આજે માનવજાતના કલ્યાણ માટે , ભારતની પૂણ્યભૂમિ પર ચૈત્રસુદ નવમીએ
બે યુગવર્તી અવતારનું પ્રાગટ્ય થયું.
ભારતભોમની ચેતના ભગવાન શ્રીરામ અને ભગવાન સ્વામિનારાયણ.
આજે હૃદયથી વંદન કરી પુણ્ય સ્મરણના ભાગીદાર થઈએ..
ભારતભોમની સંસ્કૃતિને માનવતાની ચરમ સીમાથી શણગારનાર
શ્રીરામનો જન્મ દિવસ રામનવમી , એ હૃદયને ભાવથી ભરી દેતો
પાવન તહેવાર છે. અયોધ્યામાં દશરથ રાજા અને માત કૌશલ્યાના
આ રાજકુંવર અને ભાઈ ભરત , લક્ષ્મણ અને શતૃઘ્નએ યશની
ધ્વજાથી ભારતને યુગજીવી સંસ્કાર આપી ચૈતન્ય દીધું છે. જગ
કલ્યાણ માટે અવતરેલ ભગવાનની લીલામાં લીન થઈ જઈએ..
જયશ્રી સીતારામ…

રામની રૈયત થાશું….રમેશ પટેલ(આકાશદીપ)
રામની રૈયત થાશું
ભવ પરભવ સુખ જ પાશું
રાજધર્મની શોભા વધારી
એક વચન રઘુ યશ સંવારી
જન ઉરે રાજ જ સ્થાપ્યું
રામ શરણું સુખ સાચું
રામની રૈયત થાશું
ભાતૃપ્રેમ વીર ધીર ધનુર્ધારી
રાજનીતિ તવ સકળ સુખકારી
ભક્ત ઋષિ સ્નેહ દાસુ
રામની રૈયત થાશું
લખણભૈયા સંગ વન વિચર્યા
ખર દૂષણના ત્રાસ ભંડાર્યા
વ્હાલુ કર્યુ વનવાસુ
રામની રૈયત થાશું
માત શબરી અહલ્યા કેવટ
પંચવટી તિરથ મહા પાવન
ભાવ ગદગદ ધરી ગાશું
રામની રૈયત થાશું
સીતા રામજી જગ કલ્યાણી
રોળ્યો રાવણ અભિમાની
ખ્યાત લક્ષ્ય બાણ ધનુષુ
રામની રૈયત થાશું
માનવતાના દીપ પ્રગટાવ્યા
યુગયુગને અજવાળ્યા
હનુમંત સેવક સુખદાસુ
રામની રૈયત થાશું
ભગવદ શક્તિ જગકલ્યાણી નીધિ
અવધ સરયુ રાઘવ રઘુ રીતિ
રામ શરણું સુખ સાચું
રામની રૈયત થાશું
રમેશ પટેલ(આકાશદીપ)
…………………………………………………….
ધન ધન તમારી ઠકુરાઈ.…..રમેશ પટેલ(આકાશદીપ)
જાગી પુનઈ પ્રગટી વડાઈ
રઘુકુળ રીતિ વચન સચ્ચાઈ
રામજી, ધન ધન તમારી ઠકુરાઈ
અભયદા સિયારામ સુભાષી
રાજધર્મની શોભા છલકાઈ
પિતૃ-બંધુ ધર્મની દીપી ખરાઈ
રામજી, ધન ધન તમારી ઠકુરાઈ
ધીર વીર વત્સલ સુહાસી
વચનકાજ હાલ્યા રઘુરાયી
કેવટ પામ્યો ભવ ઉતરાઈ
રામજી, ધન ધન તમારી ઠકુરાઈ
ઋષિ વનવાસી સૌ સુભાગી
વનપથે વિચરે પૂણ્ય કમાઈ
યશોધર શુભંકર ધર્મ ધુરંધર
દશાનન સંગ છેડી લડાઈ
રામજી, ધન ધન તમારી ઠકુરાઈ
રામ લખન સુગ્રીવ હનુમંતા
ભરત શત્રૃઘ્ન ભાઈ બલવંતા
અવધ ઝીલે વિજયઘોષ દુહાઈ
ઋષિ વાલ્મિકી ગાયે ચતુરાઈ
રામજી, ધન ધન તમારી ઠકુરાઈ
રમેશ પટેલ(આકાશદીપ)