Feeds:
Posts
Comments

Archive for April, 2012

સૂરજદાદા સાગરના ખારા જળને મધુર મીઠા મેઘ બનાવવા
વ્યોમે આકરા તપ ધરી રહ્યા છે. સરકારે ભરત ખંડે સારા ચોમાસાના
વાવડ દીધા છે. ખેતીવાડી સારી એટલે દેશની ઈકોનોમીનો ગ્રાફ ઊંચો
લઈ જવાની સીડી. લોકોને મોંઘવારીના ભરડામાં કુદરતી રાહત.
  આવો આજે ગ્રીષ્મની આ રચનાને માણીએ…

(Thanks to webjagat for this picture )

ગ્રીષ્મ.….રમેશ પટેલ(આકાશદીપ)

છંદ-સ્ત્રગ્ધરા

ગ્રીષ્મ ગ્રીષ્મ ધખંતો, બળ બળ જ થતો, ધોમ ને ભોમ રોળે

વૈશાખી વાયરાઓ, વહંત અનલસા , શેકતા ગાત્ર ગાળે

સૂકા ભેંકાર ખેતો, સરવર પટતો , ખાય ચાડી વગાડી

ભૂલી માર્ગો તરસ્યા, વનચર રખડે, શોધતા પંક ક્યારી

 

આકાશેથી વછૂટે, કિરણ જ રવિનાં , તીવ્રતો ખંજરોસાં

ત્યાં ખીલે એ ખુમારી, પથ પથ લહરે, લીમડા શાત દેતા

ઝીલી આ તાપ રંગે, ખુશ ગુલમહરો, ઝૂમતા ગાય ગાથા

આવો ગાવો પક્ષીઓ, હરખ ઉર મહીં, ઝૂલજો છે પરીક્ષા

 

પુણ્યથી ધન્ય બાપો, પરહિત વગડે, ઘૂમતો આશ સાથે

ને પ્રાથે એ તપો રે, ગગન ઉભરશે, વાદળો ગાજશે રે

પાકી ઝૂમે જ જોને, મધુરસ ભર રે, રાયજાદા જ કેરી

બોલાવે લોકમાતા, ઋતુ ફળ ધરવા, છે ભરી વેલડીઓ

 

છે શક્તિ ધન્ય તારી, ધખ ધખ રવિનાં, ઝીલતાં તેજ તીખાં

સંતાયે સૌ જ છાંયે, તન જ તપવતો, ખેતરો જાય ખેડી

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

જગતમાં માનવ જન્મ એ પ્રભુની પરમ પ્રસાદી છે. વિધાતાએ ખૂબ જ ઉમદાને
ઉત્તમ શક્તિઓ બક્ષી છે. આ મનુષ્ય દેહ થકી એ પરમ શક્તિને આધીન રહી,
પોતાની સમર્થતા પ્રગટ કરે જાય છે. માનવના આ આત્મખમીરને બીરદાવીએ.
આજે સુશ્રી પ્રજ્ઞાબેને , આલોક પરલોકની શાસ્ત્રોક્ત વાતોની પ્રસાદી ધરી છે,
તેનો મહિમા પણ જાણીએ…. 

(Thanks to Pragynaben for this writeup)

આપણા સ્થૂળ દેહ સાથે સુક્ષ્મ તથા કારણ એમ બે દેહ રહેલા છે. આઘ્યાત્મવાદીઓ અને રહસ્યવાદીઓએ સંશોધનના આધારે જણાવ્યું છે કે, ‘‘સુક્ષ્મશરીર એટલે એસ્ટ્રલ બોડી.ગાઢ નિદ્રા સમયે આપણું સુક્ષ્મ શરીર દૂર દૂર સુધી વિહરે છે તે એક પાતળા દોરથી સ્થુળ દેહ સાથે ડુંટી સાથે જોડાયેલ રહે છે. આ પાતળા દોરને ‘સિલ્વર કોડ’’’ કહે છે અને તેને આધારે વિહરીને તે સ્થુળ શરીરમાં પ્રવેશે છે. વાયુ, અગ્નિ, આકાશ, જળ અને પૃથ્વી આ પાંચ તત્વોથી બનેલા આ દેહમાંથી જ્યારે દેહવિલય થાય છે ત્યારે જળ અને પૃથ્વી તત્વ નાશ પામે છે. સુક્ષ્મદેહમાં પાંચ જ્ઞાનેંન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ તન્માત્રા મન, બુઘ્ધિ, ચિત્ત અને અહંકાર આમ ૧૯ તત્વો રહે છે. આ દેહ વાયુપ્રધાન હોય છે.
આજે જો સર્વસામાન્ય મત હોય તો તે એ છે કે મૃત્યુ એક એવી ઘટના છે જેમાં માણસનું ભૌતિક શરીર જ નષ્ટ થાય છે. આ મૃત્યુની ઘટના બાદ પણ માણસનું બીજુ શરીર એટલે ક સુક્ષ્મ શરીર સંપૂર્ણ રીતે સક્રીય રહે છે. જેને વિજ્ઞાનની ભાષામાં એસ્ટ્રલ બોડી કહે છે. આ જે સુક્ષ્મ શરીર હોય છે તે સ્થૂળ શરીર એટલે કે ભૌતિક શરીર કરતા અનેક રીતે અલગ અને વિશિષ્ટ હોય છે. આ સૂક્ષ્મ શરીરનો સ્પર્શ કરવો કે તેને નિહાળી શકવું દરેક સમયે શક્ય નથી હોતું.
કોઇ વિશિષ્ટ પ્રયત્ન દ્વારા જ આ શરીર પોતાની ઝલક કોઇને બતાવી શકે છે. આ સુક્ષ્મ શરીર પોતાની યોગ્યતા, પાત્રતા અને પ્રારબ્ધ અનુસાર નિશ્વિત સમય બાદ એક નવું શરીર પ્રાપ્ત કરે છે. નવું શરીર પ્રાપ્ત થાય ત્યાં સુધી પોતાના પ્રારબ્ધ કે મોહને કારણે કોઇ-કોઇ સૂક્ષ્મ શરીર ભૂત-પ્રેતની યોનિમાં એટલે કે ભૂત-પ્રેતની અવસ્થામાં પહોંચી જાય છે. માટે જે ભૂત-પ્રેત હોય છે તે બીજું કંઇ નહીં પરંતુ સૂક્ષ્મ શરીરની જ એક અવસ્થા હોય છે.

(Thanks to webjagat for this picture)

આત્મખમીર…….રમેશ પટેલ(આકાશદીપ)

 

માનવ તારી શાખ જવાહર , જગ  જાણે  જવાહર  વાત

આત્મ ખમીરથી ઘૂઘવે માનવ, થઈ મહાસાગરની જાત

 

મેરુસમ તારું અડગ મનોબળ,ઝીલે આયખે ઘોર પડકાર

બલીદાનથી મહેંકતું માનવ અંતર,ના દિઠો કદી લાચાર

 

યુગોયુગોથી ઓળખે ભગવંત,તારું આત્મ ઓજસ ખમીર

પ્રભુ  થયા  સારથી   પ્રેમે તો , તું  થયો  ધનુર્ધર  વીર

 

શ્રધ્ધા સહારે ઉડ્યા ગગને, લાંગ્યા સાગર થઈ હનુમાન

તુલસી પત્રે તોળ્યા ત્રિકમ , આભ શ્રધ્ધા દિઠી બળવાન

 

ધન્ય   માનવ  દેહ   તુજ ને , તારા   થકી    પ્રભુ   પરખાય

માનવતાના ખમીરવંત ઉજાશે, ભગવંત સંગ સૃષ્ટિ સોહાય

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »


ચૈત્ર અને વૈશાખ એટલે ગ્રીષ્મ ઋતુના પગરવ. સૂર્ય દેવ મેઘનાં મંડાણ
કરવા તપી તપ આદરે. પશુપંખી છાંયો ને વિસામો શોધવા વૃક્ષોની
શરણમાં દોડે.ખેતરો રવિપાક પછી તપી હૂંફ ભેગી કરે. મોસમ પડખું ફેરવે ને
 અન્નદાતા એવો ખૅડૂત આ બળબળતા તાપમાં ખેતરોને પરસેવાથી સીંચે.
જગતને જીવાડતા આ પૂણ્યાત્માને આ રીતે મનોભાવથી વંદ્યો છે એ ફરીથી
માણીએ…. 

Indian Centre for CSR

(Thanks to webjagat for this picture)

સવાયો તાત…રમેશ પટેલ(આકાશદીપ)

ધોમ ધખંતા તાપમાં કરતો, ખેડૂત ખંતથી કામ

ધરતી માતને વંદન કરતાં, લાગે પુરુષાર્થી રામ

 

 

ગગન દ્વારથી નીરખે વિધાતા , જગત તાતની લીલા

પરસેવાની પુણ્ય કમાણી,    કર્મ એજ ભક્તિની ધારા

 

 

પૂછે   પાલનહાર  અંતરપટે, તારે  કેટલું    ખાવું?

શાને કાજે આટલી મહેનત, ધૂપ વરસાદમાં ન્હાવું

 

 

બોલ્યો   ખેડૂત મારા વ્હાલા , શાસ્ત્રોને   ના   સમજું

અન્નપૂર્ણાની મળે મીઠી પ્રસાદી ને ભરોશે હાંકું ગાડું

 

 

ધરતી હરિયાળી વૃક્ષો લહેરે , પંખી કરતાં કલશોર

મોર  ગોર ને પશુ ધન  સંગ થાતો  આનંદ  વિભોર

 

 

ભક્તિ  વંદના  સાંજ  સવારે  ને  થાકે  બોલે  હે રામ

ચીત્ર ગુપ્તે ચોપડે નોંધ્યું ,શ્રી ગણેશ પછી મહા નામ

 

 

વૈકુંઠે લાગી કતારને , રાજ રાજેશ્વર કરતા વિચાર

યજ્ઞ દાન લાખોના કિધાં, ક્યાં સંતાયા અમ નામ?

 

 

પીઠ  થાબડી  શ્રી હરિ બોલ્યા, ભેદ ઊકેલ્યા   ભારી

ભૂખે સૂઇ ભગવદ કામ કીધા, આપ બડાઈ ના કીધી

 

 

નથી   સવાયો   કોઈ   તાતથી,  ભોળી  એની  ભક્તિ

આંખે ઉભરે વહાલના વારિ ,હૈયે ધરણીધરની મરજી

રમેશ પટેલ(આકાશદીપ)

 

Read Full Post »

આ સુંદર ધરા પર સુંદર સંસ્કૃતિઓએ માનવ ગરિમાઓ વધારી.

 આદર , અહિંસા ને કરૂણાનો મહિમા જ્યાં ક્ષીણ થતો ગયો, હિંસા, લોભ ને પાપનો તાપ
આ ધરાને ઘેરવા લાગ્યો. આટલી સુવિધાઓ પછી પણ માનસિક પરિતાપો
વધતા જાય છે. માનવીએ હવે અંતરાત્માને ઢંઢોળવો પડશે તો આ માઠાં
પરિણામોથી બચી શકાશે. કુદરતી સમતોલન તૂટતાં તેનાં વિપરિત પરિણામો
મહાવિનાશક બનવા ડોકાયા કરી રહ્યા છે તેથી અજાણ થવું એ આ જગતને
ભારે પડશે જ…

(Thanks for this picture to webjagat)

છે કિનારા બે જુદા……રમેશ પટેલ(આકાશદીપ)

ગઝલ છંદ વિધાન–ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

ધર્મ  મારો  ધર્મ તારો , છે  કિનારા બે જુદા
જલ  વહાવે  એક બંને , સત્ય એ સાચું બધે

વાત  મારી   વાત  તારી, રોજ   હું  રટતો રહું
જો અમારી વાતથી ડગ, જગ રમે ન્યારું બધે

રંગ   ખીલી  સાંજ  વ્યોમે   આવકારે  રાતને
જાણતી એ  ભોર  થાયે મંગલા  પ્યારું  બધે

દૂર વ્યોમે સૂર્ય જલતો, તપત સાગર આ ધરા
મેઘ   જ્યારે   નાચશે   લીલી   ધરા  ચારું  બધે

સાત  સાગર   સાત   ખંડો  રોજ  નોંખા પાડતો
જો વિચરું વ્યોમે હું, છે મારી ધરા ચીતરું  બધે

ગોખમાં  ‘દીપ’  જલતો  ને  અશ્રુ પશ્ચાતાપના
તેજમાં  શ્રધ્ધા  ભળે તો  સંગ તવ  ભાળું બધે
રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

ચૈત્રસુદ પૂનમ એટલે મહાવીર સંકટમોચન હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ.
ચિરંજીવી અંજની જાયા કેસરીનંદન , પ્રભુકાર્યમાં સહાય થવા શીવકૃપાએ
અવતર્યા અને રામજીને હૃદયમાં સ્થાપી ભગવદકાર્યની યશ પતાકા સંસારમાં લહેરાવી દિધી.આજે પવનપુત્રના ચરણોમાં ભાવ પુષ્પોથી જપ કરીએ…

(Thanks to webjagat for this picture)

અંજની જાયો…….રમેશ પટેલ(આકાશદીપ)
અંજની જાયો કેસરી નંદન, ભગવદ્ ભક્ત મહાન
બાળા નામ છે સુંદર, સમરીએ કર જોડી હનુમાન
જન્મ સાથે પરાક્રમ  પ્રગટે ,   બળ બુધ્ધિ અમાપ
ચૈત્ર  પૂનમે  અવતરીયા,  પવન  પુત્ર  પ્રખ્યાત

રામ  કથા  સંસારે  ગવાશે , અમરપટ  ભોગવશે    હનુમંત  વીર
શ્રીફળ   સિંદૂર    આકડાના   ફૂલે,  રીઝશે   મહા   મારુતી   ધીર
સીતા  માતાએ દીધું સૌભાગ્ય સીંદૂર, આપત્તી ના આવે  તમ પાસ
અયોધ્યા મધ્યે  હનુમાન ગઢીમાં, આજ  પણ પ્રગટે તમારો  વાસ

સ્નેહે સમરીએ સંકટ મોચન, પ્રત્યક્ષ પરચો  પામતા ગુણીજન
પંચાયતમાં  સ્થાન  તમારું,  ભગવંત  સંગ  શોભતા  હનુમંત

રમેશ પટેલ ‘આકાશદીપ’
……………………………………………………….

નથી ભાળ્યું વિશ્વે
અમાપા સામર્થ્ય, પવનપુત્રઓ, તવ સરિખું
બળી બાળા વેશે, ગતિ ગરૂડની, સૂર્ય ગરિમા
નમીએ નિષ્ઠાને, શિર શીવકૃપા,  ધન્ય સુત તું

ચતુરાઈ શાણી
રચ્યો  મૈત્રી  સેતુ,   ઉત્તર-દક્ષિણે,  રામ  મિલને
લઈ  મુદ્રા મળ્યા, જલધિ  છલંગે, માત   જનની
જલાવી લંકાને , અસુર શક્તિ વિલયે, વીર વચને

રટે સ્તુતિ દેવા
રમો સંગ્રામેતો, વજ્ર ખડકસા, યુધ્ધ નિપુણા
રચ્યો રામ  સેતુ, તરલ ખડકે, નિલ  નલથી
સંવારી મારૂતી,  વિજયકૂચથી, રામ  ગરિમા

અતિ સંહારી છે, કપટ અસુરો, ઈન્દ્રજીતસા
સંકટ ઘેરાયા, મૂર્છિત જ બંધુ, ઔષધિ હિમે
મૃતસંજીવની સહગિરી લઈ, આવ્યા પ્રભાતા

મહા ભાગ્ય દેવા, સુયશ લહરે, રામ  મુખથી
તમે ભ્રાતા મારા, ભરત સમ હા!, ભેટુ ઉરથી

ચિરંજીવી દેવા
ન તોલે તોલાય, વિમલ સુયશી, અષ્ટ સિધ્ધિ
અજીતા આલોકે,
ગઢી ગૌરવી તું, અવધપુરમાં, રામ સુખથી
રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

આજે માનવજાતના કલ્યાણ માટે , ભારતની પૂણ્યભૂમિ પર ચૈત્રસુદ નવમીએ
બે યુગવર્તી અવતારનું પ્રાગટ્ય થયું.
ભારતભોમની ચેતના  ભગવાન શ્રીરામ અને ભગવાન સ્વામિનારાયણ.
આજે હૃદયથી વંદન કરી પુણ્ય સ્મરણના ભાગીદાર થઈએ..

ભારતભોમની સંસ્કૃતિને માનવતાની ચરમ સીમાથી શણગારનાર
શ્રીરામનો જન્મ દિવસ રામનવમી , એ હૃદયને ભાવથી ભરી દેતો
પાવન તહેવાર છે. અયોધ્યામાં દશરથ રાજા અને માત કૌશલ્યાના
આ રાજકુંવર અને  ભાઈ ભરત , લક્ષ્મણ અને શતૃઘ્નએ યશની
ધ્વજાથી ભારતને યુગજીવી સંસ્કાર આપી ચૈતન્ય દીધું છે. જગ
કલ્યાણ માટે અવતરેલ ભગવાનની લીલામાં લીન થઈ જઈએ..

જયશ્રી સીતારામ…

 

રામની રૈયત થાશું….રમેશ પટેલ(આકાશદીપ)
રામની રૈયત થાશું
ભવ પરભવ સુખ જ પાશું

રાજધર્મની  શોભા   વધારી
એક વચન રઘુ યશ સંવારી
જન ઉરે રાજ જ સ્થાપ્યું
રામ શરણું સુખ સાચું

રામની    રૈયત   થાશું

ભાતૃપ્રેમ  વીર  ધીર ધનુર્ધારી
રાજનીતિ  તવ સકળ સુખકારી
ભક્ત ઋષિ સ્નેહ દાસુ
રામની  રૈયત   થાશું

લખણભૈયા સંગ વન વિચર્યા
ખર  દૂષણના  ત્રાસ  ભંડાર્યા
વ્હાલુ કર્યુ વનવાસુ
રામની રૈયત થાશું

માત શબરી  અહલ્યા કેવટ
પંચવટી તિરથ મહા પાવન
ભાવ ગદગદ ધરી ગાશું
રામની   રૈયત    થાશું

સીતા રામજી જગ કલ્યાણી
રોળ્યો   રાવણ  અભિમાની
ખ્યાત લક્ષ્ય બાણ ધનુષુ
રામની    રૈયત    થાશું

માનવતાના દીપ પ્રગટાવ્યા
યુગયુગને       અજવાળ્યા
હનુમંત સેવક સુખદાસુ
રામની   રૈયત   થાશું

ભગવદ શક્તિ જગકલ્યાણી નીધિ
અવધ  સરયુ  રાઘવ  રઘુ  રીતિ
રામ શરણું સુખ સાચું
રામની  રૈયત  થાશું

રમેશ પટેલ(આકાશદીપ)

…………………………………………………….

ધન ધન તમારી ઠકુરાઈ.…..રમેશ પટેલ(આકાશદીપ)

જાગી પુનઈ પ્રગટી વડાઈ

રઘુકુળ રીતિ વચન સચ્ચાઈ

રામજી, ધન ધન તમારી ઠકુરાઈ


અભયદા સિયારામ સુભાષી

રાજધર્મની શોભા છલકાઈ

પિતૃ-બંધુ ધર્મની દીપી ખરાઈ

રામજી, ધન ધન તમારી ઠકુરાઈ


ધીર વીર વત્સલ સુહાસી

વચનકાજ હાલ્યા રઘુરાયી

કેવટ પામ્યો ભવ ઉતરાઈ

રામજી, ધન ધન તમારી ઠકુરાઈ


ઋષિ વનવાસી સૌ સુભાગી

વનપથે વિચરે પૂણ્ય કમાઈ

યશોધર શુભંકર ધર્મ ધુરંધર

દશાનન સંગ છેડી લડાઈ

રામજી, ધન ધન તમારી ઠકુરાઈ


રામ લખન સુગ્રીવ હનુમંતા

ભરત શત્રૃઘ્ન ભાઈ બલવંતા

અવધ ઝીલે વિજયઘોષ દુહાઈ

ઋષિ વાલ્મિકી ગાયે ચતુરાઈ

રામજી, ધન ધન તમારી ઠકુરાઈ


રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

Follow

Get every new post delivered to your Inbox.

Join 129 other followers