંગબર્ડ અને તેમના વનમિત્રો રસ કટોરાના લાભ લેવા પધાર્યા…દાડમડીનાં રાતાં ફૂલ કે રંગ ડોલરિયોનું ગીત યાદ આવી ગયું. અમારી બે દોહિત્રી જાનુ અને ખુશી..દાદા સાથે ખુશાલી વહેંચવા દોડી આવી…માણો તો આ મજા અમારી સાથે..

……………………………………….

  દાડમ… આપણા સૌનું પ્રીય ફળ..કેવા દાંત? .. તો કહે દાડમની કળી જેવા. દાડમની ઉત્તમ જાત અરબસ્તાનના મસ્તકની ખ્યાત છે..ઓછાં બી ને વધુ રસ.

જે દાડમના છોડ ને ફક્ત ફૂલો જ આવે શોભા માટે તેને ગુલનાર કહેવાય છે. કસુંબી રંગના પીળી ઝળકીવાળા ફૂલોમાં દાડમ બેસે તેના ઘણા ઔષધીય ગુણો છે. મીઠાં દાડમ, તૃષા, દાહ જ્વર ,મુખરોગ તથા કંઠરોગનો નાશ કરે છે. અતિસાર કે સંગ્રહણી પર દાડમની છાલ ઘસી પવાય છે.

IMG_0739

તસ્વીર…આ દાડમનો છોડ અને દાદા..૫/૧૫/૨૦૧૩(કેલિફોર્નીઆ)

……………………………

મજાની દાડમડી…રમેશ પટેલ(આકાશદીપ)

છંદ-ઈન્દ્રવજ્રા

 

રોપ્યો અમે આંગણમાં  જ રોપો

ઝૂમે  ઢળે  રોજ  થઈ  બીચારો

પોષ્યો  ધરાએ, છલકે  રસીલો

દોડી  રમાડું  તન  કૂમળો   એ

 

આકાશ  મધ્યે  રમતો રવિ  ને

ભાવો ભરી મોસમ ગાય ગીતો

સીંચું  ધરાએ  જળ મીઠડાં  ને

છેડે  જ  વાતો  મનડે  ચહિતો

 

બેઠાં જ શાખે ફૂલ લાલ રાતાં

આવી રમે  રે  વનમિત્રો રૂડાં

દે એ પ્રસાદી રસની જ સૌને

રે ધન્ય તું ઈશ! કૃતાર્થ ભાવે

 

બેઠા  અમે  સૌ પરિવાર  હેતે

ખીંચે જ તસવીર બાળ નાનાં

ને પુષ્પ રાતાં હસતાં રૂપાળાં

મળ્યો  ધની  વૈભવ ખજાનો

 

દાદા  ગમી   દાડમડી   મજાની

એથીય વ્હાલી તમ  આ ખુશાલી

બોલી અમારી ‘ખુશીજાનું’ નાની

છે ને મજાની મધુરી કહાણી (૨)

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

વાલ્મીકિ અને વેદવ્યાસ એ આપણા ઋષી કવિઓ  કે જેમણે ભારતની સંસ્કૃતિની ગરીમાને પુષ્પોથી વધામણી દીધી.તેમણે સુંદર સંદેશો દીધો કે કુટુમ્બ વિના સંવર્ધન નથી ને રાજ્ય વિના સંરક્ષણ નથી. આજે નબળી અને પ્રજા વિમુખ શાસનોથી વિશ્વમાં ઠેરઠેર અજંપો વર્તાઈ રહ્યો છે. આદર્શ રાજ્ય વ્યવસ્થાઓ થકી જ સમાજ સુખી રહી શકે, સૌને સુખમય જીવન શૈલી મળે અને પ્રગતી સાથેનું ભવિષ્ય મળે . માણસની પાસે શક્તિ આવે એટલે તે કયા માર્ગે વાપરવી , તે ઉપર જગતની ઉન્નતિ કે અવનીતિ નો આધાર છે. પ્રકૃતિ સાથે સંવાદિતાથી જીવવું એટલે પોતાને જેટલો હક્ક છે , તેટલો જ હક્ક પશુ , પંખી અને વૃક્ષોનો છે, એ આત્મિયતાથી અનુભવવું. આપણા રાષ્ટ્રકવિ કાલિદાસે ભારત ભૂમિની ચિર સ્થાયી સૌંદયનો  મહિમા કરતાં કહ્યું છે કે ‘મા ભોમકા તો કર્મભૂમિ છે’…માનવજીવનના લાવણ્યને તેમણે મનભરી માણ્યું છે…ગાયું છે. આશા રાખીએ કે ભવિષ્યમાં, આપણા સમાજમાં ચેતનવંતા શ્રીરામના પગલે ચાલનારા રાહબરો રાષ્ટ્રને સુખના પંથે દોરી જાય..જે વનવાસી કે નગરવાસી હો ..સૌને પોતિકો લાગે.

રમેશ પટેલ(આકાશદીપ)

ધન ધન તમારી ઠકુરાઈ….રમેશ પટેલ(આકાશદીપ)

જાગી  પુનઈ  પ્રગટી વડાઈ

રઘુકુળ રીતિ વચન સચ્ચાઈ

રામજી, ધન ધન તમારી ઠકુરાઈ

 

અભયદા   સિયારામ    સુભાષી

રાજધર્મની    શોભા    છલકાઈ

પિતૃ-બંધુ  ધર્મની  દીપી  ખરાઈ

રામજી, ધન ધન તમારી ઠકુરાઈ

 

ધીર  વીર  વત્સલ  સુહાસી

વચનકાજ  હાલ્યા  રઘુરાયી

કેવટ  પામ્યો  ભવ  ઉતરાઈ

રામજી, ધન ધન તમારી ઠકુરાઈ

 

ઋષિ વનવાસી સૌ  સુભાગી

વનપથે વિચરે પૂણ્ય કમાઈ

યશોધર શુભંકર ધર્મ ધુરંધર

દશાનન સંગ  છેડી  લડાઈ

રામજી, ધન ધન તમારી ઠકુરાઈ

 

રામ  લખન  સુગ્રીવ હનુમંતા

ભરત શત્રૃઘ્ન ભાઈ  બલવંતા

અવધ ઝીલે વિજયઘોષ દુહાઈ

ઋષિ  વાલ્મિકી  ગાયે  ચતુરાઈ

રામજી, ધન ધન તમારી ઠકુરાઈ

……………………………………………

આજની ચૂટણી વ્યવસ્થા …પ્રજાની બીન જાગૃતિને લીધે, શાસનના સારા ફળો આપી શકી નથી. લોકશાહી પ્રથા મહામૂલિ છે, તેના મૂલ્યો રામજીના રાજધર્મ પ્રમાણે આચરવાના સંસ્કારો એ તાતી જરુર છે. આજની વાતો પણ ઝીલીએ અને જાગીએ..

ચૂંટણીના ચકરાવા…રમેશ પટેલ(આકાશદીપ

 

ચૂટણીના ચકરાવા ચક્રમ

પ્રચારના પડઘમ,

દાવત ભ્રષ્ટાચાર ભગાવો

ધન કાળું ને રમ.

 

સત્તા એ સગપણના સોદા

કોણ સંત કોણ દ્યૂત?

કામ આવે એ સાચો સાથી

અવર નકલી તંત

 

ધર્યા વેશ ઝભ્ભાથી સજ્જન

કટકી ગોરખ ધંધા

દંડા ઉગામી સત્યવાદીને

કરતા રાજ જ ખંધા

 

લેતીદેતીની બોલબાલાજી

ચૂંટાય એનાં જ વાજાં,

પક્ષ કરે રે સ્વાગત મોટાં

તકવાદીને   ખાજા.

 

ચગે ચગાવતાં ટીવી છાપાં

જ્ઞાતીવાદ ને ધોકો,

મતાધિકારને ગણ્યો સસ્તો

તો પાંચ વર્ષની પોકો.


Read Full Post »

૧૨ મી મે…મધર્સ ડે.

મીઠા મધુ ને મીઠા મોરલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ…(Shri Botadakar)

જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરિયસી’ અર્થાત્ મા અને માતૃભૂમિ તો સ્વર્ગથી પણ મહાન છે.

(Thanks to webjagat for this picture)

 

મા ચંદન અગિયારી…રમેશ પટેલ(આકાશદીપ)

 

મા મમતાનું મંગલ મંદિર

જગ  આખું પૂજારી

વાત્સલ્ય મૂર્તિ ઘડી પ્રભુએ

ધન જનની ખૂમારી

 

વૈભવ માનો હેત ખજાનો

 સુખદાતા કલ્યાણી

આંખ અમી તો સાગરપેટાં

અક્ષય મા દાતારી  ….જગ  આખું પુજારી

 

હાલરડાં  મા તારાં ઔષધ

ખોળે સ્નેહ સમંદર

તું પકવે મા મોતી મોંઘાં

ઝીલતી ઝોલે નીંદર

 

કેમ રમે મા શામળ ખોળે

જાણું હું અલગારી

ત્યાગ મૂરત તું, મા દેવી તું

મા ચંદન અગિયારી…જગ  આખું પુજારી

રમેશ પટેલ(આકાશદીપ)

……………………………

માવલડી – રમેશ પટેલ ‘આકાશદીપ’

 

તું રે માવલડી ચંદન તલાવડી

જગની તરસ્યું  છીપાવે  જી  રે

 

બા બોલું ને ઝૂલે રે બાળપણ

આયખે   કેસર  ઘોળે  જી  રે

 

માનો તે ખોળો પ્રેમનું પારણું

સ્વર્ગનો લ્હાવો લૂંટાવે જી રે

 

જનનીનું હૈયું ધરણીનું ભરણું

નિત નિત વ્હાલે વધાવે જી રે

 

અમી વાદલડી વરસે નયનોથી

જીવનમાં તૃપ્તિ સીંચે જી રે

તારી તપસ્યા ત્રણ લોકથી ન્યારી

દીઠું ઋણી જગ સારું જી રે

 

મા ને ખોળે ઝૂલ્યા જાદવજી

વૈકુંઠના સુખ કેવા ભૂલ્યા જી રે

પૂજું મા તને ચરણ પખાળી

તુજ દર્શનમાં ભાળ્યા જગદમ્બા જી રે

રમેશ પટેલ ‘આકાશદીપ’

Read Full Post »

ધખે છે ધોમ ને વ્યાકુળ છે કાયા… વેબ ગુર્જરીના નેજા હેઠળ ,  સ્થાપનાબાદ સર્વ પ્રથમ સુંદર ઈ -પુસ્તક ‘ગ્રીષ્મ વંદના’ ને, વ્હાલા નેટમિત્રોએ આનંદ વધામણી દીધી. પુસ્તકમાં કાવ્ય, લેખો અને ચીત્રોના ત્રીવેણી સંગમે , કેરીસમ સાહિત્યિક અમૃતફળની પ્રસાદી મળી, એવા ભાવો હૈયે જાગ્યા છે.  આવો , આ પુસ્તકમાં પ્રકાશીત મારી વાત ‘ઉનાળાની મસ્તી’ માં મહાલીએ…આભાર સાથે.

રમેશ પટેલ(આકાશદીપ)

લીંક–ગ્રીષ્મ વંદના (વેબ ગુર્જરી)…ઉનાળો’ વરસ્યો, “ગ્રીષ્મવંદના” નામથી !!–http://webgurjari.in/

 

(Thanks to webjagat for this picture)

 

ઉનાળાની મસ્તી….રમેશ પટેલ(આકાશદીપ)

 

ધખે છે ધોમ ને વ્યાકુળ છે કાયા

કહુ હળવેથી..

તોય મને લાગી રે ઉનાળાની માયા

 

‘ વેબ ગુર્જરી’ દ્વારા ઉનાળાને શબ્દ પુષ્પોથી વધાવવા જાહેર નિમંત્રણ મળ્યું અને અહીં અમેરિકામાં મેં મારી નાનકડી દોહિત્રી ખુશીને પૂછ્યું કે તને ઉનાળામાં શું ગમે? પ્રત્યુત્તર હતો…બીચ પર ફરવા જવાનો, સ્વીમીંગની મજા માણવાનો, જ્યુસ પીવાનો. પછી સામે મને હસી પૂછે તમોને દાદા ઉનાળામાં શું ગમે? ..મેં હસતાં હસતાં કહ્યુ ..તારાં બા બનાવે એ બે પડવાળી રોટલી અને કેરીનો રસ.

ઉનાળો આમ તો આકારો પણ દરેક ઋતુને પોતાનું આગવું મહત્ત્વ છે. સૂર્યની ગતિ બદલાતાં હવામાનના ફેરફાર થાય અને ઉત્તરાયણ બાદ, સૂર્યદેવની પ્રખરતાનો પરિચય થવા લાગે. ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ, એ ઉનાળાના ચાર માસ. મને આ ઉનાળાની મસ્તી મનભરી માણવાનો જીવનમાં લ્હાવો મળ્યો છે..આ ચૈતર વૈશાખના વાયરા વગડે ભમી ઝીલ્યા છે. આજે આ ઉનાળા સાથે રમેલા તેની વાતો કરીએ…

મારું વતન એ ખેડા જીલ્લાનું મહિસા ગામ અને ખેતીવાડીનો વ્યવસાય, એટલે કુદરતના ખોળે શિશુવયથી જ રમવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ગામની ભાગોળે સુંદર બે મોટા તળાવો અને પાળ પર, ઓવારા નજીક ઘેઘૂર વડલાઓનાં દર્શન જોઇ, નિમંત્રણ પઠવાઈ જાય કે ..’મારે તે ગામડે એકવાર આવજો’. શિશુવયમાં અમારી બાળ ગોઠિયાની જો કોઈ પ્રિય ઋતુ હોય તો.. આ ઉનાળો. તમે કહેશો કે ધોમ ધખે ને લૂ વાળા વાયરા સાથે જમીન તપેલી હોય , તો આ કુમળી ત્વચા સાથે વ્હાલ કેમ નું ઉભરાય? સાંભળો ત્યારે અમારી રામકહાણી.

બાળકોને વ્હાલું શું હોય? ..વેકેશન…સૌથી લાંબી શાળાની છૂટ્ટીઓ ઉનાળામાં જ મળે. આજથી ૫૦ વર્ષ ઉપર દેશી રમતો રમાતી , જે ફળિયા કે ભાગોળે રમવાની મજા આવે તે..ભમરડા, કોડીઓ ને ગબ્બી, મોઈ-દાંડિયા અને પત્તાં. અમારી ખડકીમાં તે વખતે ભૂલકાંઓની વણઝાર એટલે રમતો રમવા, સાથીદારો સદાયે હાથવગા રહેતા. ગામના પાદરે વગડાની ખૂલ્લી જમીન અને નાના પાણીના ઝરા સાથે મજાનાં ઝાડોની હારમાળા. એકાદ ઝાડને ચોતરો હોય અને કોઈએ પાણીના પરબની સેવા આચરી હોય. અમારા માટે રમવાની એ આદર્શ જગ્યા. ગામામાં મોસાળે આવેલા કે બહાર રહેતા છોકરાઓને લઈને અમે મોઇ-દંડાની સામૂહિક રમત રમવાની મજા લૂંટતા. ખડ્ડૂસ છોકરાઓ બીચારા નવાસવા છોકરાઓને તાપમાં પદૂડી કરાવી પરસેવો પાડી દેતા. ..લાલચોળ થઈ જતા પણ રમતના જુસ્સામાં બધાં કષ્ટો ભૂલાઈ જતાં.

દૂર ગોવાળીયાઓ ઢોર ચરાવે, ઘણા ખેડૂતો શણ કે વ્હાણનાં દોરડાં વળ ચઢાવી ખેતીના ઉપયોગ માટે બનાવે..આમ વગડો સૌની વાર્તા ગૂંથે. રમ્યા બાદ અમે, કાયાએ ધૂળ અને પરસેવા સાથે ઉપડીએ મોટા તળાવે. ગામના લગભગ બધા જ છોકરાઓને, આ તળાવે તરતાં શીખવાડી દીધેલું, એટલે વડની ડાળીઓથી છોકરાઓ ભમભમ તળાવમાં ભૂસકા મારે અને તરવાની મજા માણે. એકાદ ભેંસ મળી જાય તો તેની પૂંછડી પકડી સેર સપાટા કરે. બાળ મસ્તી એટલે જ નિજાનંદ. સંધ્યાકાળ થાય, વાયરે કપડાં સૂકાઈ જાય અને નજીકના મંદિરે આરતી પછી પ્રસાદ મળે. ઘેર વાળું કર્યા પછી , ખૂલ્લા ફળિયામાં ખાટલી પર જે સૂંવાની મજા આવે..એ ઉનાળાની યાદો શૈશવ ને વ્હાલી જ લાગે ને?

ઉનાળાની બીજી મજા એટલે તે ઋતુમાં મળતાં ફળોની મજા. અમે દોસ્તારો સાથે અમારા ખેતરાળું આંબાવાડિયામાં પહોંચી જતા ને સાથે હોય મીઠું , મરચા ને જીરાની પોટલી. રખેવાળ ભાઈ જાણીતા એટલે અમને બોલાવી, નાની કેરીઓ આપે. ખાટી અને તૂરી મજાની કેરીઓ ખાઈ લીધા પછી, બાજુમાં જ આવેલી રાયણના ઝાડ પર ચઢી પાકાં રાયણાં ખાતા. આજેય તે ઝાડ આગળથી જ્યારે જ્યારે જઈએ, ત્યારે બચપણની યાદોમાં ઝૂલતા થઈ જઈએ છીએ. ગોરસ-આંબલી્ના મીઠા પાકા કાતરા પણ, ઝાડ પર ચઢી ખૂબ ખાધેલા અને તે કાંટાળું ઝાડ એટેલે તેની કાંટા-પ્રસાદીનો લાભ પણ મળેલો.

હવે મોટા થયા પણ ઉનાળો અમારો સાથ છોડવા તૈયાર ન હતો કારણ કે દોસ્તી દિલથી હતી. એન્જિનિયર થયા પછી નોકરી મળી ફિલ્ડવર્ક વાળી જીઈબીમાં. ગુજરાત રાજ્યની ૧૯૬૦માં સ્થાપના પછી, ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિજળી કરણ અને ખેત કુવાને જોડાણ આપવાના મહા અભિયાનનું, સૌભાગ્ય અમારી પેઢીને મળ્યું.

       વાત્રક કાંઠા ને કપડવંજ તાલુકામાં મહોર નદીના ગામો એટલે ધૂળિયા રેતાળ  રસ્ત્તા. ઉનાળે તપતી ધૂળ , લૂ વાળા વાયરા ને ધૂળની ધમરીઓ ..આ બધાનો સામનો અમારે દૂર અંતરિયાળ વિસ્તારોના સર્વે કરતી વખતે કરવો પડતો.

એક નાનકડો પ્રસંગ કહું તો..એક દિવસ ચાર ગીઅરવાળી જીપમાં લાઈન સ્ટાફ સાથે નીકળ્યા. રસ્તો ગાડાવાટનો ખૂબ જ રેતાળ અને જીપનું એન્જિન ઉનાળાના તાપમાં ગરમ થઈ જાય, કુલરનું પાણી ઉકળે અને જીપ બંધ પડી જાય . બધા સાથે મળી ધક્કા મારી આગળ વધીએ. સર્વેની જગ્યાએ પહોંચતાં સુંધી તો બાફેલા બટાટા જેવા થઈ ગયા. ધખતા તાપમાં માથે ટોપી સાથે સર્વે કર્યું . એક ટિખળી કર્મચારી ગુપસુપ બોલ્યો પણ ..આજે સાહેબની’ રેવડી ટાઈટ’ થઈ ગઈ. ઉનાળાની આવી આકરી પરીક્ષા પાસ કરી અમે નિર્ધારિત સમયે ગામનું વિજળીકરણ કર્યું. અમારી તપસ્યાથી અનેક લોકો ઉનાળે પંખા ખાતા બેઠા હોય અને લીલાંછમ ખેતરોમાં પંખીઓ વિસામો પામતા હોય , એય સાચી જ સેવા છે કારણ કે તાપમાં વગડે હાંફતા પંખી કે અર્ધ ભૂખ્યાં પશુઓ પણ અમે આ આંખે નિહાળ્યાં છે. ચોમાસા પહેલાં અમે વિધ્યુત લાઈનોનું સમારકામ માટે, ઉનાળામાં રોજના પગપાળા સાત-આઠ માઈલ ચાલી કામ કરતા. વગડે તાપ ખાઈ ચાલતાં જો કોઈ નદી આવે તો . તટમાં તરબૂચ કે શક્કર ટેટી મળે તો વેચાતાં લઈને ખાતા. આમ ઉનાળાની આ મસ્તી માણતાં માણતાં જ મને પ્રમોશનમાં બદલી મળી.

ઉનાળો પણ અમારો બાળપણનો ભેરુ એટલે તેણે ભાગ્ય દેવતા ને અરજ ગુજારી કે મને પણ સાથ દેવાનો મોકો દેજો. મારી નવી નિમણૂકની જગ્યા હતી ,મહિસાગરના કોતરોના વણાકબોરી થર્મલ પાવર પ્રોજેક્ટની. રેતાળ કોતરો સમતલ થાય, ઝાડ કપાય અને ઉનાળાની ધૂળ ડમરીઓ સાથે નવનિર્માણ ચાલે. મોટા ટોપાની નીચે એન્જિનિયર મિત્રો દિવેલાના છોડનાં પાન મૂકી માથે મૂકી પ્રોજેક્ટ પર કામ કરે. બોયલર એટલે સ્ટીલ સ્ટ્રક્ચર , તપે એટલે જાણે સઘડીની નજીક જ ઊભેલા હોય એવી લાગણી થાય . ઈરેક્શન માટે ઊંચી ટાવર ક્રેઈન વપરાતી જેની મંકી લેડર્સ પર ૩૦૦ ફૂટની ઊંચાઈ ચઢવું કે ઉતરવું એ શારીરિક ચુસ્તતાની કસોટી જ ગણાય. આમ અમારા જેવા અનેક ટેકનીકલ માનવ રોજના યોગદાનથી , ગુજરાતની ધરાને ઝળહળ કરતા ૧૨૬૦ મેગાવોટ પ્રોજેક્ટના છ યુનિટોનું નિર્માણ થયું ને અમે તેના હિસ્સેદાર બન્યા.

ઉનાળાએ પણ મિત્રતા નિભાવી, પરસેવો દઈ તનને નિરોગી રાખવા સથવારો દીધો. લીમડા કે ગુલમહોર ..એ પ્રકૃતિની દેન, ઉનાળે જેટલી મારા તમારા મનમાં રમે છે તેટલીજ તમને સૌને, પંખા કે એ.સી.માં બેઠાલા જોઈ, અમે અનુભવેલી , એ ઉનાળાની મસ્તી મારા મનમાં રમેછે.. કેવી લાગી અમારી આ જુગલ જોડી? ..મજા આવી ને એ.સી. ની?

રમેશ પટેલ(આકાશદીપ)

 

Read Full Post »

વતન પ્રેમની હાક, ૬ મે એ પથપથ ગુંજારવ કરી રહી છે, ભારતની અમર સંસ્કૃતિ ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના થી યશયુગી છે.  કરૂણા અને અહિંસાનો સંદેશથી માનવતાને  ઝગમગાવતા અવતારો,

આ ધરણીએ પ્રગટાવ્યા છે…ચાલો આ ભાવને હિમાલયથી કન્યાકુમારી અને જય સોમનાથથી ગંગાસાગર તટ સુંધી લહેરાવીએ…

 

 

(Thanks to webjagat for this picture)

પાવન મા તું , ભૂમિ ભારતી….રમેશ પટેલ(આકાશદીપ)

 

સૂરજ   શાખે   કરૂં   વંદના

પ્રગટ    દર્શન    શિવાલય

પાવન મા તું , ભૂમિ ભારતી

ઉન્નત મુગટ શીશ હિમાલય

 

નાદ નદીએ હરહર ગંગા

અંતરમાં ઓચ્છવ પ્રભુતા

ખેત તરૂ ને કલરવ મીઠા

આંગણ સંતોષ મહામૂલા

 

આ  સકળ  જગ  હો સુખિયા

મા   તારું    દર્શન  નિરાળું

કેમ ના  ગાઉં ગીત ત્રિરંગમાં

મા ભાગ્યયશ અમ  ત્રિકાળું

 

વેર  તણું  ઝેર  જ  આપદા

વૈશ્વમૈત્રીના   જપ  સુભાષા

ગાંધી  મારગડે  ચાલો બંધુ

સાગર કન્યા દર્શન દે આશા

રમેશ પટેલ(આકાશદીપ)

 

ભૂમિ ભારતી…..રમેશ પટેલ(આકાશદીપ)

 

ભૂમિ ભારતી ,કરૂં  આરતી

તવ  ચરણે  ધરીએ વંદન

રૂડી  સંસ્કૃતિ  સ્નેહ બંધને

કણકણમાં   મહેકે  ચંદન

 

અન્નપૂર્ણા  પુનિત  જલધરા

છે  ઋણ  માતનું ભવભવનું

વીર ભૂજાઓ ,નમે વતનને

છત્ર શિર શોભતું આઝાદીનું

 

 

જોમ  હામને   સજી   ઉમંગે

ગજવશું ઘોષ અવનિ અંબર

રમવા સાત ખંડના બંદર..શતશત  મા ચરણને વંદન(૨)

 

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

માનવીના અંતરંગમાં સંવેદનાના સાગર નિત ઉછળતા હોય છે. પરસ્પરના સંબંધો આ સાગરે
સદા લહેરો બની , જીવનને તરંગીત કરે છે..અને એજ આપણા સંસારનું દર્પણ છે. ભીતર સાત સમંદરની વાર્તા ઝીલતાં માણીએ આ રચના. 

 (Thanks to webjagat for this picture)

સાત સમંદર અમે બાંધ્યા છે કોટડેરમેશ પટેલ(આકાશદીપ)…કાવ્ય

 

સાત સમંદર અમે બાંધ્યા છે કોટડે

 ભીતરમાં ઘૂઘવે તોફાન

કેમ કરી થામવા સંવેદન વાયરા

ભમ્મરમાં ઝૂલતું સૂકાન

 

 

ઊઠતી ઊર્મિઓ; જાણે ઓટ-ભરતી

આવીને ભીંજવે ઉત્કંઠા

ભાવ તરંગો ધરે મોંઘાં ઓવારણાં

ભીતરમાં ધરબવા અજંપા

 

 

આજ ગમે વરસતું; વ્હાલ ભર્યું ઉમટતું

લીલીછમ લાગણીઓ ખોળું

હો નિત, પૂનમ શરદની મારા આંગણે

કાન તણી બાંસુરી હું બજાવું

 

 

ફૂલસમા સાથમાં સૌરભથી ખીલશું

કોયલના સૂરમાં રે હીંચશું

વાસંતી વીંઝણાએ છેડી સરગમ

ભીતરમાં ભાવથી ઉછળશું

ઘડવૈયા ઉદધિ ભાવે નમશું()

Read Full Post »

પહેલી મે ૧૯૬૦ના દિને, પરમ પૂજ્ય મૂકસેવક શ્રી રવિશંકર મહારાજના વરદ હસ્તે,  દીપ પ્રગટાવી ‘ ગુજરાત રાજ્ય’ ની સ્થાપનાના શ્રી ગણેશ થયેલા, એના મીઠા સંસ્મરોણા આજે યાદ કરીએ. શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકની ચળવળનો જોશ  અમે પણ માણેલો. તેમને સાંભળવાનો અને મળવાનો લ્હાવો વિધ્યાનગરમાં તેઓ આવતા ત્યારે  કોલેજકાળમાં માણેલો. એ ભેખધારી ઝોળીમાં ચણા ને ગોળ સાથે રાખતા અને ‘મહા ગુજરાત’ માટે

ઠેરઠેર ઘૂમતા. ઑગષ્ટ એટલે ક્રાન્તિનો મહિનો…નવયુવકોનું લોહી ઉછળતું..અમે પણ પોલીસ પીછો કરતાં દૂર ભાગતા   ..સદનશીબે ડંડાવાળીથી બચી જતા. આજે ગુજરાત પ્રગતિનું પર્યાય બનવા જઈ રહ્યું છે.

અનેક દાનવીરોથી શિક્ષણ સંસ્થાઓ સાથે ધાર્મિક પ્રવૃતિઓ ધમધમી રહી છે. ગુજરાત અને ગુજરાતી સદા યશસ્વી બને એ પ્રાર્થના સાથે…જય જય ગુજરાત.   

(Thanks to webjagat for this picture)

પહેલી મે નું ગાણું…..રમેશ પટેલ(આકાશદીપ)

 

સાત સૂરોનું ભાથું બાંધી ,  ગાશું એક જ ગાણું

  પહેલી મે નું  ટાણું

  લાખેણું નઝરાણું… લાખેણું નઝરાણું

 

ધન્ય! ગુર્જરી પ્યારી મૈયા

દીધાં સાગર હૈયાં

સ્નેહ સમર્પણ સાવજ ત્રાડે

રંગે જાત જ છૈયાં

 

હાક દીધી ઈન્દુચાચાએ

ગર્જ્યા  સાગર ગુર્જર

જોમ સીંચ્યા ઑગષ્ટ ક્રાન્તિએ

ગાજ્યા ઘોષ જ અંબર

 

દીપમાળાઓ ઝગમગ ઝગમગ

દે   દાદા   આશિષું

તીર્થભૂમિના   સ્પંદન    ઝીલી

ધન્ય! માતના શિશુ

 

લીલુડી  ભાતે  ખીલે  ખેતર

ઠારે આંખ જ માડી

શ્વેતક્રાન્તિની ગંગા વહેતી

સીંચે  શૈશવ વાડી

 

વીર વલ્લભ ને ગાંધી બાપુ

વિશ્વ  અખિલના તારા

મૂક  દાનવીર કરે  સંકલ્પ

ગુર્જર  ગૌરવ  ન્યારાં

 

પ્રેમ અહિંસા આદર હૈયે

દ્વારે સ્વાગત શાણાં

જ્યાં વસીએ તેના જ થઈએ

હૈયે  ગુર્જર  ગાણાં(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

શ્રી દિલીપભાઈ ગજ્જર(યુ.કે.) અને સુશ્રી રોશનીબેન શેલત૯આમદાવાદ)ના મધુર સ્વરોને સંગીતમાં મઢી ને શ્રી નારાયન ખરે એ..મારી ‘.મહેકતું ગુજરાત’ ની રચનાની સૌરભ..ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે વહાવી છે.

આવો મિત્રો ‘જય જય ગુજરાત’ કહી વધામણી દઈએ…

રમેશ પટેલ(આકાશદીપ)

To

Shri Rameshbhai…
http://leicestergurjari.wordpress.com/2013/04/29/મહેકતું-ગુજરાત-audio/
aapne pratham link moklaavu chhu..aasha chhe gamshe..
Dilip
મિત્રો આપની સમક્ષ ગુજરાતના 52 મા સ્થાપના દિને સહર્ષ રજુ કરીએ છીએ
‘મહેકતું ગુજરાત’
કવિ શ્રી રમેશ પટેલ ની રચના,
રજૂઆત- ચેતુ ઘીયા શાહ 
સંગીતકાર- નારાયણ ખરે, અમદાવાદ, ગુજરાત
ગાયકો- દિલીપ ગજજર  અને રોશની શેલત(અમદાવાદ )
મિક્સિંગ અને માસ્ટરીંગ , ડી  ગજજર
સુચન- હેડફોનથી વધુ સ્પષ્ટ  સાંભળી  શકાશે
આપના પ્રતિભાવ આવકાર્ય
……………………………………………………………………………………………………………….

(Thanks to webjagat for this picture)

મહેકતું ગુજરાત…રમેશ પટેલ(આકાશદીપ)

ગાજે  મેહૂલીઓ  ને  સાવજની  દહાડ
જાણજો  એજ  મારું  વતન  ગુજરાત

જ્યોતને  અજવાળે  રમે  ભક્તિ શ્રધ્ધા
આંખની  અમીથી  વહે  દાનની  ગંગા
પ્રભાતીયાના  સૂરે  જ્યાં પ્રગટે પ્રભાત
જાણજો  એજ  મારું  વતન   ગુજરાત

શીખવ્યા  સાગરે  સૌને સાહસના પાઠ
ને સાબરે  પ્રગટાવી આઝાદીની આગ
ગૂંજે  જય  સોમનાથની હાકો દિનરાત
જાણજો  એજ   મારું  વતન ગુજરાત

શોભતો   કચ્છડો   મારો  શરદની   રાત
વલસાડી   કેરી  જેવા   કોયલના   ગાન
ચરોતરી ખમીર ને ઑલી પટોળાની  ભાત
જાણજો   એજ   મારું  વતન    ગુજરાત

તાપીના  તટ  ને પાવન  નર્મદાના ઘાટ
મહીથી મહીમાવંત, મારું  ગરવું ગુજરાત
ઘૂમતા   મેળાંમાં    લોક  ભૂલીને  જાત
જાણજો   એજ   મારું   વતન  ગુજરાત

છે  ગાંધી  સરદાર મારી  ગુર્જરીના  નેત્ર
દીતિ   સંસ્કૃતિ  મારી  થઈ   વિશ્વામિત્ર
સુદામાની પોટલીએ દીધી સખાની યાદ
જાણજો   એજ   મારું  વતન  ગુજરાત

ના  પૂછશો  ભા  કોઈને,  કેવડું  મોટું ગુજરાત
જ્યાં  જ્યાં  વસે  ગુજરાતી ત્યાં મહેકતું ગુજરાત

Read Full Post »

વતનનાં સ્મરણો એ જીંદગીનો મહામૂલો ખજાનો છે. અનેક મિત્રો સાથે પ્રસંગોપાત વાતો કરીએ , ત્યારે મજાની એ સફર સંસ્મરણો દ્વારા માણતાં , મન પ્રસન્નતા અનુભવે.

ચાલો એ મારગડે જ મહાલીએ.

રમેશ પટેલ(આકાશદીપ)

 

વતનને આંગણે…રમેશ પટેલ(આકાશદીપ)

આ   માયુડી  માટીના  કણકણ  મને  ઓળખે
વતનના  વગડે   વિહંગોના  વહાલ   સાંભળે

હૃદયના   બંધનથી  બંધાયો  નાતો   મીઠડો
માટીના  કણકણથી   રંગાયો   મારો  મનખો

શિશુવયે   આલિંગન  દીધાં  મને  વહાલથી
પામ્યો  સાચો  સથવારો  અંતરના   સ્નેહથી

દલડાએ  ઝીલ્યો   તારો  પ્રેમ  દિવ્ય  ટોપલે
એવા  દિન  પછી  ના  ભાળ્યા  અમે આયખે

કીધા   અગણિત  ઉપકાર  છલકાવી  કરૂણતા
માવતર  પછી વતનનાં , ઋણ  દીઠાં  મોટડાં

હશે  જગને  કિંમત   ભલે  હીરા   માણેકની
મારા  માંહ્યલાને માટીની મહેક સવા લાખની

છોડી   સથવારો  જ્યારે  સૌ   થયા   વેગળા
પાળ્યો પોષ્યો  ને અંતે સમાવ્યો મીઠી ગોદમાં

મારે  થાવું  રે  ઓળઘોળ  વતનની   આંગણે
આ  વાલુડી  માટીના  કણકણ  મને   ઓળખે

Read Full Post »

Older Posts »

Follow

Get every new post delivered to your Inbox.

Join 129 other followers