જગતમાં માનવ જન્મ એ પ્રભુની પરમ પ્રસાદી છે. વિધાતાએ ખૂબ જ ઉમદાને
ઉત્તમ શક્તિઓ બક્ષી છે. આ મનુષ્ય દેહ થકી એ પરમ શક્તિને આધીન રહી,
પોતાની સમર્થતા પ્રગટ કરે જાય છે. માનવના આ આત્મખમીરને બીરદાવીએ.
આજે સુશ્રી પ્રજ્ઞાબેને , આલોક પરલોકની શાસ્ત્રોક્ત વાતોની પ્રસાદી ધરી છે,
તેનો મહિમા પણ જાણીએ….
(Thanks to Pragynaben for this writeup)
આપણા સ્થૂળ દેહ સાથે સુક્ષ્મ તથા કારણ એમ બે દેહ રહેલા છે. આઘ્યાત્મવાદીઓ અને રહસ્યવાદીઓએ સંશોધનના આધારે જણાવ્યું છે કે, ‘‘સુક્ષ્મશરીર એટલે એસ્ટ્રલ બોડી.ગાઢ નિદ્રા સમયે આપણું સુક્ષ્મ શરીર દૂર દૂર સુધી વિહરે છે તે એક પાતળા દોરથી સ્થુળ દેહ સાથે ડુંટી સાથે જોડાયેલ રહે છે. આ પાતળા દોરને ‘સિલ્વર કોડ’’’ કહે છે અને તેને આધારે વિહરીને તે સ્થુળ શરીરમાં પ્રવેશે છે. વાયુ, અગ્નિ, આકાશ, જળ અને પૃથ્વી આ પાંચ તત્વોથી બનેલા આ દેહમાંથી જ્યારે દેહવિલય થાય છે ત્યારે જળ અને પૃથ્વી તત્વ નાશ પામે છે. સુક્ષ્મદેહમાં પાંચ જ્ઞાનેંન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ તન્માત્રા મન, બુઘ્ધિ, ચિત્ત અને અહંકાર આમ ૧૯ તત્વો રહે છે. આ દેહ વાયુપ્રધાન હોય છે.
આજે જો સર્વસામાન્ય મત હોય તો તે એ છે કે મૃત્યુ એક એવી ઘટના છે જેમાં માણસનું ભૌતિક શરીર જ નષ્ટ થાય છે. આ મૃત્યુની ઘટના બાદ પણ માણસનું બીજુ શરીર એટલે ક સુક્ષ્મ શરીર સંપૂર્ણ રીતે સક્રીય રહે છે. જેને વિજ્ઞાનની ભાષામાં એસ્ટ્રલ બોડી કહે છે. આ જે સુક્ષ્મ શરીર હોય છે તે સ્થૂળ શરીર એટલે કે ભૌતિક શરીર કરતા અનેક રીતે અલગ અને વિશિષ્ટ હોય છે. આ સૂક્ષ્મ શરીરનો સ્પર્શ કરવો કે તેને નિહાળી શકવું દરેક સમયે શક્ય નથી હોતું.
કોઇ વિશિષ્ટ પ્રયત્ન દ્વારા જ આ શરીર પોતાની ઝલક કોઇને બતાવી શકે છે. આ સુક્ષ્મ શરીર પોતાની યોગ્યતા, પાત્રતા અને પ્રારબ્ધ અનુસાર નિશ્વિત સમય બાદ એક નવું શરીર પ્રાપ્ત કરે છે. નવું શરીર પ્રાપ્ત થાય ત્યાં સુધી પોતાના પ્રારબ્ધ કે મોહને કારણે કોઇ-કોઇ સૂક્ષ્મ શરીર ભૂત-પ્રેતની યોનિમાં એટલે કે ભૂત-પ્રેતની અવસ્થામાં પહોંચી જાય છે. માટે જે ભૂત-પ્રેત હોય છે તે બીજું કંઇ નહીં પરંતુ સૂક્ષ્મ શરીરની જ એક અવસ્થા હોય છે.

(Thanks to webjagat for this picture)
આત્મખમીર…….રમેશ પટેલ(આકાશદીપ)
માનવ તારી શાખ જવાહર , જગ જાણે જવાહર વાત
આત્મ ખમીરથી ઘૂઘવે માનવ, થઈ મહાસાગરની જાત
મેરુસમ તારું અડગ મનોબળ,ઝીલે આયખે ઘોર પડકાર
બલીદાનથી મહેંકતું માનવ અંતર,ના દિઠો કદી લાચાર
યુગોયુગોથી ઓળખે ભગવંત,તારું આત્મ ઓજસ ખમીર
પ્રભુ થયા સારથી પ્રેમે તો , તું થયો ધનુર્ધર વીર
શ્રધ્ધા સહારે ઉડ્યા ગગને, લાંગ્યા સાગર થઈ હનુમાન
તુલસી પત્રે તોળ્યા ત્રિકમ , આભ શ્રધ્ધા દિઠી બળવાન
ધન્ય માનવ દેહ તુજ ને , તારા થકી પ્રભુ પરખાય
માનવતાના ખમીરવંત ઉજાશે, ભગવંત સંગ સૃષ્ટિ સોહાય
રમેશ પટેલ(આકાશદીપ)