યુરોપથી રસિયા ખંડ સુંધી પૃથ્વી નો ઉત્તર ધ્રુવ અત્યારે હિમ વર્ષાથી છવાઈ ગયો છે. સફેદ ચાદર ઓઢેલી ધરા ને પર્વત રાજોની સાથે ઠરી જતા સાગર કે સરોવરને ટીવી દ્વારા માણવા મળતા દ્ર્શ્યોથી આનંદ થાય છે ને સાથે સાથે આ કસોટીમાં કુદરત ખોળે જીવતા જીવોની દશા માટે અનુકંપા થાય છે. આ આપત્તિને સૌના લાભ માટે પરિવર્તિત કરવાની શક્તિ ફક્ત સૂરજદાદા પાસે જ છે. ચાલો ઋતુઓની આ કસોટીને સંવેદનાથી ઝીલીએ..

(Thanks to webjagat for this picture)
આદરણીય શ્રી જુગલકિશોરજીના માર્ગદર્શન સાથે તેમના સહયોગથી આભાર સાથે રચનાને મઠારી ફરીથી રજૂ કરું છું. રમેશ પટેલ(આકાશદીપ)
હિમલહરમાં….રમેશ પટેલ(આકાશદીપ)
છંદ- શિખરિણી
અરે ! છૂપાઈ ક્યાં તમ પ્રખરતા દેવ સવિતા !
ધરા શોધે ઉષ્મા, તમ વિણ નભે ખેદ પ્રસરે.
કસોટી ભારે આ, ઋતુ બદલતી નિત્ય ધરતી!
સરે નીચે ઉષ્મા , હિમલહરમાં , કાય થથરે
છવાયા માર્ગો આ, બરફ ઢગલે, સ્તબ્ધ દુનિયા
હિમે છાયી પૃથ્વી, ધવલ પટને, વૃક્ષ ધવલાં-
થયાં કેદી સર્વે, વીજ પણ રુઠે, પંગુ સરિખા
ઠરે ધીરે ધીરે, સરવર બધાં , પાક સઘળાં
“પહાડો શા દીસે ‘પશુપતિ સમાધિસ્તસમ” હા !”
કરી દેતાં આંખો સજળ, અવ શી ધન્ય વસુધા !
હવે જ્યારે વ્હેશે વિમલ જલ, આ સૂર્ય તપતાં,
લહેરાશે વાડી, શતશત રૂપે ધૈર્ય ધરતાં !
મહા શક્તિઓથી, ચતુર પ્રભુ તું , શ્રેય સજતો
ખુશી પામી હૈયે, ગગન ભરશું, ક્ષેમ ધરજો
રમેશ પટેલ(આકાશદીપ)
રમેશભાઈ !
તમારા સતત પ્રયત્નોએ આજે મજાનું ફળ આપ્યું છે ! મને ખૂબ જ આનંદ થયો છે. ખાસ તો –
* શિખરિણીને તમે સાદ્યંત સફળતાથી પ્રયોજ્યો છે !
* પ્રાસયોજના પણ ઘણી સારી રહી છે;
* સોનૅટકક્ષા પણ મહદ્ અંશે મેળવી છે;
* કાવ્યમાં ભાવ અને વિચારને એક ગતિ અને ક્રમ પણ મળ્યાં છે;
પૂરા મનથી તમને ધન્યવાદ આપું છું. હવે કેટલીક અન્ય બાબતો –
* વિરામચિહ્નોનો યોગ્ય રીતે ઉપયોગ થવો ઘટે;
* કેટલાક શબ્દો – જેમ કે પારો, શ્વેતા, સમાધિસ્તે, રૂપલડે – વગેરેમાં ફેરફાર થઈ શકે તો ઉત્તમ;
* મને કેટલુંક સુધારવા જેવું લાગ્યું તેને સ્વીકારવું જરૂરી નથી…અહીં કોમેન્ટક્ષેત્રે મૂકવાનો હેતુ તમારા વાચકો પણ આમાં ભાગ લઈને આ વિષયમાં ચર્ચા કરે તે છે –
––––––––––––––––––––––––––––––––––––
અહીં મૂકું છું તે રચનામાં વિરામચિહ્નો સહિતના ફેરફારો ઝીણવટથી જોઈ જશો એવી અપેક્ષા છે.
અરે ! છૂપાઈ ક્યાં તમ પ્રખરતા દેવ સવિતા !
ધરા શોધે ઉષ્મા, તમ વિણ નભે ખેદ પ્રસરે.
કસોટી આ ભારે, ઋતુ બદલતી આજ ધરતી !
સરે નીચે પારો, હિમ લહરમાં , કાય થથરે !
છવાયા સૌ માર્ગો બરફ ઢગલે, સ્તબ્ધ દુનિયા
હિમે છાયી પૃથ્વી; ધવલ પટ ને વૃક્ષ ધવલાં –
થયાં કેદી સર્વે, વીજ પણ રુઠે, પંગુ સરિખા
ઠરે ધીરે ધીરે સરવર અને પાક સઘળા.
પહાડો શા દીસે ‘પશુપતિ સમાધિસ્ત’ સમ હા !
કરી દેતાં આંખો સજળ, અવ શી ધન્ય વસુધા !
હવે જ્યારે વ્હેશે વિમલ જલ, આ સૂર્ય તપતાં,
લહેરાશે વાડી, શતશત રૂપે ધૈર્ય ધરતાં !
મહા શક્તિશાળી, ચતુર પ્રભુ તું ! શ્રેય સ્રજતો,
ખુશી પામી હૈયે, ગગન ભરશું, ક્ષેમ ધરજો.
આદરણીય શ્રી જુગલકિશોરજી.
વ્યસ્તતા છતાં રસ લઈ અમને બહુમૂલ્યવાન બારીકાઈથી કૃતિઓને
ચકાસી જે માર્ગદર્શન આપો છો તે માટે અમે ભાગ્યશાળી છીએ. આપના
દરેક શબ્દને સમજી વારંવાર વિચારી સાહિત્યની કળા માણવાની અમે
એક પણ તક ચૂકવા માગતા નથી. આપના નેટ ગુર્જરીથી જ આ
છંદ યાત્રા ચાલે છે અને આપનો વિશેષ આભારી છું.
આપે આપેલા વિરામ ચીન્હોમાં , છંદમાં યતિની જગ્યા બદલાય તો
ચાલે કે કેમ ?…
હવે જ્યારે વ્હેશે વિમલ જલ, આ સૂર્ય તપતાં,
લહેરાશે વાડી, શતશત રૂપે ધૈર્ય ધરતાં !
…………………………….
અવ શી ધન્ય વસુધા !
………………સમજાવશો
………………………………………..
પહાડો શા દીસે ‘પશુપતિ સમાધિસ્ત’ સમ હા !
કરી દેતાં આંખો સજળ, અવ શી ધન્ય વસુધા !
આપે રચેલી આ પંક્તિઓને મંગલ શીવ સ્વરૂપનાં દર્શનથી છલકી ઊઠેછે.
…………………..
પહાડો શ્વેતા આ, ઉપવન સમા, ધન્ય વસુધા
સમાધિસ્થે દીસે, પશુપતિ સમા ,આંખ ભરતા
મેં હિમાચ્છાદિત પહાડોને શીવ રુપે નીરખી વાત રજૂ કરી છે
આભાર સહ
રમેશ પટેલ(આકાશદીપ)
ખરેખર સરસ કાવ્ય છે.
મારા એમ. એ.ના મહાનિબંધમાં મારે ઉમાશંકરભાઈ અને સુંદરમ્ નાં શિખરિણી કાવ્યોની ચર્ચા કરવાની હતી. એ વખતે એમાંની એક તપાસ એ પણ હતી કે આ બન્નેનાં કાવ્યોમાં છંદગત યતિ ઉપરાંતની “અર્થગત યતિ” કોણે કેટલી વાર પ્રયોજી છે ? મજાની વાત એ છે કે, બહુ મોટા પ્રમાણમાં આ અર્થગત યતિનો પ્રયોગ બન્ને મહાનુભાવોએ કર્યો છે.
કાવ્યમાંની છંદગત યતિનું નિશ્ચિત સ્થાન હોય છે. (કેટલાક છંદોમાં એકથી વધુ યતિ હોય છે જેમ કે મંદાક્રાંતામાં ૪ અને ૧૦ પર હોય છે) તો કેટલાકમાં યતિ નથી હોતી. પરંતુ અર્થગત યતિ તો દરેક કાવ્યમાં હોય જ. અર્થને ઉપસાવવા માટે અને વધુ સ્પષ્ટ કરવા માટે જ તો વિરામચિહ્નો હોય છે. તેથી એનું સ્થાન તો કવિ નક્કી કરે ત્યાં, ગમે ત્યાં, ગમે તેટલી વાર આવી શકે…
તમારી આ પંક્તિઓ
“પહાડો શ્વેતા આ, ઉપવન સમા, ધન્ય વસુધા. સમાધિસ્થે દીસે, પશુપતિ સમા ,આંખ ભરતા…”નો જે અર્થ થાય છે તે જ મારી પંક્તિઓનો પણ થાય છે. મેં ફક્ત શબ્દોનાં સ્થાન બદલ્યાં છે.
મારે જોકે આ પંક્તિમાંના અવતરણને બદલીને આ રીતે મૂકવાં જોઈતા હતાં –
“પહાડો શા દીસે ‘પશુપતિ સમાધિસ્તસમ” હા !”
આપણા બન્નેની બધી પંક્તિઓનો અન્વય કરી જોશો તો ખ્યાલ આવી જશે.
સમાધિસ્થે દીસેનો અર્થ “સમાધિએ” કરવો હોય તો સ્થનું સ્થે ન થાય.
––––––––––––––––––––––––
અવ શી ધન્ય વસુધા !
………………સમજાવશો
અવનો અર્થ આમ તો ‘હવે’ થાય. શિવનું આવું રૂપ જોયું, ને આંખો સજળ થઈ પછી (હવે) વસુધા પણ શી – કેવી – ધન્ય જણાય છે !! એમ અર્થ કરવો પડે. કેટલાક શબ્દો છંદ સાચવવા માટે પણ મુકાતા હોય છે !
ફરી તમારા પ્રયોજેલા છંદ અને સોનૅટ તરફ જઈ રહેલી તમારી કલમને ધન્યવાદ આપું છું. મારાં નેટ પરનાં લખાણો પરથી ઘણાને લાભ થયો છે. પણ તમે તો સાચ્ચે જ મારી મહેનતનું ફળ આપ્યું છે.
એક મજાની વાત લખું ?
શીર્ષક “હિમ લહરમાં”નો એક અર્થ “લહરની અંદર હિમ” એવો પણ થાય જે જુદે માર્ગે લઈ જાય છે !
ખરેખર તો એ બન્ને શબ્દોનો સમાસ થાય છે જેના કારણે એવો જુદો અર્થ થતો અટકે. “હિમલહરમાં” એમ શીર્ષક હોવું જોઈએ તે ફક્ત ધ્યાન પર લાવવા લખું છું.
શ્રીમાન. રમેશભાઈ
સુંદર કોમેન્ટસ સાથે આપની રચના
માં ભક્તિભાવ શોભી રહ્યો છે.
” મહા શક્તિઓથી, ચતુર પ્રભુ તું, શ્રેય સજતો
ખુશી પામી હૈયે, ગગન ભરશું, ક્ષેમ ધરજો. ”
કેટલો સુંદર ભાવ છે. જે આપની કલમે જ લખાય
આદરણીય શ્રી રમેશભાઈ,
રચના નો આસ્વાદ માણવા સાથી વડીલ શ્રી જુગલકાકાએ દર્શાવેલ સુચનો અને તેમાં તમારા દ્વારા આપવામાં આવેલ પ્રતિસાદ દ્વારા કાવ્ય કે રચનામાં રહેલ ઊંડાણ નો આછેરો ખ્યાલ આવ્યો કે, જે રચનાઓ તત્કાલ કવિઓ કે રચ્યાતાઓ રચે છે તેઓ પાસે શું આટલું ઊંડાણ પૂર્વકનું જ્ઞાન હશે ? ખરેખર વડીલ જુગલકાકા ને વંદન કરું છું કે એક વડીલને શોભે તેવું માર્ગદર્શન તેઓ તરફથી હંમેશ દરેક ને મળી રહેં છે.. બાકી રહી રચનાની વાત , તો તમારી કલમ માટે વધુ શું લખું?ખૂબજ સુંદર ભાવ સાથે હંમેશા નવું આપો છો… ધન્યવાદ !