અવનવી વેશભૂષા સાથે નવરાત્રીનો ઉત્સવ જોમે જામવા લાગ્યો છે.
રાસ રમવાનો લ્હાવો અનેરો છે. આજે રાસના રંગે રંગાઈએ…

(Thanks to Divyabhaskara for picture)
રંગે રમીએ રાસ…રમેશ પટેલ(આકાશદીપ)
દીઠો એક ચાંદલિયો રમતો આભ
બીજો ચાંદલિયો રમે સરોવર પાળ
આવો ને ભેરુ રંગે રમીએ રાસ
મને ગમે એક ફુમતું તારે પાઘ
એના સંગે રમતી મારી આંખ
આવોને સખીઓ ગરબે ઘૂમીએ આજ
મારા મહેલે ઝૂલે હાથીડાની હાર
જુએ મારા હૃદયાની રાણીની વાટ
આવોને ભેરુ રમીએ રંગે રાસ
એક પતંગ ઊડે ઊંચે આકાશ
સાથે સરકે લઈ દિલડાની આશ
આવો ને સખીઓ સાથે રમીએ રાસ
મારે આંગણિયે હરખે મોગરાનું ફૂલ
વાલમની વેણીનાં કોણ કરશે મૂલ
આવોને ભેરુ બારણે લટકાવીએ ઝૂલ
મારે મંદિરિયે બેઠી પારેવાંની જોડ
મારા મનમાં રમે કોડીલા રે કોડ
આવોને સખીઓ માથે મૂકીએ મોડ
ખીલ્યું એક કેસરિયું ફૂલ રે વાટ
બીજો કેસૂડો મોહર્યો યમુનાજીને ઘાટ
વહાલો ચાંદલિયો ખીલ્યો આકાશ
આવો ને ભેરુ રંગે રમીએ રાસ
રમેશ પટેલ(આકાશદીપ)
રમજો રમજો રે હિંચ લઈ નવરાત્રિના નવલાં દિવસો…
શ્રીમાન.રમેશભાઈ
આપે તો સાચે જ વિદેશમાં હોવા છ્તાં ભારતમાં હોય
તેવો નવરાત્રીનો રંગ રાખ્યો છે.
સુંદર મનભાવન રચના.
આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)
નવલા નોરતાની રઢિયાળી રાતે રંગ ભરીને રાસ રમવાનો લહાવો અનોખો છે.
વાહ રૂમીઝુમીને રાસ રમાડી દીધો આપે. ભક્તિ રસ પાયો.
આદરણીય શ્રી રમેશભાઈ,
ખીલ્યું એક કેસરિયું ફૂલ રે વાટ
બીજો કેસૂડો મોહર્યો યમુનાજીને ઘાટ
વહાલો ચાંદલિયો ખીલ્યો આકાશ
આવો ને ભેરુ રંગે રમીએ રાસ…
મા ની વંદના સાથે સુંદર ભાવ …
ધન્યવાદ !